ખિસ્સાની આત્મકથા

*વ્હોટ્સ અપની વાર્તા –૬૯*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*પપ્પાનું ખિસ્સું*

સાંજે ઘરમાં પગ મુકતાં જ નયનની નજર રૂમની સામેની દિવાલે ટીંગાયેલા ઝભ્ભા પર પડી.  પોતે છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં હતો... છેવટે પત્નીના કહેવાથી બાપુજીના કાને વાત નાખી જ દીધી હતી.

બાપુજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું ‘તું કાલે સાંજે ઝભ્ભાના ખિસ્સામાં જોઇ લેજે...!!’

નયન તેના પપ્પાને બાપુજી કહેતો. વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી. તે સમયથી જ બાપુજી શબ્દ  નયનની જીભમાં અને મનમાં ગોઠવાઇ ગયો હતો.

ઘણાં વર્ષો પછી બાપુજીના ઝભ્ભાનું એ લદાયેલું ખિસ્સું  જોઇ ખુશી થઇ....! તેમાં દેખાતી નોટોની ગડીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો.

જો કે નયને આજે તે આખા ઝભ્ભાને ઝીણવટથી જોયો. કેટલી જુની પુરાણી સ્ટાઇલ...!! ગામડે રહેતા ત્યારે તો તે ઠેકઠેકાણેથી ફાટેલો રહેતો... ઘસાઇને સાવ તરડાઇ ગયેલા કોલર રહેતા...! કેટકેટલીયે જગ્યાએ ચા કે માટીના ક્યારેય ન નીકળી શકે તેવા ડાઘા...! બાંય તો એવી કે જાણે એક દોરો તોડો તો બીજા કેટલાય દોરા ડોકાચીયાં મારી બહાર આવતા... અને મારી બા આ ડોકાચીયાં કાઢતા દોરાને ગળેથી બાંધી બેસાડી દેવામાં પાવરધા હતા...

નાનપણથી જ મને આ ઝભ્ભાનું ખિસ્સું વ્હાલું હતુ... તેઓ ખેતરેથી આવતાં તો તે ખિસ્સામાં કંઇકને કંઇક ભરીને લાવતા.
બાપુજીના ખિસ્સામાં વીણેલા બોર કે પેલા ખાટાં ખાટાં કાતરા, ખેતરનો પોંખ, ઝીતેલા કે ગુંદા જેવી કેટકેટલીયે વસ્તુઓ આવતી અને ઘરમાં ઢગલો કરી કહેતા, ‘નયન ખઇ લે....!’ ને હું ઝાપટી જતો.... હું નહોતો પુછતો કે બાપુજી તમારે ખાવું છે...? મને એમ જ હતું કે તેમને તો ખેતરમાં જ ખાઇ લીધું હશેને...પછી જ મારા માટે લાવ્યા હશે...!

નયનની નજર  ઝભ્ભાના વજનથી લબડી રહેલા ખિસ્સા તરફ સ્થિર થઇ.. નાનો હતો ત્યારે આ રીતે વસ્તુથી લદાયેલું ખિસ્સું જોતો તો તેમની પાછળ પાછળ દોડતો... તે ખિસ્સા સુધી પહોંચવાનું મન થઇ જતું.. બાપુજી તેમાંથી ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ કાઢતા તો લાગતું કે આ ખિસ્સું અલ્લાઉદ્દીન કા ચિરાગ જેવું જ છે... કેમ કે તેમાંથી મારી મનપસંદ વસ્તુઓ જ નીકળતી... મારે જે ખાવું હોય તેની જીદ કરું કે ક્યારેક ખૂણામાં બેસીને ખોટું ખોટું રડી લઉં તો સાંજે તે જાદુઇ ચિરાગમાંથી મારી મનગમતી વસ્તુ મળી જ જતી અને હું એકલો બેસીને ખાઇ જતો... ક્યારેય બા-બાપુજી તમને આ વસ્તુ ભાવે છે તે પુછવાની આદત જ નહોતી..

નાનો અને અણસમજું હતો ત્યારે તે ઝભ્ભાના ખિસ્સા સુધી કુદકો મારીને મને પહોંચવાનું મન થતું.. ઘણીવાર રાતે સપનું પણ આવતું કે હું તે ઝભ્ભાના ખિસ્સામાં પહોંચી ગયો અને મને મનભાવતી જલેબી.. પેલા બુધ્ધીના બાલ બધુ અંદર જ દેખાતું...!

મારી નાની નાની આંગળીઓ ત્યાં સુધી પહોંચાતી થયેલી ત્યારે કેટલીયે વાર લટકી પડતો.... અરે એકવાર તો તે ખિસ્સુ ફાડી પણ નાખેલું....!! ત્યારે મારી સમજણ પણ કેટલી..? મને તો એમ જ કે એ ખિસ્સુ એટલે હું માંગુ તે લાવી આપે તેવી જગ્યા...

સહેજ મોટો થયો એટલે મારા બાપુજીના ખિસ્સાનું માપ તો એ જ હતું પણ મારી માંગ વધવા લાગેલી.. હવે તેમના હાથે વીણેલા બોર કે કાતરા મને લલચાવતા નહોતા... મને તેમાંથી ખનખનતા પૈસાનો અવાજ ગમતો... એ પાવલી,આઠ આના કે રુપિયો સેરવીને વાપરી નાખતો. એક્વાર તો મેં તેમના ખિસ્સામાંથી દસ રુપિયાની નોટ કાઢી લીધેલી અને મેળામાં ફરી આવ્યો હતો.

બાપુજીના ખિસ્સાની અને મારી સફર એકધારી ચાલતી જ રહી... હું દુ:ખી થવું તો તેમાંથી ખુશીઓ મળતી અને હું જીદ કરું તો પણ તેમાંથી મનગમતી વસ્તુ મળતી...!

મારા દિકરા કાર્તિકને આવી ખીસ્સાની મજા માણવા જ ક્યાં મળી હતી ? સ્કિન ટાઇટ પેન્ટ અને વોલેટ આવવાથી તેની જરુરિયાત સામે તે મારી મરજીને તાકી રહેતો.. મારી મરજી મુજબ હું આપુ તેમાં તેની ખુશીઓ ન પણ સચવાય...!  પણ બાપુજીના આ ઝભ્ભાના ખિસ્સાએ મને ક્યારેય નિરાશ નહોતો કર્યો.

કાર્તિક કોલેજમાં આવ્યો ત્યારે મારુ પાકીટ બહાર મુકુ તો તે ઘણીવાર કહ્યા વગર નોટો સરકાવી લેતો તે પણ હકીકત હતી. હું કારણ પુછું તો પાછળથી કહેતો કે આજે ફ્રેન્ડ સાથે પાર્ટી હતી... પેલું પિક્ચર જોવા ગયો હતો કે કોઇ સ્ટાઇલીસ્ટ કપડાં લેવા હતા વગેરે વગેરે...

‘પણ મારે તે પૈસાની જરુર હતી...!’ હું ક્યારેક તેને લડતો તો તે સૂનમૂન બનીને ચાલ્યો જતો. કોઇવાર ગુસ્સે થઇને લડું તો બાપુજી તેનો પક્ષ લઇને કહેતા કે તું નાનો હતો ત્યારે મારી પાસેથી પૈસા લઇ લેતો ત્યારે તું ક્યાં પુછતો હતો કે તમારે પૈસાની જરુર છે?

નયનને સમજાઇ ગયુ હતુ કે તે જમાનામાં ભલે રુપિયો નાનો હતો પણ જરુરિયાત તો સરખી જ હતી અને પિતાજી તરીકે પોતાનું ખિસ્સું ભરેલું રાખવું ખૂબ જરુરી છે.

અને આખરે નયને બાપુજીના એ ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખી અંદર રહેલી પાંચસો પાંચસોની નોટોના બંડલ બહાર કાઢ્યાં.

અને ત્યાં જ તેની પત્ની આવી અને નયનના હાથમાં રુપિયાના બંડલ જોઇને બોલી, ‘હું નહોતી કહેતી કે એકવાર બાપુજીને કહો તો ખરા કે આપણે પોતાનું ઘર લેવું છે થોડો ટેકો કરો... અને મારુ સાચું પડ્યુંને બાપુજી પાસે પૈસા છે જ..!’

નયનને ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાંથી ખુશીઓ મળી હતી. બંડલો જોઇ લીધા તો તે પૂરા દોઢ લાખ હતા.. બન્નેના ચહેરા પર ખુશીની લહેર હતી. નયનને આજે ફરી તે ખિસ્સુ પોતાના સપનાને સાકાર કરતું જાદુઇ ચિરાગ જેવું જ લાગ્યું.

‘મારી પાસે પડેલા રોકડા દસ હજાર... બેંકના પડેલા વીસ હજાર અને આ દોઢ લાખ એટલે ઘરનું બુકિંગ પાકુ... અને પછી બીજી લોન લઇશું...’ નયન અને તેની પત્ની ખુશ હતા.

અને ત્યાંજ નયનના મોબાઇલમાં મેસેજ ટોન આવ્યો એટલે તેને મેસેજ ચેક કર્યો. તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને ફાટી આંખે જોઇ રહ્યો. નયને ઝડપથી પોતાનું પાકીટ ચેક કર્યુ અને જોયું તો તેનું એટીએમ કાર્ડ ગાયબ હતું એટલે તે ચિલ્લાયો, ‘મારા ખાતામાંથી કોઇકે વીસ હજાર ઉપાડી લીધા છે...!!’

અને ત્યાં જ તેની પત્ની ગભરાઇને બોલી, ‘ સવારે કાર્તિક તમારું પર્સ ફેંદતો હતો... તે કાલે રાતે મને કહેતો હતો કે વીસ હજાર આપો મારે ફ્રેન્ડ સાથે ગોવાની ટુર બુક કરવી છે.....!! મેં તો ના પાડી હતી....! તેને પહેલા ફોન કરો... તેને તમારા એટીએમના પાસવર્ડ પણ ખબર છે..!’

નયને ફોન કર્યો તો કાર્તિકે બેધડક કહ્યું, ‘હા, મારે જવુ હતુ એટલે મેં જ તમારા એટીએમથી પૈસા વિડ્રો કર્યા છે..’

નયન અને તેની પત્ની સાવ સૂનમૂન બનીને બેસી ગયા.અને ત્યાં જ બાપુજી રૂમમાં આવ્યા.

તેમના હાથમાં પૈસા હોવા છતાં સાવ નિરાશ ચહેરા જોઇને બોલ્યા, ‘ કેમ ઓછા પડ્યાં ?’

નયન થોડીવાર ચૂપ થઇને બેસી ગયો તે સમજી ગયો હતો કે પોતાના ખિસ્સામાંથી આમ અચાનક પૈસા ઓછા થાય તો કેટલા સપના ચકનાચૂર થાય છે. કાર્તિકે પોતાની ખુશી માટે આજે પપ્પાની બેંકનું  ખિસ્સું ખાલી જ કર્યુ હતુ ને...!

નયને થોડીવાર વિચાર કર્યો અને બાપુજીને સામે બેસાડી કહ્યું, ‘બાપુજી મારે તમને કંઇક પુછવું છે....!’

‘હા... બોલને..!’ બાપુજીએ સહજતાથી કહ્યું.

‘બાપુજી જ્યારે હું નાનો હતો ત્યારે તમે જે ખિસ્સામાં ભરીને લાવતા તે તમે પહેલા ખાઇને લાવતાં ?’ નયને બહુ જુની વાત યાદ કરીને કહ્યું.

‘એવું ક્યારેય હોતું હશે..? અમને તો એમ થતું કે તું તારી નાની નાની આંગળીઓથી અમને ખવડાવીશ... પણ તું એકલો ખાઇ જતો...!’ બાપુજીએ આજે વર્ષો પછી સ્પષ્ટતા કરી.

‘બાપુજી.. હું ક્યારેક તમારા ઝભ્ભાના ખિસ્સામાંથી તમને પુછ્યા વિના પૈસા લઇ લેતો તેનું તમને દુ:ખ થતું...?’ નયને ફરી બીજો પ્રશ્ન કર્યો.

બાપુજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું. ‘હા.. થતું... પણ બાપ બનવું એટલે ખિસ્સું  ભારે અને મન હળવું રાખવું તે અમે જાણતા હતા. ક્યારેક અમારી જરુરિયાતની જમાપૂંજીને પણ તારા આનંદ માટે તને આપી દેતા... તને યાદ છે તેં એક્વાર દસ રુપિયા લઇ લીધેલા અને મેળામાં ખર્ચી નાખેલા... તે પૈસા તારી બાની દવા માટે ભેગા કરેલા હતા.. પણ તારી બાએ તારી ખુશીઓ માટે તે દવા વગર કેટલાય દિવસ દર્દ વેઢ્યું હતું.’

આ સાંભળી નયનની બન્ને આંખ વહેવા લાગી.. ડૂમો ભરાઇ ગયો હતો છતાં તે બોલ્યો, ‘ બાપુજી આ પૈસા તમે ક્યાંથી લાવ્યા..?’

જો કે બાપુજીએ હળવાશથી કહ્યું, ‘એ તો ગામનું આપણું ખેતર હવે ક્યાં કામનું છે. તેનો સોદો પાક્કો કરી દીધો છે..’

નયન સજળ નયને ઉભો થયો અને તે બંડલો ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાં મુક્યા અને બોલ્યો, ‘બાપુજી, હવે સમજાયું કે પપ્પા બની ઝભ્ભાનું ખિસ્સું હર્યુભર્યુ રાખવા કેટકેટલી મહેનત અને પોતાની જરુરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે. નાનો હતો ત્યારે એમ જ સમજતો કે આ જ અલાઉદ્દીનનો ચિરાગ છે તેમાં જે માંગુ તે મળે. પણ કાર્તિકે મને પૂછ્યા વગર પૈસા ઉપાડ્યા તો ખ્યાલ આવ્યો કે બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકે કેટલું બલિદાન આપવું પડે છે. બાળકો તો એટીએમને પોતાની મરજીનું કાર્ડ સમજી ભલે ઘસતાં રહે પણ તેની સામે પપ્પાની જિંદગી ઘસાઇ જતી હોય છે. જુનુ પુરાણું ઝભ્ભાનું ખિસ્સું હોય કે હાલનું એટીએમ કાર્ડ.... દિકરાની ખુશીઓ માટે તેને ભરેલું જ રાખવું પડે છે. પહેલા તો ઝભ્ભાના ખિસ્સાને કોઇ પાસવર્ડ પણ નહોતો એટલે હું માનતો કે આ તો મારી મરજી મુજબ ખુલી જાય... પણ હવે પાસવર્ડ રાખીએ તોયે તેને ખુલ્લું જ રાખવું પડે છે... બાપુજી મેં તમારા ખિસ્સાને બહુ ભાર આપ્યો છે... તમારી જમીનનો સોદો કેન્સલ કરાવી દેજો અને મારે હવે તમારા ખિસ્સાને વધુ ભાર નથી આપવો.’

નયનની વાત ચાલુ હતી ત્યારે કાર્તિક ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તેને પપ્પાની વાત સાંભળી અને તેને પોતે ઉપાડેલા રુપિયા પપ્પાના હાથમાં મુકતા કહ્યું, ‘ પપ્પા તમે જ્યારે દાદાને પૈસાની જરુર છે તે વાત કરી ત્યારથી તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેઓને હું જ ગામડે લઇને ગયો હતો. તેઓ તેમની જમીન વેચતા રડી પડ્યાં હતા. મારે તમને કહેવું હતું કે તમે દાદાજીના ખિસ્સાને બહુ ભાર ન આપો... એટલે જ મેં તમારા પૈસા તમારી મરજી વિરુધ્ધ ઉપાડ્યાં... અને સાચું કહું તો તે દિવસે મને પણ સમજાઇ ગયું હતું કે પપ્પાના ખિસ્સામાં માત્ર દિકરાઓની જરુરિયાતો જ નહી,  તેમના ખુદના સપનાઓ પણ હોય છે.’

કાર્તિકની આવી ડાહી ડાહી વાત સાંભળી દાદાએ તેને ચૂમી લીધો.

*સ્ટેટસ*
*પપ્પાના ખિસ્સાની આત્મકથા એટલી જ હોય...!*
*બધુ જ જતુ કરીને એ તો છેલ્લે ખાલી જ હોય...!*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*

લહેર પડી ગઈ, યાર!..

મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય

હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં

મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય

મહારોગ
કે
દેવું ન હોય

મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં

ચાય ની ચૂસકી લેતાં લેતાં 
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી  શકતો હોઉં

તો

થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!

અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..

મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !

*– ચંદ્રકાંત બક્ષી.*

મનમાં કોઈ મનભેદ નથી

બે ભાઈ વચ્ચે કોટઁ મા કેશ ચાલતો હતો બંન્ને ભાઈ એકજ બાઈક પર બેસી ને કોટઁ મા જાય.મોટા ભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એકજ બાઈક    
પર બેસી ને જઈએ એટલે ઞામને ખબર ના પડે કે આપણે બેય ભાઈ  બોલતા નથી .નાનો ભાઈ કહે ભાઈ તમે કહો તેમ.પણ કેશ તો હુંજ જીતીશ મોટા ભાઈ કહે ભલે તું જીતે .પછી તો હર મહીને એકજ બાઈક પર બેસી ને કોટઁ મા જાય .અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોટઁ ની બહાર આવી ને એની ચપલ શોધે છે પણ મળતી નથી એટલે મોટા ભાઈ પુચ્છા કરે છે ભાઈ શું શોધે છે? ત્યારે નાના ભાઈએ કીધું ભાઈ મારા ચપ્પલ નથી મળતા આપણે અંદર ગયા ત્યારે અહીંજ કાઢી ને રાખ્યા હતાં. ત્યારે મોટા ભાઈ એ કહ્યું ભાઈ તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તળકો આવી ગયો હતો એટલે મને થયું કે  મારા ભાઈ ના પગ બળશે. એટલે મેં જઈને છાંયડે મુકયા છે .
ત્યારે નાના ભાઈએ કેશ ના કાગડીયા ફાળી નાખ્યા અને મોટા ભાઈ ને ભેટી પડયો .ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોટઁ મા ભાઈ સાથે લડવા આવ્યો હતો.પણ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગ નો બળવા દે એ કોઈ દિવશ મારા વિસે ખરાબ નો વિચારે અને ના ખરાબ બોલી શકે દુનિયા ગમે તેમ બોલે
પણ ભાઈ ભાઈ હોય.છે પછી.સગો ભાઈ હોય કે કાકા બાપા નો દિકરો .
    🙏🏼🙏🏼🙏🏼

કોનુ સન્માન કરીએ ?

🌹 *આજનો પ્રેરક પ્રસંગ* 🌹

⬇  કોનુ સન્માન કરીએ ?
એક રાજાને એવો વિચાર આવ્યો કે મારે મારા રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિનું સન્માન કરવું છે. રાજાએ આ માટે પ્રધાનમંડળની બેઠક બોલાવી. રાજાએ પ્રધાનોનું સુચન માંગ્યું કે મારે કોનું સન્માન કરવું જોઈએ ?

એક પ્રધાને ઉભા થઈને કહ્યું , "આપણે સાહિત્યકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ વિચારો દ્વારા આપણને બધાને જીવન જીવતા શીખવે છે".

બીજા પ્રધાને કહ્યું, "આપણે કલાકારનું સન્માન કરવું જોઈએ કારણકે એ આપણને મનોરંજન પૂરું પાડીને હતાશામાંથી બહાર કાઢે છે".

ત્રીજા પ્રધાને કહ્યું, "આપણે ઇજનેરનું સન્માન કરવું જોઈએ કારણકે એના લીધે જ આટલો વિકાસ થયો છે આ રસ્તાઓ, ડેમો, મોટામોટા મકાનો, જાત જાતના યંત્રો અને ભૌતિક સુવિધાઓ ઇજનેરના કારણે જ મળી છે".

ચોથાએ કહ્યું, "આપણે ડોકટરનું સન્માન કરવું જોઈએ કારણકે એ નવું જીવન આપે છે". પાંચમા પ્રધાને કહ્યું," મારા મંતવ્ય મુજબ તો ઉદ્યોગપતિનું સન્માન થવું જોઈએ કારણકે એના કારણે જ અનેકને રોજગારી મળે છે અને રાજ્યને આવક પણ મળે છે".

બધા પ્રધાનોના જુદા જુદા સુચન સાંભળીને રાજા મૂંઝાયા. આ બધા લોકોનો ખરેખર રાજ્યના વિકાસમાં અદભૂત ફાળો હતો એટલે કોનું સન્માન કરવું એ મોટી મૂંઝવણ હતી.

રાજાએ રાજ્યના સૌથી અનુભવી અને વડીલ પ્રધાનને એમનો અભિપ્રાય આપવા માટે જણાવ્યું જે હજુ સુધી મૌન બેસીને બધાની વાત સાંભળી રહ્યા હતા. સિનિયર પ્રધાને કહ્યું,"મહારાજ, આ માટે આપે મને એક કલાકનો સમય આપવો પડે. હું એક કલાક બહાર જઈને આવું પછી મારો અભિપ્રાય આપું". રાજાએ આ માટે અનુમતિ આપી.

રાજ્યના સૌથી વડીલ પ્રધાન સભા છોડીને જતા રહ્યા અને કલાક પછી ફરી પાછા આવ્યા. એમની સાથે કોઈ વૃદ્ધ સ્ત્રી પણ હતી. વૃદ્ધ સ્ત્રીને જોતાંજ સભામાં બેઠેલા મોટાભાગના પ્રધાનોના ચહેરા પર સ્મિત આવ્યું. આ બધા પ્રધાનો એમની જગ્યા પરથી ઉભા થયા અને પેલી વૃદ્ધ સ્ત્રીને પગે લાગ્યા.

રાજાને પણ આશ્વર્ય થયું કે હું બધાને પગાર આપું છું પણ કોઈ પ્રધાન મને પગે લાગતા નથી અને આ સ્ત્રીને કેમ પગે લાગ્યા ?"

રાજાએ પ્રધાનોને આ સ્ત્રી કોણ છે એમ પુછતાં જ બધા પ્રધાનોએ જવાબ આપ્યો, "રાજા સાહેબ, આ અમારા શિક્ષિકાબેન છે અમે આ બહેન પાસે ભણેલા છીએ. આજે અમે જે કઈ પણ છીએ એ આ બહેને આપેલા જ્ઞાનને કારણે જ છીએ".

રાજાએ સિનિયર પ્રધાનની સામે જોઈને પૂછ્યું, "મને સમજાઈ ગયું કે રાજ્યના વિકાસમા સૌથી અગત્યનું યોગદાન કોનું છે ? સાહિત્યકાર, કલાકાર, ઈજનેર, ડોકટર કે ઉદ્યોગપતિ આ બધાનો રાજ્યની સુખાકારીમાં અમૂલ્ય ફાળો છે પણ આ બધાને ઘડવાનું કામ શિક્ષક કરે છે માટે શિક્ષકના સન્માનમાં આ તમામનું સન્માન આવી જાય".

   મિત્રો, આજે આપણે બધા જે કંઈ છીએ એમાં આપણા પુરુષાર્થની સાથે શિક્ષકની પ્રેરણા પણ જવાબદાર છે. શિક્ષક સમાજને ઘડવાનું કામ કરે છે..
    🙏🙏🙏🙏🙏

બહેન અને ફોઈ

બહેન અને ફોઈ.....

પાપા જોર થી બોલે છે. પ્રિન્સ દોડી ને આવે છે અને પૂછે છે… શું વાત છે પાપા ?

પાપા- તને ખબર નહીં આજે તારી બહેન ઘરે આવી રહી છે. આ વખતે એ તેનો જન્મ દિવસ આપણી સાથે ઉજવશે. એટલે જલ્દી જા અને તારી બહેન ને લઈ આવે અને હા સાંભળ તું આપણી નવી ગાડી લઈ ને જજે જે આપણે કાલે જ ખરીદી છે. એને સારું લાગશે.

પ્રિન્સ ,  પણ મારી એ ગાડી તો મારો મિત્ર આજે સવારે જ લઈ ગયો. અને તમારી ગાડી પણ ડ્રાઇવર  એ કહી ને લઈ ગયો કે બ્રેક ચેક કરાવવી છે.

પિતા – તું સ્ટેશન પર તો જા કોઈ ની ગાડી લઈ ને કે ટેક્સી કરી ને. તને જોઈ એ ખુશ થશે.
પ્રિન્સ ,એ બાળકી થોડી છે કે એકલી આવી નહીં શકે? આવી જશે ટેક્સી કે ઓટો લઈ ને ચિંતા ન કરો.

પાપા , તને શરમ ન આવી આવું બોલતા , ઘર માં ગાડીઓ હોવા છતાં ઘર ની છોકરી ટેક્સી કે ઓટો માં આવશે ?

પ્રિન્સ ,  સારું તો તમે ચાલ્યા જાઓ મારે કામ છે હું નહીં જાઉં.

પાપા , તને તારી બહેન ની જરા પણ ચિંતા નથી ? લગ્ન થઈ ગયા તો બહેન પરાઈ થઈ ગઈ ? શું એને આપણા બધા નો પ્રેમ પામવા નો હક નથી ? તારો જેટલો અધિકાર છે આ ઘર પર એટલો જ તારી બહેન નો છે. કોઈ પણ દીકરી લગ્ન થયા બાદ પરાઈ નથી થઈ જતી.

પ્રિન્સ , પણ મારી માટે તો એ પરાઈ જ થઈ ગઈ છે આ ઘર પર ફક્ત મારો જ અધિકાર છે. અચાનક પિતા નો હાથ ઉઠવા જ જતો હતો ત્યાં  મા આવી જાય છે. મમ્મી , તમે કંઈક શરમ તો કરો જુવાન દીકરા પર હાથ ઉઠાવવા જઈ રહ્યા છો.

પિતા , તે સાંભળ્યું નહીં કે એને શું કીધું ? એની બહેન ને પરાઈ કહે છે. હંમેશા એનું ધ્યાન રાખતી ,એની પોકેટ મની થી બચાવી અને કંઈક ને કંઈક ખરીદી રાખતી. વિદાય સમયે એને સૌથી વધુ ગળે મળી ને રડી હતી. અને આજે આ એને પરાઇ કહે છે.

પ્રિન્સ , હસ્યો અને બોલ્યો ફઇ નો પણ આજે જ જન્મદિવસ છે ને. એ પણ ઘણી વાર આ ઘર માં આવ્યા છે અને હંમેશા ઓટો થી જ આવ્યા છે. તમે ક્યારેય ગાડી લઈ અને તેને લેવા નથી ગયા. માન્યું આજે એ તંગી માં છે પણ પેહલા તો ખૂબ અમીર હતા. તમને મને અને આ ઘર ને દિલ ખોલી અને સહાયતા કરી હતી. ફઇ પણ આ જ ઘર માંથી વિદા થયા છે તો રશ્મિ દીદી અને ફઇ માં ફરક કેવો. રશ્મિ મારી બહેન છે તો ફઇ તમારી.

પાપા તમે મારા માર્ગદર્શક છો તમે મારા હીરો છો. પણ આ વાત ને લઈ હું હંમેશા રડું છું. ત્યાં જ બહાર ગાડી ઉભી રહેવા નો અવાજ આવ્યો.
ત્યાં સુધી પાપા પ્રિન્સ ની વાતો સાંભળી પશ્ચયાતાપ કરતા હતા. અને બીજી બાજુ પ્રિન્સ. ત્યાં જ પ્રિન્સ ની બહેન દોડતી અંદર આવી અને મમ્મી પાપા ને ગળે મળી. પણ એમના ચેહરા જોઈ એ બોલી પડી કે શું થયું પાપા?

પાપા ,  તારો ભાઈ આજે મારા પાપા બની ગયા.
રશ્મિ , એ પાગલ નવી ગાડી ખૂબ મસ્ત છે , ડ્રાઇવર ને પાછળ બેસાડી હું ચલાવતી આવી છું. અને કલર પણ બૌ મસ્ત છે. પ્રિન્સ , happy birthday to you દીદી  આ ગાડી તમારી છે અમારા તરફ થી તમને બર્થડે ગિફ્ટ. સાંભળતા બહેન ઉછળી પડી. અને ત્યાં જ ફઇ અંદર આવ્યા.

ફઇ , શું ભાઈ તમે પણ ? ન કોઈ ફોન , ન કોઈ ખબર એમ નેમ જ ગાડી મોકલી આપી તમે , ભાગી ને આવી હું ખુશી થી. એવું લાગ્યું કે પાપા આજે પણ જીવતા છે.  અને વધુ માં બોલ્યા કે હું કેવી ભાગ્યશાળી છું કે મને પિતા જેવો ભાઈ મળ્યો છે. ઈશ્વર કરે મને દરેક જન્મ માં આ જ ભાઈ મળે. પાપા મમ્મી ને સમજાય ગયું કે આ બધું કામ પ્રિન્સ એ જ કર્યું છે.

પણ આજે એક વખત સંબંધો ને મજબૂતી થી જોડતા જોઈ અને અંદર થી ખુશ થઇ અને રડવા લાગ્યા. એમને પૂરો ભરોસો આવી ગયો કે એમના ગયા બાદ પ્રિન્સ સંબંધો  સાચવશે. દીકરી અને બહેન એ બંને અનમોલ શબ્દ છે.

જેમની ઉંમર ખૂબ નાની હોય છે. કારણકે લગ્ન બાદ દીકરી અને બહેન કોઈ ની પત્ની અને કોઈ ની ભાભી અને કોઈ ની બહેન બની જાય છે.
લગભગ છોકરીઓ એટલે જ પિયરે આવે છે એમને ફરી દીકરી અને બહેન શબ્દ સાંભળવા નું મન થતું હોય છે.

જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે...

*જિંદગી ત્યારે જીવવા જેવી લાગે છે...*

ભરચક કામની વચ્ચે, ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’
એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ, કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે - "તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે - "ચાલ, હું તારી સાથે 'જાગું'  છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે, કોઈ ખભા પર હાથ મૂકીને - "ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે એક કોળીયો મોઢામાં મૂકી, કોઈ નજીકનો ખાસ મિત્ર "ખવાય જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે - "ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ, ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને, 'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી, કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે..

આ કવિતા વાંચીને, ચહેરા પર 'સ્મિત' આવી જાય...ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે...

*ચાલ ને જીવી લઈએ જિંદગી કારણ જિંદગી જીવવા જેવીજ છે.*

કર્મ નો સિદ્ધાંત


આંખ એ ઝાડ પર ફળ દેખ્યું..
લાલસા જાગી..
આંખ તો ફળ તોડી ન શકે તો પગ ગયા ફળ તોડવા..
પગ તો ફળ તોડી ન શકે એટલે હાથ એ ફળ તોડ્યું અને મ્હો એ તેને ખાધું..

આમ,
જેને દેખ્યું એ ગયું નહિ,જે ગયો એને તોડ્યું નહિ અને જેને તોડ્યું એને ખાધું નહિ,જેને ખાધું એને રાખ્યું નહિ,. ફળ તો ગયું પેટમાં..

હવે જ્યારે માળી એ દેખ્યું તો દંડા પડ્યા પીઠ માં..
પીઠ કહે,હાય..મારો શું વાંક?
પણ જ્યારે દંડા પડ્યા પીઠ માં તો આંસુ આવ્યા આંખ માં..

કારણકે ફળ તો પહેલા આંખ એ જ જોયું હતું ને..

આ_છે_કર્મ_નો_સિદ્ધાંત..

ગુજરાતી સારસ્વત પરિચય

ગુજરાતી સારસ્વત પરિચય

– ફાધર વાલેસથી જે યાત્રા પ્રારંભી
– અને જાણે નરસિંહરાવ દિવેટીયાએ મંગળ મંદિર ખોલ્યા.
– ત્યાં તો દલપતરામે ઋતુઓનું વર્ણન કર્યુ.
– ‘ગની’ દહીંવાલાએ નિષ્ફળ નિષ્ફળ રમતા શીખવ્યું.
– અમૃત ‘ઘાયલ’ એ શાનદાર જીવ્યા નો દાખલો આપ્યો.
– દૂધમાં સાકરની જેમ ઉમાશંકર જોશીએ પરિચય આપ્યો.
– મરીઝએ ધીમા પ્રવાસનું ભાન કરાવ્યું.
– ‘શૂન્ય’ પાલનપુરીએ મંદિરમાં દેવોના દર્શન આપ્યા.
– ધૂમકેતુ “મરિયમ ન મળી, કાગળે ન મળ્યો.” ના દુ:ખદ સંદેશા લાવ્યા
– ગુજરાતનો નાથ કનૈયાલાલ મુન્શી પાસેથી મળી આવ્યા.
– ઝવેરચંદ મેઘાણીએ લગાડ્યો કસુંબીનો રંગ.
– સરસ્વતીચન્દ્ર આપી ગોવર્ધનરામ ત્રિપાઠીએ ધન્ય કર્યા.
– રમણલાલ દેસાઈએ દેખાડ્યું, કેમ આકાશમાં ઉડતું કિલ્લોલ કરતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની ગયું!
– ખબરદારએ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત! દાખવ્યું.
– બોટાદકર, સાચે જ જનનીની જોડ જગે નહીં જડે રે, લોલ!
– છ અક્ષરનું નામ પણ રમેશ પારેખ ઘણું કહી ગયા.
– બાલાશંકર કંથારીયા એ જીવન મંત્ર આપ્યું – ગુજારે જે શિરે તારે, જગતનો નાથ તે સહેજે. ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણે લેજે .”
– રાવજી પટેલએ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાથી હ્રદય કંપાવી દીધુ
– ઈન્દુલાલ ગાંધીએ આંધળી માનો પત્ર પ્હોચાડયો.
– અખો તમે મૂરખ બન્તાં બચાવ્યા. “એક મૂરખને એવી ટેવ, પત્થર એટલા પૂજે દેવ.”
– સુંદરજી બેટાઈએ પ્રોત્સાહન આપ્યું “જાવું જરૂર છે. બંદર છો દૂર છે.”
– રાજેન્દ્ર શુકલના પ્રશ્નનો નથી જવાબ હજી – કીડી સમી ક્ષણોની આ આવજાવ શું છે?
– નરસિંહ મહેતા સાથે વૈષ્ણવજન થયા અને પીડ પરાઈ જાણી.
– હેમન્ત દેસાઇને મનગમતું ગમયું –
“બૂટ બાટા સિવાયના, કઠોળ ચણાદાળ સિવાયનાં,
શાક રીંગણ સિવાયનાં અને કપડાં ખાદી સિવાયનાં
કોઇ પણ મને ગમે.”
– માણસમાં રાખ્યા જયંત પાઠકએ ”રમતાં રમતાં લડી પડે ભૈ, માણસ છે.
હસતાં હસતાં રડી પડે ભૈ, માણસ છે,”
– બાલમુકુન્દ દવે એ સમજાવી દીધું સાનમાં
– કૃષ્ણલાલ શ્રીધરાણી સાચી પૂજા શીખવી. ઘંટના નાદે કાન ફૂટે મારા, ધૂપથી શ્વાસ રૂંધાય; ફૂલમાળા દૂર રાખ પૂજારી, અંગ મારું અભડાય; ન નૈવેદ્ય તારું આ ! પૂજારી પાછો જા !
– “પાન લીલું જોયું ને હરીન્દ્ર દવે યાદ આવ્યાં. ”
– પ્રીતમનો હરીનો મારગ શૂરાનો છે.
– મકરન્દ દવેનો ગુલાલ તો કદી ગુંજે નહીં ભરાઇ ” ગમતું મળે તો અલ્યા ગુંજે ન ભરીયે,ગમતાંનો કરીએ ગુલાલ.”
– ચંદ્રકાન્ત બક્ષીનું આ વાક્ય બહુ મોડુ વાચ્યું “ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”
– સુરેશ દલાલ, તમે વાતો કરો તો થોડું સારું લાગે
– “હું તો બસ ફરવા આવ્યો છું!” નિરંજન ભગત સાથે ફરવાની મજા આવી.
– ” ‘બેફામ’ તો યે કેટલું થાકી જવું પડ્યું? નહીં તો જીવનનો માર્ગ છે, ઘરથી કબર સુધી.”
– જયંતિ દલાલનું સચોટ વાક્ય ”સૌથી ભયંકર વસ્તુ એ છે કે, આજે આપણને કશું ભયંકર લાગતું જ નથી. “
– કુન્દનિકા કાપડિયા સાથે સાત પગલાં આકાશમાં ભરયા.
– “ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? કહશો રાજેન્દ્ર શાહ
– ખરેખર શયદા, “તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે, હું કહું છું જિંદગી ધોવાય છે.
– પિનાકિન ઠાકોર સાથે પોકારું, “હે ભુવન ભુવનના સ્વામી,”
– કલાપી તમને શું કહુ, જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
– કુમારપાળ દેસાઇ એ દર્દ અને દયાનો ભેદ દાખવ્યો. ‘મારી આંખોમાં દર્દ છે, દયાની ભીખ નથી.’
– “યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.” ખરું કહ્યું નર્મદે
– શ્યામ સાધુજી ” બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી.
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.”
– કરસનદાસ માણેક, તમારું જીવન અંજલિ થયું
– મનોજ ખંડેરિયા તમે કહેશો કેમ આમ બને કે પકડું કલમને, ને હાથ આખેઆખો બળ છે?
– ‘સૈફ’ પાલનપુરી તમે તો છો ગઝલ સમ્રાટના શિષ્ય મને બનવું તમારી શિષ્ય
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ?
“જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું.
ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.” ,.
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”