નથી જોઈતી !

આપવું હોય તો આપ ઈજ્જતથી, કોઈ ખેરાત નથી જોઈતી,
ભીડ પડેથી આવીશ અવતાર લઈને, એવી વાત નથી જોઈતી!

છે અમારા બાવડા  માંહી બળ અને હૈયા માંહી હામ પૂરી,
કર  હવે કર સીધોજ વાર, આગ કે પાણીની ઘાત નથી જોઈતી!

ખુલ્લી આંખે સપના જોઈ શકું છું, નથી મહોતાજ નીંદરનો,
સપના જોવાને ખાતર ,  મારે કોઈ રાત નથી જોઈતી !

ટોળાનો માણસ છું, ટોળું થઇ જીવું, આ ધરા પર,
શ્વાસોની આ લેતીદેતીમાં કોઈ જુદી ભાત નથી જોઈતી!

અપેક્ષાઓ રાખી પસ્તાયો છું, પોતાનાઓ થી  જીવનભર,
દુશમની હવે ફાવી ગઈ, દોસ્તીની સોગાત નથી જોઈતી!

બિલાડા કુતરાના અવતાર નો ડર નાં બતાવ મને,
માણસ થઈને જોઈ લીધું, માણસની ફરી જાત નથી જોઈતી !!

.... મેહુલ ભટ્ટ

વરસ આ બદલાયુ

વરસ આ બદલાયુ
ચાલો થોડા બદલીએ.

જામ થયેલા વલણોને
ચાલો થોડા ઓગાળીએ.

વ્યસનોની બદી છોડીને
ચાલો જીંદગીનો જામ માણીએ.

પરપોટો જીવતર જાણી
ફૂટ્યા પેલા તરી જાણીએ.

દોડ જીવતરની દોડીને પણ
એકાદ પોરો મજાનો ખાઇએ.

નવા વરસે નવા મોબાઈલ સૌને મળે
ને નેટ સાથે નેહથી કયારેક રૂબરૂ મળવાનું રાખીએ.

આ સબંધોની ફાઇલ "નીલ " થાય
એ પહેલા વોટ્સેપ / ફેઈસબુક પર નહીં
ડાયરે વહેલા પધારીએ.

દરવાજો ખુલ્લો જ છે..

🌟
આવી જા 2018
દરવાજો ખુલ્લો જ છે
અંદર આવ..

પણ જરા થોભી જા
બારસાખ નજીક રાખેલાં
પગલુછણીયે તારો
*અહમ્* ખંખેરતો આવજે..

મધુમાલતી વીંટળાયેલી છે છજ્જે
ત્યાં *નારાજગી* વીંટાળી આવજે..

તુલસીનાં ક્યારે
મનની *અતૃપ્તિ* ચઢાવી
આવજે..

પોતાની *વ્યસ્તતા*ને બહાર ખીંટીએ ટાંગી આવજે..

પગરખાં સંગ *નકારાત્મકતા* ઉતારી આવજે..

ને

બહાર રમતાં બાળકો
પાસેથી થોડું *નટખટપણું*
માંગી લાવજે..

પેલાં ગુલાબનાં છોડ પર *હાસ્ય* ખીલ્યું છે
એ તોડીને પહેરી આવજે..

લાવ, પોતાની *મૂંઝવણો* મને પકડાવી દે
તારાં થાક ઉપર મનામણાનો વિંઝણે ઝુલાવી દઉં..

જોને તારાં માટે
સાંજ બિછાવી દીધી છે અને
સૂરજને ક્ષિતિજે બાંધ્યો છે
આકાશે લાલીમા છાંટી છે..

પ્રેમ ને વિશ્વાસનાં ઘીમાં તાપે ચાક ચઢાવી છે
*ઘુંટડે-ઘુંટડે માણજે..*

સાંભળને..
વેલકમ 2018

"માણસ " કેવું જીવન જીવી ગયો

શીર્ષક:
" માણસ" કેવું જીવી ગયો .

જે દી હતો પારણામાં તે દી ,
રમાડે એમ રમતો ગયો ;
ઝાલી આંગળી માવતરની ,
સીડી જીવનની ચડતો ગયો .(૧)

જ્ઞાન માટે નિશાળે ગયો ,
માસ્તર ભણાવે એમ ભણતો ગયો ;
ભણી ગણી પારંગત બની ,
યુવાનીમાં પગ મેલતો ગયો ...(૨)

મૂછે વળ દેતા દેતા ,
છલાંગ ઈ ભરતો ગયો ;
મળે મોકો ગમે ન્યા,
મીઠો ઘા મારતો ગયો ...(૩)

નોકરી કરી ધંધા ઘણા ,
પાર બધું પાડતો ગયો ;
ચાખી સ્વાદ સફળતાનો ,
નશા માં એ ડૂબતો ગયો ...(૪)

સમાજનો એક ભાગ માની ,
કામ બધા ને આવતો ગયો ;
જેવા સાથે તેવા માની ,
વ્યવહાર કુશળ કરતો ગયો ...(૫)

સમય ના વહેણમાં તણાતો તણાતો ,
સમય સાથે બદલાઈ ગયો ;
કોઈ કોઈનું નથી ઈ વાત ને વળગી ,
સ્વાર્થ ના રંગે રંગાઈ ગયો ...(૬)

ખીસું નથી કફનમાં છતાં ,
એજ ખીસાને ખોળતો ગયો ;
ખાલી હાથ જવાનું છતાં ,
બેલેન્સ બધાનું કરતો ગયો ...(૭)

અંતે જડી વેળા એ ઘડપણ ની ,
લાકડીના ટેકે ચાલતો ગયો ;
ઝાલી લીધી હાથમાં માળા ,
પ્રભુનું નામ જપતો ગયો ...(૮)

મળ્યું એકાંત જે દી એને ,
સ્મરણ જીવન નું કરતો ગયો ;
લમણે હાથ દઈ બેસી ખૂણા માં ,
ચોધાર આંસુ એ રડતો ગયો ...(૯)

ભોગવ્યા સુખ જીવન માં બધા ,
ફરજ એક ચુકી ગયો ;
ભગવાન હતા ઘરમાં છતાં ,
સેવા નો અવસર વિસરી ગયો ...(૧૦)

ખોળિયું છોડવા મથે પ્રભુ ને ,
હાથ જોડી કરગરતો ગયો ;
વિચારે છે કવિ આજે ,
"માણસ " કેવું જીવન જીવી ગયો ...(૧૧)