જીવન નીકળતું જાય છે.

*જીવન નીકળતું જાય છે..*

આંખ ખોલીને આળસ મરડવામાં..
પુજા-પાઠ ને નાહવા-ધોવામાં..
દિવસભરની ચિંતા કરવામાં..
ચા ઠંઙી થઈ જાય છે..
    *.....જીવન નીકળતું જાય છે.*

ઓફિસની ઉલ્ઝનોમાં..
પેન્ડીંગ પડેલ કામોમાં..
તારાં મારાંની હોડમાં..
રૂપીયા કમાવવાની દોડમાં..
સાચું-ખોટું કરવામાં..
ટીફીન ભરેલ રહી જાય છે..
*.....જીવન નીકળતું જાય છે.*

મેળવ્યું એ ભૂલી જઈ..
ન મળ્યું એની બળતરા થાય છે..
હાય-હોયની બળતરામાં
સંધ્યા થઈ જાય છે..
ઉગેલો સૂરજપણ અસ્ત થઈ જાય છે..
   *.....જીવન નીકળતું જાય છે.*

તારા-ચંદ્ર ખુલ્લા આકાશમાં..
ઠંડો પવન લહેરાય છે તો પણ..
દિલમાં કોઈનાં કયાં ઠંડક થાય છે.. ?
અધુરાં સપનાઓ સાથે
આંખ બંધ થાય છે....
*.....જીવન નીકળતું જાય છે.*

*ચાલો..*
*સૌ દિલથી જીવી લઈએ..*

*જીવનનીકળતું જાય છે*.

આપણે ક્યાંક મોટા થઇ ગયા...

*આપણે મોટા થઇ ગયા*

"ધ્યાન દોરવા જોરથી રોવું" અને "ધ્યાન ન પડે તે માટે છાને ખૂણે રોવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"કટ્ટી" અને "બ્લોક્ડ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"૧ રૂપિયાની ૭ પાણીપુરી" અને "૭ રૂપિયાની ૧ પાણીપુરી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મેદાન પર આવીજા" અને "ઓનલાઈન આવીજા" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હોટલમાં ખાવા ઝંખવું" અને "ઘરનું ખાવા ઝંખવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ખાધુ પીધુ ને રાજ કર્યુ" અને "દુનિયાદારી સ્વીકારવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"બહેનની પારલે ચોકલેટ ચોરવી" અને "બહેન માટે સિલ્ક લાવવી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"મમ્મી હજુ પાંચ મિનિટ ઉંઘવા દે" અને "snooze બટન દબાવવું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"તૂટેલી પેન્સિલ" અને "તૂટેલા દિલ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"જીંદગીભરના દોસ્ત" અને "કાંઇજ કાયમી નથી" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"હું મોટો થવા માંગુ છું" અને "હું ફરીથી બાળક બનવા માંગુ છું" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

"ચાલો મળીને પ્લાન કરીએ" અને "ચાલો પ્લાન કરીને મળીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા.

અને છેલ્લે ..

"મા બાપ આપણી ઇચ્છા પુરી કરે" અને "આપણે મા બાપની ઇચ્છા પુરી કરીએ" એ બે ની વચ્ચે આપણે ક્યાંક મોટા થઇ ગયા... 🙋‍♂🙏

ભગવાનની લીલા..

ભગવાનની લીલા ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽👇🏽

1972નો જૂન મહિનો હતો. પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની કથા પૂરજોશમાં શરૂ હતી. ગુરુકુલ હાઈસ્કૂલ સોનગઢના વિશાળ મેદાનમાં ઊભા કરાયેલ ભવ્ય શામિયાણામાં કથાનું આયોજન કરાયું હતું. આજુબાજુના કંઈ કેટલાંય ગામોમાંથી લાખોની મેદની ઊમટતી. એને પહોંચી વળવા માટે ગુજરાત એસ.ટી.એ ખાસ બસોની વ્યવસ્થા કરવી પડી હતી. એ લાખો લોકો વચ્ચે પૂજ્ય ડોંગરેજી મહારાજ ભાવવિભોર થઈ અશ્રુધારા સાથે લાલાના જન્મની કે બાળલીલાઓની વાતો કહેતા ત્યારે છાપાં વેચતાં વેચતાં બે ક્ષણ માટે હું પણ ઊભો રહી જતો. એ વખતે મારી ઉંમર હતી બાર વરસની. મહાભારત, શ્રીમદ ભાગવત તેમ જ ભગવાન શ્રીકૃષ્ણ વિશે ઘણું બધું વાંચી લીધું હોવાના કારણે દરેક પ્રસંગ ફરીથી સાંભળવાની કંઈ ઓર જ મજા આવતી.

મારા બાપુજીએ છાપાં વેચવાનો વ્યવસાય હતો. જૂન મહિનાની શરૂઆતના દિવસોમાં હજુ વેકેશન ચાલતું હોવાથી અમે ત્રણ ભાઈ-બહેન કથાના સમય પહેલાં અને મધ્યાંતર વખતે ત્યાં છાપાં વેચતાં. લાખો શ્રોતાઓ આવતા એટલે છાપાની ઘરાકી પણ સારી રહેતી. એના કારણે અમે જેટલાં છાપાં મંગાવતા એના કરતાં પણ વધારે છાપાંની માગ રહેતી. પરંતુ બાપુજીની આર્થિક પરિસ્થિતિ એટલી બધી નબળી હતી કે છાપાંની વધારે નકલો મંગાવવાની હિંમત તો બાજુમાં, ઈચ્છા પણ એ કરી શકે તેમ નહોતા. આટલા બધા માણસોમાં વધારે નકલોનો વેપાર વધારે પૈસા રળી આપે એ વાત સ્પષ્ટ હોવા છતાં વધુ નકલ મંગાવતાં એમનો જીવ નહોતો ચાલતો. એમને જાણે કે ખાતરી હતી કે કમાણીના એ પૈસા દેવું ચૂકવવામાં જ જતા રહેશે અને બીલ ચૂકવતી વેળાએ મુશ્કેલીનો પાર નહીં રહે. વધારે નકલોનું બીલ કઈ રીતે ચૂકવી શકીશું એવી બીકથી જ તેઓ વધારે નકલ નહોતા મંગાવતા. ખૂબ માંગ હોવા છતાં રોજ એ મન મારીને બેઠા રહેતા.

‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા અપાર છે’ પૂજ્ય ડોંગરેજી મહારાજ રડતાં રડતાં ભગવાન કૃષ્ણની વાત કરતા હતા. લોકો આકંઠ એનો આસ્વાદ માણી રહ્યા હતા. હું પણ છાપાંની થપ્પી બગલમાં દબાવીને મંડપના એક થાંભલા પાસે ઊભો રહી પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના એ શબ્દો સાંભળી રહ્યો હતો. ખબર નહીં કેમ પણ ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે !’ એ શબ્દો મારા મનમાં જાણે કે કોતરાઈ ગયા હતા. કથાનો મધ્યાંતર થતાં જ વિચારોમાંથી બહાર આવી મેં પૂરી મહેનત અને લગનથી છાપાં વેચવાનું શરૂ કરી દીધું.

કથાના ત્રીજા દિવસે વહેલી સવારે રાજકોટથી છાપાં લઈને આવતી ટેક્સીના ડ્રાઈવરે મારા બાપુજીને ઉઠાડ્યા. મારા બાપુજી તેમ જ ઘરના બધાને નવાઈ લાગી. કારણ કે સવારનાં છાપાંનું નાનકડું પાર્સલ તો એ ટેક્સીડ્રાઈવર ચાલુ ટેક્સી ફેંકીને જ કાયમ નીકળી જતો. આજે એ ઉઠાડવા માટે આવ્યો એ અમારા માટે નવાઈની વાત જ હતી. મારાં બા-બાપુજીએ એની સાથે જઈને જોયું તો મોટાં મોટાં પાંચેક બંડલ ટેક્સીમાંથી ઉતારીને એણે રોડની બાજુમાં મૂકેલાં. એના ગયા પછી સારી એવી મહેનતથી અમે એ પાર્સલ્સને ઘરે ફેરવ્યાં. પાર્સલ ખોલીને જોયું તો તેમાં પૂજ્ય ડોંગરેજી મહારાજના વચનામૃતનો ‘પરમાર્થ’ નામના મેગેઝિનનો વિશેષાંક હતો. એક રૂપિયાની એક એવી પૂરી પાંચસો નકલ ‘જયહિંદ’ નામના દૈનિકના માલિકશ્રી તરફથી મોકલવામાં આવી હતી. અમને સૌને નવાઈ લાગી. બાપુજીએ આ નકલો મંગાવી તો નહોતી છતાં પ્રેસમાંથી કેમ મોકલાઈ હશે ? અને મોકલાવાઈ છે તો પછી બીલ પણ ભરવું પડશે એની ચિંતા પણ ઊભી થઈ. બાપુજીએ એ જ વખતે જયહિંદ પ્રેસના તંત્રીશ્રી પર કાગળ લખ્યો કે ‘હાલ નાણાંની સગવડ ન હોવાથી આ નકલો પાછી મોકલે કે કેમ ?’ અને એ કાગળ વળતી ટેક્સીમાં આપી દીધો. એ દિવસ અમે અવઢવમાં જ પસાર કર્યો. એ દિવસે ‘પરમાર્થ’નું વેચાણ ન કર્યું. બીજા દિવસે પેલા ટેક્સીવાળાએ ફરીથી બાપુજીને જગાડીને જવાબી કવર આપ્યું. એમાં લખ્યું હતું કે હાલ બીલની જરાપણ ચિંતા કર્યા વિના ‘પરમાર્થ’નું વેચાણ શરૂ કરી દેવું.

અમને સૌને તો જાણે લોટરી લાગી ગઈ હોય તેવો આનંદ થયો. છાપાંની કિંમત એ સમયે પચીસ પૈસા હતી. એવે વખતે ‘પરમાર્થ’ વેચી રોકડો રૂપિયો લેતાં અતિ આનંદ આવતો. અમે ત્રણે ભાઈબહેન બમણા ઉત્સાહથી કામ કરવા માંડ્યાં. સાતમા દિવસે કથા પૂરી થઈ અને એની સાથોસાથ ‘પરમાર્થ’ મેગેઝિનની પાંચસો નકલ પણ પૂરી થઈ ગઈ. ઘરમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું હતું. ખૂબ જ સારો ધંધો અને નફો થયાનો એક અદ્દભુત સંતોષ ઘરમાં દરેકનાં મોં પર દેખાતો હતો. સાત જ દિવસમાં પાંચસો રૂપિયાનો વેપાર આ પહેલાં મારા બાપુજીએ ક્યારેય કર્યો હોય તેવું મને યાદ નથી.

એ જ વરસે મારી મોટી બહેને એસ.એસ.સી.નું વર્ષ પાસ કર્યું અને સણોસરા પી.ટી.સી. કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કુદરતે જાણે એના અભ્યાસ માટે જ આ બધા તાણાવાણા ગોઠવ્યા હોય તેવું લાગતું હતું. જો આટલા બધા પૈસા એક સાથે ન આવત તો મોટીબહેનને ભણાવવાનું સપનું જોવાની પણ અમે હિંમત ન કરી શક્યા હોત. મોટીબહેનના આગળ અભ્યાસ માટેના દરવાજા તો ખૂલી ગયા પરંતુ બાપુજીના મોઢા પરના હાસ્યના દરવાજા ધીમે ધીમે બિડાતા જતા હોય તેવું લાગતું હતું. ‘પરમાર્થ’નું બીલ ભરવાની મૂંઝવણ એમના મોં પર સ્પષ્ટ જણાઈ આવતી હતી. એ મહિનો પૂરો થયો. જયહિંદ દૈનિકનું બીલ આવ્યું ત્યારે અમારા બધાનાં હૃદય જોર જોરથી ધડકતાં હતાં. ગભરાતાં ગભરાતાં બાપુજીએ બીલનું કવર ખોલ્યું અને એમની આંખો પહોળી થઈ ગઈ. એ કવરમાં ફક્ત રૂટિન નકલોનું જ બીલ હતું. ‘પરમાર્થ’ની પાંચસો નકલનું બીલ જ નહોતું. પ્રેસ કાર્યાલયની ભૂલના કારણે એ બીલ કદાચ મોકલવાનું જ રહી ગયું હશે એમ માની બાપુજીએ રાજકોટ પ્રેસને કાગળ લખ્યો. જવાબ આવ્યો કે, ‘ચિંતા ન કરશો. બીલ પછી લઈ લઈશું.’ અમારા સૌ માટે તો આ જવાબ રેશનિંગમાં મળતી રાહત સામગ્રી જેવો હતો.

પરંતુ એ પછી મહિનાઓ વીતી ગયા. મારા બાપુજી વારંવાર બાકી બીલ અંગે કાગળ લખતા અને જયહિંદ દૈનિકના દરિયાદિલ શેઠશ્રી ‘પછી લઈ લઈશું !’ એવો જ જવાબ આપતા. અત્યંત કપરા આર્થિક સંજોગોમાંથી પસાર થતાં અમે સૌ એમના આવા જવાબથી ખૂબ જ રાહત અને શાતા અનુભવતાં. રણમાં ભૂલા પડેલા તરસ્યા અને ત્રસ્ત મુસાફરને કોઈ પોતાની પાસેની ઠંડા પાણીથી ભરેલ મશક આપી દે એવી અનુભૂતિ જયહિંદ દૈનિકના શેઠશ્રીના જવાબથી થતી. એમના બાકી પૈસા પાછા ન આપવાનો અમારો કોઈ જ ઈરાદો નહોતો. એટલે જ તો બાપુજી વારંવાર ‘પરમાર્થ’ની પાંચસો નકલના બાકી બીલ અંગે પૂછતાછ કર્યા કરતા. બે વરસ એમ જ પસાર થઈ ગયા. એ દરમિયાન મારી મોટીબહેનનું પીટીસી પૂરું થઈ ગયું અને એમને શિક્ષિકા તરીકેની નોકરી પણ મળી ગઈ. એ વખતે પણ બાપુજીએ જયહિંદ પ્રેસને બાકી બીલ અંગે કાગળ લખ્યો. ફરીથી જવાબ આવ્યો કે, ‘પછી લઈ લઈશું !’

વરસો વીતતાં ગયાં. હું બાળરોગ નિષ્ણાત થઈને 1987માં ઘરે પાછો આવ્યો એ પછી પ્રથમ કામ બાપુજીને છાપાંનો વ્યવસાય બંધ કરાવવાનું કર્યું. દરેક છાપાના તંત્રીશ્રીનો આભાર માનતો પત્ર લખ્યો અને લખ્યું કે, ‘હવે પછી મારા બાપુજી છાપાંનો વ્યવસાય બંધ કરી રહ્યા છે. એટલે અમારી પાસે બાકી લેણી કંઈ પણ રકમ નીકળતી હોય તો બીલ મોકલવા વિનંતી.’ આ કાગળ મળતાં જ બધાએ બાકીના બીલનો આંકડો જણાવી લેણી રકમ ઉઘરાવી લીધી. પરંતુ જયહિંદ દૈનિક તરફથી ‘તમારું બધું જ ચૂકતે છે !’ એવો જવાબ આવ્યો. માથા પર કોઈનું ઋણ ક્યારેય ન રાખવું એવું હંમેશાં દઢપણે માનતા મારા બાપુજી વ્યક્તિગત રીતે જયહિંદ દૈનિકના શેઠશ્રીને મળવા રાજકોટ ગયા.

બીજા દિવસે સવારમાં આવતી છાપાંની ટેક્સીમાં જ એ પાછા આવ્યા. શેઠશ્રીએ શું કહ્યું એવા અમારા પ્રશ્નના જવાબમાં બાપુજીની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એ કંઈ બોલી શક્યા નહીં. થોડીવાર પછી થોડા સ્વસ્થ થયા અને કહ્યું, ‘એ શેઠ તો દાતાર નીકળ્યા ! મને કહે કે ગાંડા, આટલા બધા વરસે આવી ચિંતાઓ કાંઈ કરવાની હોય ? પંદર વરસ પછી તું અહીં એ અંગે પૂછવા આવ્યો એ તારી નેકી માટે તને અભિનંદન આપું છું પરંતુ એ પૈસા તો તારે હવે ચૂકતે જ ગણવાના ! તને અને તારા પરિવારને મારા તરફથી એ ભેટ ગણજે. હવે જયહિંદ કાર્યાલય તારી પાસે એક પણ પૈસો માગતું નથી. તારે જયહિંદને એક પણ પૈસો ચૂકવવાનો નથી !’ બાપુજી આગળ કંઈ પણ બોલી ન શક્યા. અમે લોકો પણ નિઃશબ્દ બની ગયાં. બરાબર એ જ વખતે મને પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજના શબ્દો યાદ આવ્યા કે, ‘મારો લાલો ! બધાને મદદ કરવા તત્પર હોય છે ! એની લીલા તો અપાર છે !’

કેટકેટલા સ્વરૂપે એ ધરતી પર આવતો હશે, નહીં ? આવા કોઈ શેઠના રૂપમાં પણ…..