🏠💞🦋🏠✒
ટૂંકી વાર્તા : "કંપની "
નદી કિનારે ૫૦૦૦ ચોરસ વાર ના મોટા પ્લોટ માં અજય નો આલીશાન બંગલો હતો ; શહેર ના અતિ ધનિક લોકો માં એની ગણતરી થતી . અજય એની પત્ની રીટા અને પુત્ર સુકેન તથા પિતા હસમુખરાય સાથે ભવ્ય વીલા માં રહેતો હતો . એક દિવસ ડાઇનિંગ ટેબલ પર સહુ જમવા બેઠા હતા ત્યારે હસમુખરાયે કહ્યું " બેટા મને ઘરડા ઘર માં મૂકી આવને ; અજય અને રીટા ચોંકી ઉઠ્યા અને વિચાર્યું કે અમારી માવજત માં કોઈ ખામી રહી ગઈ કે શું ? અજયે કહ્યું " કેમ પપ્પા , અમારા થી કોઈ ભૂલ થઇ ગઈ કે કોઈએ તમને કઈ કહ્યું ? હસમુખરાયે હંસતા હંસતા કહ્યું ; ના બેટા ના ; તું વહુ અને સુકેન જેટલી સાર સંભાળ મારી કોણ રાખી શકે ? પણ હું અહિંયા એકલો આખો દિવસ કંટાળી જાઉં છું અને ઘરડા ઘર માં મારા ત્રણ જુના મિત્રો છે તો મારો ટાઈમ પાસ થઇ જશે . અજયે કહ્યું " પપ્પા , સમાજ અમારા માટે શું વિચારશે ; ૬ મહિના જવા દો હું કઈ વ્યવસ્થા કરી આપીશ . હસમુખરાય પણ માની ગયા . વાત વિસરાઈ ગઈ . અજયે વિલા ની બાજુમાં એક નાનું આઉટ હાઉસ બનાવવાનું શરુ કર્યું અને જોત જોતા માં એક સુંદર મજાનું આઉટ હાઉસ તૈય્યાર થઇ ગયું . હસમુખરાયે પૂછ્યું ; બેટા આ શું કામ બનાવ્યું ? આપણું આટલું મોટું ઘર છે ને ; અજયે કહ્યું કે મેહમાનો માટે છે ને આવતા રવિવારે તમારા હાથે ઉદ્દઘાટન કરવાનું છે . રવિવાર આવી ગયો , ફેમિલી મેમ્બર્સ અને થોડા મિત્રો ને બોલાવવામાં આવ્યા હતા , આઉટ હાઉસ પર રીબીન બાંધવામાં આવી હતી ; હસમુખરાયે તાળીઓ ના ગડ્ગડાટ સાથે રીબીન કાપી ; અજયે કહ્યું " પપ્પા બારણું પણ ખોલો , હસમુખરાયે બારણું ખોલ્યું , સામે ખુરશી પર તેમના ત્રણ મિત્રો બેઠા હતા , હસમુખરાય ખુશી થી ઝૂમી ઉઠ્યા અને ત્રણે મિત્રોને ગળે લગાડી દીધા . અજય રૂમમાં દાખલ થયો તો ચારે વડીલો એને ભેંટી પડ્યા . અજયે કહ્યું કે પપ્પા ની ઈચ્છા હતી કે તમારી સાથે જિંદગી વિતાવે એટલે હું ત્રણે વડીલોને ઘરડા ઘર થી અહીં લઇ આવ્યો , આજ થી તમારા લોકો નું આજ ઘર છે , મેં એક કેર ટેકર શંભુ કાકા ને પણ રાખ્યા છે જે તમારી તહેનાતમાં આખો દિવસ હાજર રહેશે . ચારે વડીલોની આંખમાં થી અશ્રુઓ વહી ગયા . અજય બારણું બંધ કરીને બહાર નીકળ્યો અને રૂમ માં થી ખડખડાટ હાસ્ય ના અવાજો આવવા લાગ્યા . અજયે મનોમન બોલી ઉઠ્યો "જુના મિત્રો ની "કંપની " સ્ટીરોઈડ જેવી હોય છે " !!!