*સડન એક્ઝીટ*
*શ્રીદેવીને મેસિવ હાર્ટ એટેક આવ્યો અને એ ગુજરી ગયા.* *બધાં એ પોસ્ટ મૂકી. ઘણાં બધાએ RIP લખીને દુખ વ્યક્ત કર્યું. ઘણાં એ લાઇક કર્યું અને શેર પણ કર્યું. અચાનક કોઇ ગુજરી જાય ત્યારે આપણે કાયમ લાઇક અને શેર કરીએ જ છીએ-પણ આ બધાંની વચ્ચે ‘સડન-એક્ઝીટ’ વિશે વિચારવાનું ચૂકી જઇએ છીએ.*
*જે વ્યક્તિએ આપણાં સપનાં સાચાં પાડવા ઉજાગરાઓ કર્યા હોય, જેની સાથે હજી આગલી સાંજે જ બાલ્કનીમાં બેસીને કોફી પીધી હોય, મોડી રાત્રે ‘મને તો આવું ફાવે જ નહીં..!’ કહીને ઝગડો કર્યો હોય-એ વ્યક્તિ બીજા દિવસે સવારે અચાનક જ આપણી જીંદગીમાંથી એક્ઝીટ લઇ લે તો?*
*…તો એ વ્યક્તિ સાથે એને કહેવાની બાકી રહી ગયેલી અનેક વાતો ધુમાડો થઇ જાય અને એ ધુમાડો આખી જીંદગી દિલને દઝાડ્યા કરે-આ નહીં દેખાતો ધુમાડો સહન કરવો સહેલો નથી હોતો…*
*જેની સાથે લોહીનો સંબંધ છે અને જેની સાથે શ્વાસનો સંબંધ છે-એની સાથેની જીંદગી આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેતાં હોઇએ છીએ. આ વ્યક્તિઓ હવા જેવી હોય છે-વર્તાતી નથી પણ શ્વાસ લેવા માટે જરૂરી હોય છે. વિચારી જુઓ, કંટાળી-કંટાળીને જેનો ફોન રિસિવ કર્યો હોય, જેનો મેસેજ વાંચીને જવાબ આપ્યા વિના મોબાઇલને બાજુમાં મૂકી દીધો હોય-એ વ્યક્તિ એક દિવસ ફોન કરવા કે મેસેજ કરવા માટે હાજર જ નહીં હોય તો?*
*સડન એક્ઝીટ પીડાદાયક હોય છે અને આ પીડામાંથી બચવાનો એક જ ઉપાય છે કે, ગમતી વ્યક્તિ સાથે પળેપળને જીવી લો અને પળે-પળને જીવી લેવી હોય તો-એની સાથે રોજ એવી જ રીતે વર્તો-જાણે છેલ્લી વાર મળી રહ્યાં હોવ…જીવનભરનાં ગિલ્ટમાંથી ઉગરી જવાનો આ એકમાત્ર રસ્તો છે.*