વસતંભાઈ પૂજા કરીને બહાર આવ્યા ..
એમને આવેલા જોઈને દુર્ગાબહેન ડાઈનિગંટેબલ પર નાસ્તાની વાનગીઓ ગોઠવવા લાગ્યા .
જોઈ વસંતભાઇ ને જરા હસવું આવી ગયુ. થોડીવારમા દુર્ગાબહેન તેમને બોલાવવા આવ્યા.
”-ચાલો સાહેબ નાસ્તો તૈયાર છે”.- હસીને વસતંભાઈ એ કહ્યુ ,
‘’ અરે દુર્ગાબહેન, તમે ભુલી ગયા .આજથી તો હું રિટાયર થઈગયો છું .
હવે મારે નાસ્તો કરીને ઓફીસે ભાગવાનું નથી. હવેતો બસ આરામ જ આરામ છે.
એક કામ કરો આજે મારો નાસ્તો બાલ્કનીમાં જ મોકલાવી દયો .
હું આજે ત્યાંજ નાસ્તો કરીશ.’’– વસતંભાઈ બાલ્કનીમાં આવ્યા.
વાલકેશ્વરના –‘ચન્દૃદર્શન’ ના છઠ્ઠે માળેથી સામે ઘુઘવતો દરિયો દેખાતો હતો.
વસતંભાઈ દરિયાના ઉછળતા મોજાને જોઈ રહ્યા .ઉછળતા મોજા જાણેકે આખીએ સૃષ્ટીને પોતાનામાં સમાવવા ઉતાવળા થયા હતા.નીચે રસ્તા પર ગાડીઓ જાણે કે ભાગતી હતી.
ગઈ કાલસુધી પોતે પણ આ ફાસ્ટ જિદંગીનોજ એક ભાગ હતા .આજે બસ પરમ શાંતિ છે.
માથા પર કોઇ ભાર નહીં .. વસતંભાઈ પોતાનો ભુતકાળ વાગોળી રહ્યા.
પત્ની શાંતિબહેન ના મૃત્યુ પછી જાણે તેમની જિદંગીની એકજ વ્યાખ્યા હતી ..કામ્. કામ ..અને કામ..
અથાગ મહેનત અને પરિશ્રમ કરીને તેમણે પોતાની કંપનીને એક ઊંચાઈ પર પહોચાડી .
દીકરા દીપકને એકલે હાથે મોટો કર્યો .તેને ભણાવ્યો અને પછી ધધાંમા પલોટ્યો. આજે દીપક એક કાબેલ બિઝનેસમેન છે. હમણાં ઘણા વખતથી વસંતભાઈને થયા કરતું હતું કે બસ... હવે બહુ કામ કંર્યુ. મોટા ગામતરે જવાનો વખત આવે તે પહેલા જિદંગીને જરા માણવી છે! .. દીપક ને કહ્યું –‘’બેટા હવે હુંરિટાયર થવા માંગુ છુ’’. –અને સઘળો કારોબાર દીપકના નામ પર કરી તેમણે રિટાયરમેંટ લઈ લીધી..
આજે તેમનો પહેલો દિવસ હતો. –‘’સાહેબ .ચા ઠંડી થઈ ગઈ . બીજી બનાવીને લાવું ?’’
.. પાછળથી દુર્ગાબહેનનો અવાજ આવ્યો. –
‘’ના ના ચાલશે’’. – કહી વસંતભાઇએ ચાનો ઘુટંડો ભર્યો-
‘’ ગરમ ગરમ ચા તો બહુ પીધી . હવે જરા ઠંડી ચા નો આનંદ લેવા દયો’’.
ધીરે ધીરે વસંતભાઈ નિવૃતિમય પ્રવૃતિમાં પ્રવૃત થયા. સવારે ગાર્ડનમાં ચાલવા જાય. યોગ કરે. સાંજના તેમને ગમતા પ્રવચનોની શ્રેણિઓમાં જાય. ગમતુ સંગીત સાંભળે .ઘર મોટું હતું એટલે તેમના ઓરડામાં શાંતિથી પોતાનુ ગમતુ કામ કરી શકતા. કંઈ કેટલાય લેખકોની પુસ્તકો વાચવાની તેમની ઇચ્છા હતી. તે પણ હવે પૂરી થતી હતી. સહઉમ્રના મિત્રોનું એક ગ્રુપ બની ગયું હતું એટલે આનંદમા દીવસો પસાર થતા હતા. ક્યારેક દીપક સાથે બેસી ધંધાની ચર્ચા કર્તા. તો ક્યારેક પૌત્ર સૌમિત્ર સાથે શતરંજની ગોઠડી માંડતા..