ઘર મને એવું ગમે

આંગણું દે આવકારો,
ઘર મને એવું ગમે,
બારણાં બોલેઃ
‘પધારો’,
ઘર મને એવું ગમે.

હો પગરખાંનો પથારો,
ઘર મને એવું ગમે,
હોય જે ઘરને ઘસારો,
ઘર મને એવું ગમે.

કાયમી જ્યાં છમ્મલીલાં
લાગણીનાં ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો,
ઘર મને એવું ગમે.

નીંદની ચાદર હટાવે,
ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો,
ઘર મને એવું ગમે.

જ્યાં લાગે અજાણ્યાનેય પણ
પોતાપણું,
લોક ચાહે જ્યાં ઉતારો,
ઘર મને એવું ગમે.

થાકનો ભારો ઉતારે,
કોઈ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો,
ઘર મને એવું ગમે.

મંદિરો જેવું પરમ સુખ,
સાંપડે જ્યાં જીવને,
જ્યાં રહે ચડતો સીતારો,
ઘર મને એવું ગમે..

આપનો દિવસ શુભ રહો.....