*‘રજાચીઠ્ઠી’*
ઘરમા વેકેશનની તૈયારીઓ તડામાર ચાલી રહી હતી. ‘ચાર દિવસ પછી તો આપણે પ્લેનમા બેઠા હોઇશું..... અને ખૂબ મજા કરીશુ...!’ મમ્મી તો ગોવા જતી ફ્લાઇટમા જાણે સૌ બેસી ગયા હોય છે તેવુ આભાસી ચિત્ર મોટા દિકરા આયુધ અને નાની દીકરી રીધ્ધીને બતાવી રહી હતી.
‘અને જો મમ્મી... હું બીચ પર ખૂબ ન્હાવાનો છું... તું મને રોકતી નહી...!!’ દસમા ધોરણની પરીક્ષા પુરી થયા પછી આયુધ ક્યારનો’ય વેકેશનની મોજમસ્તીના સપના જોઇ રહ્યો હતો.
‘પણ.... મમ્મી.... આ ફરવા જવાનો ખર્ચ કેટલો થશે ?’ ક્યારનીયે ચુપ બેસેલી રિધ્ધિએ મમ્મીને પુછી લીધું.
‘એ.. તો.. તારા પપ્પાને ખબર...!!’ મમ્મી એ જવાબ વાળી દીધો તો ખરો, પણ જે ચિંતા મોટા વ્યક્તિને થવી જોઇતી’તી તે ચિંતા ઘરની સૌથી નાની વ્યક્તિ જે હજુ તો ચોથા ધોરણની પરીક્ષા આપી તે રિધ્ધિ કરી રહી હતી.
‘પણ.. જુઓ આ વખતે હુ તમારુ કોઇ બહાનુ નહી ચલાવી લઉ... મારી બધી બહેનો તો આખુ ભારત ફરી આવી... તમે મને અંબાજીથી ક્યાંય આગળ નથી લઇ ગયા....!!! ગમે તે કરી આ વેકેશન તો મારે ગોવા જ જવુ છે.....!!!’ આ સ્ત્રીહ્ઠે વશિષ્ઠને મજબુર કરી દીધો હતો….
જો કે તે સ્ત્રીહ્ઠ પુરી કરવા પાછળ વશિષ્ઠે પોતાની પ્રામાણિક્તા દાવ પર લગાવી દીધી હતી. પોતાની કંપનીમા એક મોટો ઓર્ડર અપાવવા માટે સામેની કંપની પાસે ગોવાનું પેકેજ લાંચ પેટે લઇ લીધુ હતુ..
વશિષ્ઠની અંદરનો વસવસો દુર કરવા તેની પત્નીએ જ પ્રેક્ટિક્લ એપ્રોચ સમજાવ્યો હ્તો.
વશિષ્ઠની પત્નીએ અને આયુધે તો પોતાની સોસાયટી અને દરેક જાણીતાને પોતે વેકેશનમા પ્લેનમાં ફરવા જવાના છે તેની જાહેરતો કરી દીધી હતી.
મમ્મીએ ત્રીજી વાર બધુ પેકીંગ ચકાસી લીધું.. અને બસ હવે તો ગોવામા જ શાંતીથી સુઇ શક્શે તેવા શમણાંમાં ખોવાઇ જતી...
રાત્રે બાર વાગે સેકન્ડ શિફ્ટ પુરી કરી વશિષ્ઠ ઘરે આવ્યો.
તેના ચહેરા પર નૂર ઓછુ હતુ... તે ચુપ હતો... પત્નીએ આજે પહેલી વાર રાત્રે મોડે ગરમ-ગરમ રસોઇ બનાવી આપી.
ચોથા કોળીએ તો વશિષ્ઠે તો કહી દીધું,.. ‘મારી રજા મંજુર થઇ નથી... બધા વેકેશનમા રજા લેશે તો કંપની કેવી રીતે ચાલશે ? શેઠે હમણા રજા નહી મળે તેમ સ્પષ્ટ કહ્યું છે…..!!’ આ વાક્ય પુરુ થતા તો તેની પત્નીના બધા સપનાઓ તો જાણે એકક્ષણમાં જ ઓગળી ગયા.
‘તો... પછી એમ કરો.... બિમારીની રજા લઇ લો...!!’
‘પણ.. માંદુ કોણ છે ? એક તો મેં શેઠને જણાવ્યું પણ નથી કે આપણે ફરવા જવાના છીએ... જો તે તપાસ કરે કે આ પેકેજ મને પેલી કમ્પનીએ ગિફ્ટ વાઉચરમા આપ્યું છે.. તો... મારી વર્ષોની પ્રામાણિક્તા અને વિશ્વાસ પર પાણી ફરી વળે...!!’ વશિષ્ઠ ખોટું કરવા તૈયાર નહોતો.
‘બળી તમારી પ્રામાણિક્તા...ને બળ્યો તમારો વિશ્વાસ.... આટલા વર્ષોની નોકરી પછી તમને મળ્યું છે શું ? અને એક વાર ખોટુ બોલી જશો કે મારી દિકરી ખરેખર માંદી છે.. તો શેઠ કાંઇ ઘરે થોડા જોવા આવવાના છે ?’ પત્નિ ખૂબ પ્રેક્ટિક્લ બની વશિષ્ઠના વર્ષોની પ્રામાણિકતાને તુચ્છ જણાવી રહી હતી.
‘સારુ.. એમ કરીશ....’ ત્રણ શબ્દો પછી વશિષ્ઠે જમવાનુ પુરુ કર્યુ અને આયુધ- રિધ્ધિ પાસે સુઇ ગયા.
રિધ્ધિ તે બન્નેની વાતચીત સાંભળી ચુકી હતી.
વશિષ્ઠની આંખોમાથી ઉંઘે રજા લઇ લીધી હોય તેમ તે રુમની છતને તાકીને જોઇ રહ્યો હતો.
રિધ્ધિ જાણે પપ્પાની પરિસ્થિતિ પામી ચુકી હોય તેમ પોતાની નાની હ્થેળીથી પપ્પાના માથે હાથ ફેરવવા લાગી.
‘કેમ બેટા, ઉંઘ નથી આવતી....??’ વશિષ્ઠે રિધ્ધિ બાજુ પડખુ ફેરવ્યું.
‘પપ્પા... તમને પણ ક્યાં ઉંઘ આવે છે..? પપ્પા પૈસાની તકલીફ હોય તો આપણે ફરવા નથી જવું.’ દિકરીની નાની હથેળીમાં વ્હાલ એટલું હતું કે વશિષ્ઠની આંખો ભરાઇ આવી..
‘ના... બેટા.. આ તો રજા પાસ નથી થઇ... એટલે શું કરું તે વિચારતો હતો... પણ એ તો હું ગમે તેમ કરીને તે કરી લઇશ.. તુ સૂઇ જા અને વેકેશન ટુરની તૈયારી કર...’ વશિષ્ઠે રિધ્ધિના કપાળે દીર્ધ ચુંબન કર્યુ અને જાણે પોતાના બધો’ય ભાર હળવો થઇ ગયો હોય તેમ લાગ્યું.
બીજા દિવસે વશિષ્ઠે પોતાના ઓળખીતા ડોક્ટર પાસે રિધ્ધિની માંદગીનુ સર્ટી લઇ લીધું અને કંપનીમા ભારે પગલે શેઠની કેબિનમા પગ મુક્યો.
શેઠ તેમના હાથમા એક કાગળ વાંચી રહ્યા હતા.
‘સર... મારી રજાચીઠ્ઠી.... મારી દિકરીને ઝેરી મેલેરીયાની અસર છે... હું અઠવાડિયું કામ પર નહી આવી શકું...!!’ વશિષ્ઠે આખરે સાહ્સ કરીને ખોટુ બોલી દીધું.
‘રજા આપી નથી એટલે બહાનું તો નથીને વશિષ્ઠ...???’’ શેઠે ધારદાર નજરથી વશિષ્ઠ સામે જોયું.
અને તે ક્ષણે વશિષ્ઠની આંખોમા રહેલુ અસત્ય ક્યાંક પરખાઇ ન જાય એટલે તે આડીઅવળી થઇને સુરક્ષિત ખુણો શોધવા લાગી અને છેલ્લે તે જમીન તરફ સ્થિર થઇ ગઇ. અને જીભે તેનું પ્રેક્ટિક્લ કામ કર્યું, ‘ના... સર....!!’
‘સારુ મને તારામા વિશ્વાસ છે કે તું ખોટુ નહી બોલે...!!’ શેઠના આ શબ્દોથી વશિષ્ઠને થયું કે ખરેખર આજે પહેલીવાર હું મારી નજર ઉંચી નથી કરી શક્તો.
તે ચુપ રહ્યો.
શેઠે કહ્યું, ‘સારુ રિધ્ધીની સારવારનો ખર્ચ કંપનમાંથી લઇ લેજે....!’ આ શબ્દોથી વશિષ્ઠની આંખોમાંથી ઝળઝળીયા આવી ગયા... અને ફરી અંદરથી સત્ય બેઠું થઇ ગયું.
તે વિશ્વાસથી શેઠને સાચુ કહેવા નજીક આવ્યો.. ‘સર... સોરી... હું આજે તમારી સામે જુઠ્ઠુ બોલ્યો છું...રિધ્ધિ માંદી નથી..મારે રજા નથી જોઇતી...!’ વશિષ્ઠ ઝડપથી કેબિન બહાર નીકળવા લાગ્યો...!!’
‘ઉભો રહે વશિષ્ઠ.... તુ આ કંપનીનો સૌથી જુનો અને પ્રામાણિક કર્મચારી છે... તુ જુઠ્ઠુ બોલ્યો તેની સજા થશે...' શેઠની આંખોમાંથી જાણે આગના તણખા ઝરી રહ્યા હતા.
'લે આ કવર...!!’ શેઠના ભારેખમ અવાજમાં વશિષ્ઠના પગ થંભી ગયા.
વશિષ્ઠને લાગ્યું કે શેઠે મને પાણિચુ તો નથી પકડાવી દીધુ’ને...??
‘સારુ.. ખોલ... કવરને ..!!’ શેઠનો અવાજ વધુ ભારેખમ હતો.
વશિષ્ઠે ધ્રુજતા હાથે કવર ખોલ્યું, તેમા એક નાની ચીઠ્ઠી હતી.. અને સાથે બીજુ કવર હતુ...!
‘તે ચીઠ્ઠી વાંચ...!’ શેઠ હજુ ગુસ્સામા હતા.
નાની ચબરખીમાં મરોડદાર અક્ષરે લખેલું હતું....
*‘રજા ચિઠઠી....*
*સર જણાવવાનું કે મારા પપ્પાની રજા તમે મંજુર કરી નથી.અમારે ખરેખર ફરવા જવું છે. મારા પપ્પા ક્યારેય ખોટુ બોલતા નથી. પણ કાલે રાત્રે જ મને લાગ્યું કે મારા પપ્પા અમારા માટે ખોટુ બોલીને તમારી પાસે રજા માંગશે. મારી સ્કુલની રજા માટે મારા પપ્પા જો રજાચીઠ્ઠી લખતા હોય તો તેમની રજાચીઠઠી હું કેમ ન લખી શકું ? વળી.. પપ્પાને પૈસાની પણ તક્લીફો છે.. જે મને ક્યારેય નહી જણાવે કેમ કે હું તેમની દિકરી છું... દિકરો નહી.....!! હું માંદી નથી. છતા પણ તમે મારા પપ્પાને રજા આપશો તેવી હું તેમની દિકરી ભલામણ કરુ છું.*
*મારા પપ્પાની વ્હાલી દિકરી*
*રિધ્ધિ.’*
વાંચતાની સાથે જ વશિષ્ઠની આંખો ઉભરાઇ ગઇ... ગળામાં ડુમો બાઝી ગયો. તે નિ:શબ્દ બની ઉભો રહી ગયો.
શેઠ ઉભા થઇને તેની નજીક આવ્યા અને કહ્યું. ‘વશિષ્ઠ...આ ક્વરમા બીજુ કાગળ છે તે તમારી ફેમિલી ટુરનું યુરોપનું પેકેજ છે. તમારા પાસપોર્ટ, વીઝા થઇ જશે... ખરીદીના વાઉચરો છે...તમારા મનગમતા કપડા ખરીદી લેજો....અને ગોવા જવાની જરુર નથી....!!’શેઠ પણ દુનીયાદારી જોઈ ચુક્યા હતા.
વશિષ્ઠ શેઠના ચરણોમા ઝુકી ગયો..
શેઠે તેને ખભો પક્ડીને ઉભો કર્યો અને કહ્યુ,, ‘અને.... હા તારી ડાહી રિધ્ધિને કહી દે જે કે મેં તેને લખેલી રજાચીઠ્ઠી મંજુર કરી દીધી છે.’
*સ્ટેટસ*
*સત્ય આંખોમા છુપાઇ ગયુ ને જીભ પ્રેક્ટિકલ બની ગઇ.*
*સંબંધો રોજ ભલે શૂળીએ ચઢે,*
*આજે તો મોબાઇલની લાગણીઓ જ ફેશન બની ગઇ..*