શ્રેષ્ઠ માવતર

શ્રેષ્ઠ માવતર – આ વાંચ્યા બાદ હૃદય ભીનું ના થાય તો તમે માણસ નથી !!

તેઓ એક ઇન્ટરનેશનલ શાળાના ભભકાદાર બગીચામાં સુકાયેલા છોડ કાઢી રહ્યા હતા, ધૂળ અને ગરમીની તેમના પર કોઈ અસર નહોતી. “ગંગાદાસ, આચાર્ય શ્રી તમને મળવા માંગે છે, હમણાં જ.”
છેલ્લા બે શબ્દો પટાવાળાએ તાકીદ ઉભી કરવા માટે ભાર દઈને કહ્યા.
તેઓ ઝડપથી ઉભા થયા, એમના હાથ ધોઈને લુછી નાખ્યા અને આચાર્યની ઓફીસ તરફ ચાલવા લાગ્યા.
તેઓ એક નિષ્ઠાવાન કાર્યકર હતા, તેમણે ક્યારેય કામચોરી નથી કરી.
ઠક…. ઠક….
“તમે મને બોલાવ્યો મેડમ?”
“અંદર આવો…” એક ખારાશ સાથેના આદેશપૂર્ણ અવાજે તેમને વધુ ડરાવી મૂક્યા.
ભૂખરા રંગ નાં વ્યવસ્થિત રીતે બાંધેલા વાળ, સાદી પણ ડિઝાઇનર સાડી અને નાક ની ટોચ પર રાખેલા એમના ચશ્માં..
તેમણે ટેબલ પર મુકેલા કાગળ સામે ઈશારો કરીને કહ્યું, “ આ વાંચો…”
“પણ મેડમ, હું એક અભણ માણસ, અંગ્રેજી ના વાંચી શકું. મેડમ મારાથી કોઈ ભૂલ થઇ હોય તો મને માફ કરો.. મને હજી એક તક આપો. મારી દીકરી ને આ શાળામાં મફતમાં ભણાવા માટે હું આપનો કાયમનો ઋણી છું. મેં મારી દીકરી માટે આવી સારી જિંદગીની ક્યારેય કલ્પના પણ નહોતી કરી.”
અને તેઓ લગભગ ધ્રૂજવા લાગ્યા.
“ઉભા રહો, તમે તો ઘણું બધું ધારી લીધું… અમે તમારી દીકરી ને તેની હોશિયારી અને તમારી નિષ્ઠા ને લીધે પરવાનગી આપી છે.મને કોઈક શિક્ષકને બોલાવવા દ્યો, અને તે આ વાંચી ને તમારા માટે ભાષાંતર કરી આપશે. આ તમારી દીકરીએ લખ્યું છે, અને મારે એ તમને વંચાવવું છે.”

થોડી જ મિનિટોમાં શિક્ષક્ને બોલાવાયા અને તેમણે વાંચવાનું શરૂ કર્યું. અને દરેક વાક્યને હિન્દીમાં પણ અનુવાદ કર્યું.

તેમણે વાંચ્યું –

“ આજે અમને માતૃત્વ દિવસ પર લખવાનું કહેવામાં આવ્યું હતું.

હું બિહાર ના એક નાના ગામ થી છું, એક નાનું ગામ જ્યાં શિક્ષણ અને દવા હજુ પણ દૂરનાં સપના જેવું લાગે છે. આના લીધે આજે પણ ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપતાની સાથે જ મૃત્યુ પામે છે. મારી માતા પણ તેમાની એક હતી,તેણે મને ક્યારેય એના હાથ માં તેડી નથી.

મારા પિતા મને તેડનાર સૌથી પ્રથમ વ્યક્તિ હતા, અને કદાચ છેલ્લા પણ. દરેક જણ દુઃખી હતા. કારણકે, હું એક છોકરી હતી અને મારી પોતાની માને ભરખી ગઈ હતી. મારા પિતાને તરત જ બીજા લગ્ન કરી લેવા માટે કહેવામાં આવ્યું હતું, પણ તેમણે નાં પાડી. મારા દાદા દાદી એ તેમને તાર્કિક, અતાર્કિક અને ભાવનાશીલ કારણો આપી ખૂબ દબાણ કર્યું પરંતુ તેઓ સહેજ પણ ચસ્ક્યા નહી . મારા દાદા દાદી ને પૌત્ર જોતો હતો,તેમણે પપ્પા ને લગ્ન માટે બહુ જ ડરાવ્યા અને કહ્યું કે જો તેઓ લગ્ન નહી કરે તો દાદા દાદી તેમનો ત્યાગ કરશે.

તેમણે બે વાર પણ વિચાર ના કર્યો અને તેમણે બધું જ છોડી દીધું, તેમની એકરોની જમીન, એક સુંદર ગુજરાન, આરામદાયક ઘર,ઢોર અને તે તમામ વસ્તુઓ કે જે ગામડાંમાં જીવવા માટે સારી ગણાય છે.

તેઓ આ વિશાળ શહેરમાં મને તેમના ખોળામાં લઇ ને કંઈપણ લીધા વગર આવ્યા. જીવન ખૂબ જ કઠોર હતું, તેમણે દિવસ અને રાત સખત મહેનત કરી. મારી ખૂબ જ પ્રેમ અને પરેજી સાથે દેખરેખ કરી.

હવે મને સમજાય છે કે મને ભાવતી દરેક વાનગી માટે તેમણે શા માટે અચાનક જ અણગમો ઉભો કર્યો હતો, કારણકે, થાળીમાં એ વાનગીનો ફક્ત એક જ ટુકડો વધ્યો હોતો તો.તેઓ એવું કહેતા કે, તેમને તે વાનગી થી નફરત છે અને હું એવું માની ને ખાઇ જતી કે એમને એ વાનગી ભાવતી નથી. પણ, જેમ જેમ હું મોટી થતી ગઈ મને કારણ ખબર પડી કે બલિદાન શું છે. એમણે મને શક્ય એટલી સગવડતા તેમની ક્ષમતા બહાર જઈને આપી છે.

આ શાળાએ એમને છત આપી, સમ્માન આપ્યું અને સૌથી શ્રેષ્ઠ ભેટ , તેમની દિકરીને પ્રવેશ આપ્યો.

જો પ્રેમ અને કાળજી મા ની વ્યાખ્યા છે, તો મારા પિતા એમાં વ્યવસ્થિત બેસે છે.
જો કરુણા મા ની વ્યાખ્યા છે, તો તેમાં પણ મારા પિતા વ્યવસ્થિત બેસે છે.
જો ત્યાગ મા ની વ્યાખ્યા છે, તો તેઓ તેમાં પણ સૌથી ઉપર છે.
ટુંક માં કહુ તો કાચલીમાં જો માતા પ્રેમ, કાળજી, ત્યાગ અને કરુણાથી બને છે, તો મારા પિતા દુનિયાના સૌથી શ્રેષ્ઠ મા છે.

માતૃત્વ દિવસ પર હું મારા પિતાને ધરતી પરના મારા શ્રેષ્ઠ માવતર બનવા માટે શુભેચ્છા આપવા માંગું છું. હું તેમને સલામ કરું છું અને ગર્વથી કહું છું કે, આ શાળામાં કાર્ય કરતા મહેનતુ માળી મારા પિતા છે.

હું જાણું છું કે, શિક્ષક ના આ વાંચ્યા પછી પરીક્ષામાં કદાચ હું નાપાસ થાઉં, પણ આ એક ખૂબ જ નાની ભેટ મારા નિ:સ્વાર્થ પિતાને અર્પણ કરું છું.

આભાર.”

ઓફિસમાં નિરવ શાંતિ હતી. કોઈપણ ગંગાદાસના હળવા ડૂસકા સાંભળી શકતું. ગમે તેવો જ્વલનશીલ સૂર્ય પણ તેના કપડા ભીના ના કરી શકતો, પણ તેની દિકરી ના માસુમ શબ્દોથી તેની છાતી આંસુઓથી ભરાઈ ગઈ હતી. તેઓ ત્યાં હાથ વાળી ને ઉભા હતા.

તેમણે શિક્ષકનાં હાથમાંથી કાગળ લીધો અને તેની છાતી પાસે મૂકી ને એક ડૂસકું ભર્યું.

આચાર્ય ઉઠ્યા અને ગંગાદાસને ખુરશી અને પાણી આપ્યા અને કઈક કહ્યું. પણ, નવાઈ સાથે આ વખતે તેમના અવાજ ના ખારાશ ની જગ્યા હૂંફ અને મીઠાશ એ લઇ લીધી હતી.

“ગંગાદાસ , તમારી દીકરી ને આ નિબંધ માટે ૧૦ માંથી ૧૦ ગુણ આપ્યા છે. શાળાનાં ઈતિહાસમાં માતૃત્વ દિવસ પર લખાયેલ આ સૌથી શ્રેષ્ઠ નિબંધ છે. અમારે કાલે માતૃત્વ દિવસ નિમિત્તે શાળામાં ખૂબ જ ભવ્ય સમારંભ છે. અને શાળાના તમામ વ્યવસ્થાપક મંડળે આ કાર્યક્રમ માટે તમને મુખ્ય અતિથિ તરીકે બોલાવવાનું નક્કી કર્યું છે.

આ એક ગૌરવ ની વાત છે કે કેવી રીતે તેના બાળકને આગળ લાવવા માટે એક પુરૂષ પ્રેમ અને બલિદાન આપી શકે છે. અને આ એ વાત સાબિત કરે છે કે પૂર્ણ માવતર બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.

અને સૌથી મહત્વની વાત કે, તમારા અભિમાન માટે કે તમારી દિકરીની તમારા પર પૂર્ણ શ્રદ્ધા છે. અને તમારી દિકરી ના કહેવા મુજબ આખી શાળાને પણ સાથે સાથે ગૌરવ છે,તમારા પર પૃથ્વી પર ના શ્રેષ્ઠ માવતર તરીકે!”

“ તમે ખરેખર એક સાચા માળી છો, જે ફક્ત બગીચાનું જ ધ્યાન નથી રાખતા, પણ તમારા જીવનનાં અણમોલ ફૂલ ને પણ એક અલગ સુંદર રીતે ઉછેરો છો….”

“તો ગંગાદાસ, શું તમે અમારા કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશો?”

તું વૃક્ષનો છાંયો છે, .. કવિતા

તું વૃક્ષનો છાંયો છે,
નદીનું જળ છે..
ઊઘડતા આકાશનો ઉજાસ છે
તું મિત્ર છે.

તું થાક્યાનો વિસામો છે,
રઝળપાટનો આનંદ છે..
તું પ્રવાસ છે, સહવાસ છે..
તું મિત્ર છે.

તું એકની એક વાત છે,
દિવસ અને રાત છે,
કાયમી સંગાથ છે..
તું મિત્ર છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું
હું છલકાઉં ત્યારે તને ગાઉં
હું તો બસ તને ચાહું..
તું મિત્ર છે.

તું વિરહમાં પત્ર છે,
મિલનમાં છત્ર છે..
તું અહીં અને સર્વત્ર છે !
તું મિત્ર છે.

તું બુદ્ધનું સ્મિત છે,
તું મીરાનું ગીત છે,
તું પુરાતન તોયે નૂતન
અને નિત છે !
તું મિત્ર છે.

તું સ્થળમાં છે,
તું પળમાં છે;
તું સકળમાં છે
અને તું અકળ છે !
તું મિત્ર છે..

*સુરેશ દલાલ*

સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો

*સમસ્યાઓ સામે લડવાનો સાચો રસ્તો*....

*વેદવ્યાસજીએ મહાભારતમાં બહુ સરસ પ્રસંગનું વર્ણન કરેલ છે*.

એકવાર કૃષ્ણ, બલરામ અને સાત્યકિ (સાત્યકિ દ્વારકાનો મોટો યોદ્ધો હતો.)
જંગલમાં ફરવા માટે ગયા.
સાંજ પડવા આવી અને રસ્તો ભૂલી ગયા.
કૃષ્ણએ કહ્યું,
“આપણે જંગલમાં જ રાતવાસો કરીએ અને સવારે સૂર્યોદય થાય ત્યારે રસ્તો શોધીશું.
રાત્રે આપણી સલામતી માટે આપણે એવું નક્કી કરીએ કે રાતના ત્રણ સરખા ભાગ કરીને ત્રણે વ્યક્તિનો જાગવાનો વારો કાઢીએ.
એક જાગે અને બાકીના બે સૂતેલાની રક્ષા કરે.”

પ્રથમ સાત્યકિનો જાગવાનો વારો હતો.
એ સમયે બ્રહ્મરાક્ષસ આવ્યો. સાત્યકિએ એની સાથે લડાઈ શરૂ કરી.
સાત્યકિ બ્રહ્મરાક્ષસને બરોબરની ફાઈટ આપતો હતો.
આ લડાઈમાં જ્યારે સાત્યકિને વાગે એટલે એ દર્દની ચીસ પાડે.
એનું પરિણામ એ આવે કે સાત્યકિની ચીસથી બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય
અને કદ મોટું થવાથી આવનારા મુક્કાની તાકાત વધી જાય.

સાત્યકિનો જાગવાનો સમય પૂરો થયો એટલે એમણે તુરંત જ બલરામને જગાડ્યા.
હવે બલરામે આ રાક્ષસ સામેની લડાઈ ચાલુ કરી
પરંતુ સાત્યકિએ કર્યું એવું જ બલરામે કર્યું.
બલરામને પણ વાગે એટલે દર્દની
ચીસ પાડે અને પેલા બ્રહ્મરાક્ષસનું કદ મોટું થાય.
એમનો સમય પૂરો થયો એટલે એમણે કૃષ્ણને જગાડ્યા.

*કૃષ્ણએ બ્રહ્મરાક્ષસ સાથેની આ લડાઈમાં*
*નવી વ્યૂહરચના અપનાવી.* *પોતને જ્યારે તક મળે ત્યારે પેલા રાક્ષસને બરાબરનો મારી લે*
*અને*
*રાક્ષસ મારે તો સામે જોઈને* *ખડખડાટ હસે.*
*એનું પરિણામ એ આવ્યું*
*કે પેલા બ્રહ્મરાક્ષસનું કદ નાનું થવા લાગ્યું*
*અને થોડા સમયની લડાઈમાં એનું કદ નાની પૂતળી જેવું થઈ ગયું.*
*પછી કૃષ્ણએ બહુ જ આસાનીથી પેલા પૂતળી જેવા બ્રહ્મરાક્ષસની ગરદન મરડીને મારી નાખ્યો.*

*મહાભારતના આ પ્રસંગ દ્વારા વ્યાસજી જીવનનો બહુ જ મોટો સંદેશો આપી જાય છે.*

*આપણા બધાના જીવનમાં પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓરૂપી બ્રહ્મરાક્ષસ આવે છે.*
*આ પ્રશ્નો, પડાકારો અને સમસ્યાઓ સામે આપણે જેટલા રડ્યા રાખીએ એટલું જ એનું કદ વધતું જાય*
*અને એક સમય એવો આવે કે એ આપણને મારી નાખે- ખલાસ કરી દે*
*પરંતુ જો આ પ્રશ્નો, પડકારો અને સમસ્યાઓ સામે હસતા રહીએ તો એક સમય એવો આવે કે એનું કદ નાની પૂતળી જેવું થઈ જાય અને આપણે એને મારી શકીએ*

અને છેલ્લે...

*જીંદગી ક્યાં સહેલી છે,*
*એને સહેલી બનાવવી પડે છે.*
*કંઈક આપણા અંદાજ થી,*
*તો કંઈક નજરઅદાંજ થી*

જીવનની સૌથી મોટી વાત

✏ એક બહેને ત્રણ સંતોને પોતાના ધર સામે બેઠા દીઠા.
બહેન સંતોને જાણતી હતી.

બહેને કહ્યું - સંતો અંદર આવો અને ભોજન કરો.

સંતે - કહ્યું તમારા પતિ ઘરમા છે ?

બહેને કહ્યું – ના ઈ ઘરમા નથી બહાર ગયા છે.

સંતે કહ્યું– અમે ઘરમાં આવશુ જ્યારે તમારા પતિ
હશે ત્યારે.

સાજે  જ્યારે બહેન ના પતિ ઘરે આવ્યા ત્યારે
બહેને પતિને કહ્યું .

પતિ કહે – જા જા એમને કહેકે  હું ઘરે આવી ગયો છું
અમને આદર સહિત બોલાવ.

બહેન બહાર ગઈ અને સંતોને અંદર આવવાનું કહ્યું.

સંતો કહે – અમે ત્રણે જણ ઘરમાં એક સાથે નથી  જતા.

બહેન કહે પણ શા માટે  ? 

એમાથી એક સંતે કહ્યું – મારું નામ ધન છે .

ત્યારે ઈ સંતે ઈશારો કરીને કહ્યું  –
ઈ  બે જણ નુ નામ સફળતા અને પ્રેમ છે.

પણ અમારા માથી કોઈ એક જણ અંદર આવી શકે.

બહેન આપે ઘરમાં જઈને  બધાને પુછી જુવો કે કોને કોને બોલાવવા છે.

બહેન અંદર જઈને પતિને કહ્યું

બહેનના પતિ બહુજ પ્રસન્ન થઈ ગયા.

અને બોલ્યા તો પછી ધનને જ  આમંત્રણ આપવું જોઈએ.

આપણુ ઘર ખુશિયોથી ભરાઈ જશે.

પત્ની કહે – મને લાગે છે કે આપણે સફળતાને જ આમંત્રણ આપવું જોઈએ.

એમની દીકરી બીજા રૂમમાં આ બધુ સાંભળતી હતી.

બહેન એમની પાસે ગઈ અને બોલી.

દીકરી બોલી મને લાગે છે કે  પ્રેમને જ આમંત્રણ આપવું જોઈએ.
પ્રેમની બરાબર કોઈ નથી.

બહેન બોલી તુ ઠીક કહે છે. આપણે પ્રેમને જ બોલાવવા જોઈએ.

દીકરીએ માતા અને પિતા ને કહ્યું.

બહેન ઘરની બહાર ગઈ અને સંતોને કહ્યું કે 
આપણામાંથી જેનું નામ પ્રેમ હોય તે ઘરમા ભોજન કરવા માટે પધારો.

અને પ્રેમ નામના સંત હતા તે ઘરની અંદર ચાલવા લાગ્યાં. 

એમની સાથે સાથે બીજા સંત પણ ચાલવા લાગ્યાં.

બહેનને આશ્ચર્ય થયું અને બેય જણને પુછ્યું અને કહ્યું કે હુતો એક પ્રેમને જ આમંત્રણ આપ્યું છે. તો આપ અંદર ઘરમાં કેમ આવો છો.

એમાંથી એક સંતે કહ્યું કે –
જો આપ ધન અને સફળતા ને જ આમંત્રણ આપ્યું હોત તો એજ અંદર આવત.

આપણે તો પ્રેમને આમંત્રણ આપ્યું છે.

પ્રેમ કદી એકલો જતો નથી
પ્રેમ જીયા જીયા જાય છે, ત્યાં ત્યાં ધન અને સફળતા એમની પાછળ પાછળ જાય છે.

આ વાર્તા એક વખત કે બે વખત નહી પણ વારંવાર વાંચો. અને  સમજો.

સારુ લાગે તો પ્રેમની સાથે સાથે રહો.

પ્રેમ બીજાને આપો. પ્રેમ બીજાને દો. અને પ્રેમ બીજા પાસેથી લો.
 
કેમ કે પ્રેમ એજ સફળ જીવનની સૌથી મોટી વાત છે.

🙏 🙏 🙏 🙏

એક વાર પપ્પા સાથે

એક વાર પપ્પા સાથે
                ડેટ પર જવું છે......

થોડા સિક્રેટ્સ શેર કરવા છે, થોડી કબૂલાતો કરવી છે
એમણે આપેલી જિંદગીના બદલામાં, એમને
એક સાંજ ધરવી છે
બાળપણમાં જે ખભા પર બેસતા, એ જ ખભા સાથે જોડાયેલા હાથને વ્હાલ કરવું છે.

_*એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે.*_

કોલેજ માં ગમતા છોકરા ઓથી લઈને, એમની જાણબહાર કરેલા કામો નુ, કેટલું વજન લાગતું હોય છે યાર,
એક નહિ કીધેલા સિક્રેટનું.
કેન્ડલ લાઈટ ડિનર પર લઈ જઈને, પપ્પાને એક ગુલાબ આપવું છે.

આટલું વિશાળ હ્રદય સાચવીને, ચૂપચાપ બેઠેલી છાતીનું મારે ક્ષેત્રફળ માપવું છે.

એમણે મમ્મીને પ્રેમ કર્યો છે, એમનું નામ ઓસ્કાર માટે નોમીનેટ કરવું છે.

_*એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે.*

થોડો ટાઈમ કાઢીને મારે, એમના જીવતરમાં રહેલા અભાવ ગણવા છે.
અજવાળામાં જઈને, એમના શરીર પર થયેલા એક એક ઘાવ ગણવા છે.

કાયમ સાથે રહેવા માટે, ગીતા પર હાથ રાખીને એમને પ્રપોઝ કરવા છે.
*ખાબોચિયા જેવી જાત લઈને મારી અંદર, મારે સમંદર જેવા પપ્પાને* ભરવા છે.

હાથ પકડીને, આંખોમાં આંખો નાખીને એકવાર ‘આઈ લવ યુ’ કહેવું છે,

_*એક વાર પપ્પા સાથે ડેટ પર જવું છે.*_!
                     -ડૉ. નિમિત્ત ઓઝા

કંઈક તો ખોવાય છે 🌿

કંઈક તો ખોવાય  છે 🌿
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?
આમ તેમ નજર કરૂં તો લાગે, નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાય છે.
નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા, પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?
વિચાયું કે સોફા  કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.
ખબર  પડી  તો યાદ આવ્યું કે,એની ઉપર બેસનારું  કોઇ  ખોવાય છે.

લાગે છે ઘર ના રસોડા મા કંઈ રંધાય  છે ?
શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું ગાજર નો હલવો  છે કે દુધી નો હલવો રંધાય છે .
જઈ ને જોયું તો ના ગાજર કે ના દૂધી નો હલવો રંધાય છે. ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાઇ  છે.

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,  પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,"ઘરે કેટલા વાગે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .

લાગે છે આજ કાલ પપ્પા એકલા જ ફરવા જાય છે.
યાદ આવ્યું  તો ખબર પડી કે "મને લઇ ને જાવ" એવું કહેનારૂં ખોવાય છે.

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .

લાગે આજ કાલ કાન માં  ઓછું સંભળાય છે.
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે.

સપના માં  લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે વર્ષો પછી  પણ આંખ ખોલી ને જોઉં છું  તો , "મારી માં" જ  ખોવાય છે.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

પંચમી આવી વસંતની

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં !
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો –
કે પંચમી આવી વસંતની.

મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.

આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો !
કે પંચમી આવી વસંતની.

– ઉમાશંકર જોશી

વાસંતી સવાર શુભ હો...@

બીજો ચાન્સ આપશે ?

ચાન્સ" ! – ડૉ. આઈ. કે. વીજળીવાળા

એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.

એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.

એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’

આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.

‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’

‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.

‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.

‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.

‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.

યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.

રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે !મારી બધી ભુલો ની માફી માગી લઇશ. મારો પતિ જ મારૂ સર્વસ્વ છે અને એ જ મારો જીવ છે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.

ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.

બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’

પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !

આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ.
(ડો.વીજળીવાળાના પુસ્તકની  એક વાર્તા)