કોઇ અજાણ્યો ચહેરો વહેલી સવારે 'સબરસ' આપી ગયો... 
જાણે નૂતન વર્ષની બધી શુભેચ્છાઓનો સાર આપી ગયો.! 
વહેલી પરોઢે કુરિયરમાં કુદરતનો સંદેશ જાણે આપી ગયો.! 
આમ ખારું ને તો ય નામ મીઠું.!? 
સવાલ આવો મૂકતો ગયો... 
નાના ચાર ટુકડા દઇ, 
વિચારતો કરતો ગયો. 
પ્રમાણ જાળવો તો મીઠું, ને નહીં તો ખારું.! 
સબરસ દઈ - આ જીવન સત્ય પ્રગટ કરતો ગયો.!! 
જીવનના કડવા, ખાટા, તૂરા રસને સમરસ કરવાનો કિમીયો દેતો ગયો.... 
થોડી અમથી બોણી સામે બેશ-કિંમતી દેતો ગયો.!! 
સ્વાદ અને જીવન : બેસ્વાદ - ફીકા બનતા અટકાવવાની જાણે સામગ્રી આપતો ગયો.... 
ને આ સામગ્રી તો હાથવગી છે, 
એનું ભાન કરાવતો ગયો.!! 
જમણ હો કે જીવન : સ્વાદ વિનાની સજાવટથી નકામા..! 
પણ બેઉનો 'આસ્વાદ' લેવાની ચાવી સબરસ માં.... 
સપરમા દહાડે આ ગુરુચાવી દેતો ગયો.... 
નવા વર્ષની પહેલી-વહેલી પરોઢે ધન્ય કરતો ગયો,... 
એક નિર્દોષ - માસૂમ છોકરો, સબરસ સાથે 
કેટલું બધું દેતો ગયો.!!
