Showing posts with label story. Show all posts
Showing posts with label story. Show all posts

સધિયારો આખરી ક્ષણનો

સધિયારો આખરી ક્ષણનો

ફરજ પરની નર્સ ચિંતાતુર ચહેરા વાળા લશ્કરના યુવાન મેજરને હોસ્પિટલની પથારી પર સુતેલા એ દર્દી પાસે લઈ ગઈ.
એકદમ હળવા નાજુક સ્વરે તેણે દર્દીને કહ્યું,"તમારો પુત્ર આવ્યો છે"
દર્દીની આંખ ખુલે એ પહેલાં નર્સે અનેક વખત એ વાક્ય રિપીટ કરવું પડ્યું
હાર્ટ એટેકના અસહ્ય દર્દને કારણે પીડા શામક દવાઓને લઈને ઊંડા ઘેનમાં સુતેલા દર્દીએ આંખો ખોલી.અને ધૂંધળી દ્રષ્ટિ વચ્ચે તેણે આર્મીના યુનિફોર્મમાં સજ્જ થયેલા એ યુવાન મેજરને જોયો.

મહેનત કરીને તેણે હાથ લંબાવ્યો.

મેજરે પોતાના મજબૂત હાથ વડે એ દુર્બળ હાથને પોતાના હાથમાં લીધો.એ સ્પર્શમાંથી સધિયારો,હિંમત અને પ્રેમનો હૂંફાળો સંદેશો વહેવા લાગ્યો.

આ હૃદયસ્પર્શી દ્રશ્ય જોઈને નર્સની આંખો પણ ભીંજાઈ ગઈ.તે એક ખુરશી લઇ આવી જેથી યુવાન ઓફિસર તેની ઉપર બેસી શકે.યુવાન મેજરે નમ્ર સ્વરે નર્સનો આભાર માન્યો.

રાત વિતતી ગઈ.પણ આછેરા પ્રકાશ વાળા એ વોર્ડમાં યુવાન મેજર એ દર્દીનો હાથ પોતાના હાથમાં લઈ તેમની સાથે વાતો કરતો રહ્યો.દર્દીને હિંમત આપતો રહ્યો.તેની વાતોમાં,તેના અવાજમાં અને તેના સ્પર્શમાંથી હૂંફ,ઉષ્મા અને પ્રેમની ધારા વહેતી રહી.

નર્સ વારે વારે આંટો મારી જતી અને યુવાન મેજરને થોડી વાર ત્યાંથી દૂર જઈ આરામ કરવા સૂચન કરતી રહી.પણ મેજર ત્યાંથી હટવાનો નમ્રતાપૂર્વક ઇનકાર કરી ત્યાં જ બેઠો રહ્યો,હાથમાં હાથ રાખીને.

નર્સ આવતી જતી રહી,રાત્રિ ની અંધકારભરી શાંતિમાં હોસ્પિટલમાં આવતા સાધનોના આવજો, એક બીજાને આવકારતા નાઈટસ્ટાફના હાસ્યો અને દર્દ અને પીડાથી કણસતા કે રુદન કરતા અન્ય દર્દીઓના આવજો જો કે આવતા રહેતા હતા પણ યુવાન મેજરને જાણે કે એ કાંઈ સંભળાતું જ નહોતું.નર્સ જોતી હતી કે યુવાન મેજર વૃદ્ધ દર્દીને સુંદર શબ્દો સંભળાવી રહ્યો છે.

મૃતયપથારીએ સૂતેલો દર્દી જો કે એક પણ શબ્દ બોલતો નહોતો.બસ એણે તો હોય એટલી શક્તિથી આખી રાત યુવાન મેજરનો હાથ પકડી રાખ્યો હતો.

પરોઢ થયું અને વૃદ્ધ દર્દીએ સદા માટે આંખો મીંચી દીધી.આખી રાત હાથ પકડીને બેઠેલા મેજરે હળવેક રહી ને હાથ છોડાવ્યો અને પછી દર્દીના મૃત્યુ ના સમાચાર નર્સને આપ્યા.

નર્સે આવીને દર્દી સાથે જોડાયેલા તબીબી સાધન સરંજામ છોડ્યા,આંખોના પોપચાં બંધ કર્યા અને એક સફેદ ચાદર વડે મૃતદેહને સન્માનપૂર્વક ઢાંકયો.

યુવાન મેજર થોડે દુર અદબપૂર્વક ઉભો રહ્યો

પછી નર્સ તેની પાસે ગઈ અને સહાનુભૂતિના શબ્દો કહેવા લાગી.પણ મેજરે તેને રોકીને પૂછ્યું,"આ વૃદ્ધ માણસ કોણ હતા?"

નર્સ બે ઘડી આઘાતમિશ્રિત આશચર્યમાં ગરકાવ થઈ ગઈ."એ તમારા પિતા હતા"નર્સે કહ્યું.

"ના એ મારા પિતા નહોતા.મારી જિંદગીમાં હું તેમને કદી મળ્યો નહોતો"મેજરે કહ્યું.

નર્સ મૂંઝવણમાં હતી."તો પછી હું તમને તેની પાસે લઈ ગઈ ત્યારે તમે કેમ કહ્યું નહિ"તેણે પૂછ્યું.

મેજરે જવાબ આપ્યો,"તમે મને તેમની પાસે લઈ ગયા તે ક્ષણે જ હું સમજી ગયો હતો કે આ કાંઈક ભૂલ થઈ રહી છે.પણ હું એ પણ સમજી ગયો કે મરણપથારીએ પડેલો એ માણસ તેના પુત્રની પ્રતીક્ષા કરે છે અને એ પુત્ર ત્યાં નથી".

નર્સ નિઃશબ્દ હતી.

મેજરે આગળ કહ્યું,"મેં જયારે જોયું કે હું એમનો પુત્ર છું કે નહીં એ કહેવા જેટલી પણ તેમનામાં શક્તિ નહોતી ત્યારે મને સમજાયું કે તેમને મારી ઉપસ્થિતિની કેટલી બધી જરૂર હતી.એટલે હું બેઠો રહ્યો,હાથમાં હાથ લઈને અને પ્રેમના માયાળુ શબ્દો એમને કહેતો રહ્યો".

નર્સની આંખોના ખૂણા ભીના હતા."પણ..તો તમે આવ્યા હતા કોના માટે?તમે કોને મળવા માંગતા હતા?"તેણે પૂછ્યું.
"હું અહી એક મી.વિક્રમ સલારીયાને મળવા આવ્યો હતો.તેમનો પુત્ર જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે શહીદ થયો છે.મારે તેમને એ સમાચાર આપવાના હતા"મેજરે જવાબ આપ્યો.

નર્સ અવાચક હતી.અંતે તેણે કહ્યું,"તમે આખી રાત જેનો હાથ પકડીને બેઠા અને જેમની સાથે પ્રેમભર્યા શબ્દોમાં સંવાદ કર્યો એ જ મી.વિક્રમ સલારીયા હતા".

હવે મેજર પણ નિઃશબ્દ હતા.

મૃત્યુ પામી રહેલા વ્યક્તિના હાથમાં છેલ્લી કલાકો તેના પુત્રનો હૂંફાળો હાથ રહે તેનાથી મોટો સધિયારો બીજો શું હોય!

ભવિષ્યમાં ક્યારેક કોઈને જરૂર હોય ત્યારે બસ,તેની પાસે જજો.તેની સાથે રહેજો..

(વોટ્સએપ ઉપર ઇંગ્લીશમાં મળેલી એક પોસ્ટનો સાભાર ભાવાનુવાદ)