મદદ કરવાની ભાવના

મદદ...

        અંધારુ થઈ રહ્યું હતું. તાળું મારેલા લોખંડના પ્રવેશદ્વારની બહારથી કોઈક બૂમ પાડી રહ્યું હતું. અત્યારે કોણ આવ્યું હશે એમ વિચારતા મેં પ્રવેશદ્વાર ઉઘાડ્યો. સામે એક વૃદ્ધ ઉભો હતો. તેના ચોળાયેલા કપડાં અને મોં પરના થાકથી જણાઈ આવતું હતું કે તે લાંબી મુસાફરી ખેડી અહીં સુધી પહોંચ્યો હતો.

"આ યોગાનંદ સ્ટ્રીટ નું ૮મું મકાન અને તમે જ આનંદ છો..?" તેણે પૂછ્યું. મેં કહ્યું, "હા, હું જ આનંદ છું. અને તમે...?" 
   
સહેજ ધ્રુજતા અને સૂકા હોઠ પર ભીની જીભ ફેરવતા મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકતા તેમણે કહ્યું, "બાબુ, હું તારા પિતાનો મિત્ર છું. હું તારા ગામથી આવું છું. તારા પિતાએ મને આ ચિઠ્ઠી લખી તને આપવા અને તારી મદદ લેવા કહ્યું છે."

તેમની આપેલી એ ચિઠ્ઠી ખોલી વાંચતા મેં નવાઈ પામતા પૂછ્યું, "મારા પિતાએ..? “

મેં ઝડપથી એ ચિઠ્ઠી વાંચી કાઢી. તેમાં લખ્યું હતું," દીકરા આનંદ, આશીર્વાદ. આ ચિઠ્ઠી તને આપનાર મારો મિત્ર છે. તેનું નામ રામૈયા છે અને તે ખૂબ મહેનતુ છે. થોડા દિવસો અગાઉ તેના એકના એક પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. તેના વળતરનાં પૈસા માટે તેણે ઘણાં ધક્કા ખાધા છે. આ વળતર જ તેની નજીવી આવક સાથે મળી તેનું અને પત્નીનું ગુજરાન ચલાવવામાં સહાયરૂપ થશે. હું તેની સાથે પોલીસ રિપોર્ટસ, ટ્રાવેલ એજન્ટ દ્વારા અપાયેલા એફીડેવિટ્સ અને અન્ય જરૂરી દસ્તાવેજો મોકલી રહ્યો છું. તેને જણાવવામાં આવ્યું છે કે વળતરની ફાઇનલ ચૂકવણી મુખ્યકચેરીમાં થશે. આ તેની હૈદરાબાદની પ્રથમ મુલાકાત છે અને એ ત્યાં માટે અજાણ્યો છે. હું આશા રાખું છું કે તું એને મદદરૂપ થશે. તારી તબિયતનું ધ્યાન રાખજે. વહેલામાં વહેલી તકે અમને મળવા આવજે. તારા વ્હાલા પિતા. "
    
રામૈયાગુરુ ઉભો ઉભો મને એકીટશે આશાભરી નજરે જોઈ રહ્યો હતો. મેં એકાદ ક્ષણ માટે કઇંક વિચાર્યુ અને પછી હું તરત તેને ઘરમાં અંદર લઈ ગયો. તેને પાણી આપતા મેં પૃચ્છા કરી કે તેણે કંઈ ખાધું છે? તેણે જવાબ આપ્યો, "ના બેટા. મારી યાત્રા લંબાઈ જતાં, બે ફળ સાથે લાવ્યો હતો તે ક્યારના પૂરા થઈ ગયા." અંદરથી હું તેના માટે ચાર ઢોસા અને થોડી ચટણી લઈ આવ્યો અને તેણે એ ધરાઈને ખાધા ત્યાં સુધીમાં મેં જરૂરી બે - ચાર ફોન કર્યાં.
    
મારા ફોન પતી ગયા બાદ મેં જોયું કે તે કેટલાક કાગળીયા તેના ખોળામાં લઈને બેઠો હતો. તેમાં તેના મૃત પુત્રનો ફોટો પણ હતો. એ જુવાન અને સોહામણો લાગતો હતો. વીસ - બાવીસ વર્ષનો  યુવાન. મારી આંખોના ખૂણાં ભીના થઈ ગયાં.
    
તેણે કહ્યું, "આ મારો એકનો એક પુત્ર હતો. તેના પહેલા અમને થયેલા સંતાનોને જુદા જુદા કારણોસર ઈશ્વરે પોતાની પાસે બોલાવી લીધા હતાં. મહેશ એક જ અમારી ઘડપણની મૂડી સમાન હતો. તે ખૂબ સારું ભણ્યો હતો અને તેણે સારી નોકરી પણ મેળવી હતી.અમને એવી આશા બંધાઈ હતી કે હવે તેની નોકરી શરૂ થયા બાદ અમારી મહેનતનું અમને ફળ મળશે અને અમારી મુશ્કેલીના દિવસો દૂર થશે. પણ એ ગોઝારા દિવસે તે પોતાની કોઈ ભૂલ વગર માર્ગ અકસ્માતનો ભોગ બન્યો અને અમને એકલા મૂકી દૂર દૂર ચાલ્યો ગયો. મૃત પુત્ર પાછળ વળતર લેવા શરૂઆતમાં અમને ખચકાટ થયો. પણ દિવસે દિવસે હું અશક્ત થતો જાઉં છું અને મારી પત્નીની તબિયત પણ સારી રહેતી નથી. તારા પિતાના સૂચન અનુસાર હું અહીં આવ્યો છું અને તેણે મને ખાતરી આપી છે કે તું આ કાર્ય પૂર્ણ કરવામાં મને મદદ કરશે."
     
"કંઈ વાંધો નહીં. હવે ઘણું મોડું થઈ ગયું છે. તમે નિરાંતે સૂઈ જાઓ." એમ કહી હું તેમના સૂવાની વ્યવસ્થા કરી પોતે પણ સૂઈ ગયો.
   
બીજે દિવસે સવારે અમે તૈયાર થઈ ગયા. ચા-પાણી પી અમે વળતર મળવાનું હતું એ ઓફીસ પહોંચી ગયા. રમૈયાગુરુએ મને કહ્યું, "આનંદ, મને અહીં સુધી પહોંચાડયો એ બદલ તારો ખૂબ આભાર. હવે તું તારી ઓફિસે જા. આગળનું કામ હું જોઈ લઈશ."
   
મેં તેને કહ્યું, "મેં આજે રજા મૂકી દીધી છે. હું તમારી સાથે જ રહી તમારું કામ પતાવી આપીશ."
    
પછી આખો દિવસ થોડા ઘણાં ધક્કા ખાઈ અંતે અમે વળતર મેળવવામાં સફળ રહ્યા.
      
વૃદ્ધ રામૈયાગુરુએ મને અંતરથી આશિર્વાદ આપતા કહ્યું, "દીકરા તારા આ ઉપકારનો બદલો હું કઈ રીતે ચૂકવીશ..? હવે મારી માંદી પત્ની એકલી હોવાથી તેને મારી જરૂર છે અને હું તરત પાછો ગામ રવાના થઈ જાઉં."
    
"ચાલો હું તમને બસ સ્ટેન્ડ ઉતારી દઉં" કહી હું તેમની ટિકિટની વ્યવસ્થા કરી અને તેમને થોડા ફળો આપી વિદાય કરવા આવ્યો.
     
જતી વખતે એ વૃદ્ધની આંખોમાં જે ભીનાશ અને આભારવશતાની લાગણી હતી એ મારા હ્રદયને સ્પર્શી ગઈ. તેણે કહ્યું, "આનંદ બેટા, તે મારા માટે ઓફિસમાં એક દિવસની રજા લીધી અને મારું કામ પતાવી આપ્યું, હું તારા આ ઉદાર કૃત્યની વાત જતાવેંત તારા પિતાને કરીશ અને તેમનો પણ આભાર માનીશ."
     
મેં સ્મિત કરતા તેમના હાથ મારા હાથમાં લઈ કહ્યું, "હું તમારા મિત્રનો પુત્ર આનંદ નથી. હું અરવિંદ છું. તમે ખોટા સરનામે આવ્યા હતા. એ આનંદનું ઘર મારા ઘરથી બીજા બે કિલોમીટર આઘું છે. પણ મેં જોયું કે તમે ખૂબ થાકી ગયેલા હતા અને મારો જીવ તમને સત્ય કહેતા ન ચાલ્યો. મેં તમારા દસ્તાવેજોમાં આપેલા નંબર પર ફોન જોડ્યો હતો. આનંદની પત્નીએ મને જણાવ્યું કે એ કંઈક કામ માટે બહારગામ ગયો છે. મેં તમારા મિત્રને પણ ફોન જોડ્યો હતો. મેં તેમને હકીકત જણાવી તો તે ભારે ઉદાસ થઈ ગયા હતા. પણ જ્યારે મેં તેમને ખાતરી આપી કે તમારું કામ પૂરું કરવામાં હું મદદ કરીશ ત્યારે તેમને ખૂબ સારું લાગ્યું હતું.તમને જે ખોટ પડી છે એ તો કોઈ ભરપાઈ કરી શકવાનું નથી. પણ મને લાગ્યું મારે તમને મદદ તો કરવી જ જોઈએ. મેં એમ કર્યું અને મને એ દ્વારા અનહદ ખુશી મળી છે."
  
મારી વાત સાંભળી રામૈયાની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં. તેણે મને મૂંગા મૂંગા જ આશિષ આપ્યાં અને બસ આવી જતાં વિદાય લીધી. મારા માટે તેમના આશિર્વાદ ખૂબ કિંમતી હતાં. મારા પિતા તો પંદર વર્ષ અગાઉ જ પરમધામે સિધાવી ગયા હતા પણ રામૈયાગુરુ ને જોઈ મને કદાચ એવો પણ અહેસાસ થયો હતો કે મારા પિતા પાછા ફર્યા છે. આકાશમાં જોતા મને એવી લાગણી થઈ કે એ ત્યાં ક્યાંક હશે. મેં કહ્યું, "પિતાજી, તમે મારા જીવનમાં હું કેટલો આગળ વધ્યો છું એ ચકાસવા આ સ્વરૂપે આવ્યા હતા ને? પત્ર લખીને તમે ચકાસી રહ્યા હતા ને કે તમારો દીકરો મદદ કરે છે કે નહીં. તમારા જેવા મહાન પિતાનો પુત્ર થઈ મેં મારી ફરજ બજાવી છે. તમે ખુશ છો ને..? “ મારી આંખોમાં પણ ઝળઝળિયા હતાં, હર્ષ નાં!
   
મદદ કરવાની ભાવના રાખો, માર્ગો ઉભા થઈ રહેશે...

ઘડપણ ની જરૂરિયાત કેટલી?

અરે સાંભળો છો...કાવ્યા બોલી

મેં ..હસ્તા..હસ્તા..કિધુ..
કેમ શંકા છે ?...હજુ કાન સારા છે..બોલ જે બોલવું હોય તે.....

કાવ્યા નજીક  આવી...આજે તમારી પાસબુક ઘણા વખતે બેંક મા ભરાવવા ગઈ હતી...તમારા પેન્શન એકાઉન્ટ થી આપણો રોજિંદા વ્યવહાર ચાલતો હોવાથી..આ સેવિંગ ની પાસબુક ઉપર મારૂ ધ્યાન ન હતું...
પણ છેલ્લા એક વર્ષ થી તમારા ખાતા મા. કોઈ 15000 રૂપિયા જમા કરાવે છે..તપાસ કરો આ એકાઉન્ટ કોનું છે....?

મેં ગંભીરતા થી. .પાસબુક હાથ માં લીધી..ચશ્મા પહેરી ઝીણી આંખ કરી ને પાસબુક ની એક..એક એન્ટ્રી ચેક કરી...વાત તો સાચી..હતી....કાવ્યા ની
મને ખ્યાલ આવી ગયો......આ વ્યક્તી કોણ છે..

મેં કાવ્યા ને કિધુ.. તને  તપાસ કરી જણાવીશ.

વહેલી સવારે મારા રૂમ ના બારણાં ખોલી નાખવા ની આદત મારી છે..હું આખ બંધ કરી મારા રૂમ ની અંદર સૂતો હતો..મન થી  ભગવાન નો ઉપકાર માનતો હતો...હે પ્રભુ તારો આભાર ..જીંદગીમાં તેં મને માન સન્માન અને સ્વમાન સચવાય તેટલું આપી દીધું.. સાથે સાથે પરિવાર પણ પ્રેમાળ અને સમજુ આપ્યો..ખૂબ..ખૂબ આભાર... પ્રભુ તારો..મારું નિવૃત જીવન તેં સુધારી દીધું....

ત્યાં મારા રૂમ ની અંદર  પિન્ટુ આવ્યો...તેણેે ધીરે થી મારૂ પાકીટ ઉઠાવ્યું....હું..ઝીણી આખે જોઈ રહ્યો હતો...જે મને શંકા કાલે ગઈ હતી તે સાચી..પડવા ની તૈયારી હતી....

પિન્ટુ એ મારૂ પાકીટ ખોલ્યું..અને તેમાં રૂપિયા ની નોટો મુકતો દેખાયો...મેં એક હાથે લાઈટ ચાલુ કરી..અને બીજા હાથે પિન્ટુ નો હાથ પકડ્યો....

પિન્ટુ..સ્તબ્ધ થઈ ગયો..પપ્પા આ શુ કરો છો ,?

મારી બાજુ માં સુતેલ કાવ્યા ને બુમ મારી..કાવ્યા જાગ...આ પિન્ટુ આપણો...મારૂ પાકીટ....

પિન્ટુ ના ખભે હાથ મૂકી હું બોલ્યો બેટા  મારી શંકા સાચી નીકળી..આ તું શું કરી રહ્યોં છે  બેટા?

કાવ્યા..પિન્ટુ સામે જોઈ બોલી બેટા.. શુ છે આ બધું ?

મેં કીધું કાવ્યા....તું પૂછતી હતી ને મારી પાસબુકમાં દર. મહિને રૂપિયા 15000 કોણ જમા કરાવે છે.....એ આ આપણો પિન્ટુ કરાવે છે...

મારા પાકીટ માં દર મહિને રૂપિયા 5000  હાથ ખર્ચી ના પણ આજ મુક્તો હતો...મને એમ કે તું પેન્શન ઉપાડી ને વધતા રૂપિયા મારા પાકીટમાં મૂકે છે...

પિન્ટુ...આંખ મા પાણી સાથે બોલ્યો...મેં કાંઈ ખોટું કર્યું છે. ? પપ્પા...

ના બેટા.... મારી.પાસે..કહેવા માટે કોઈ શબ્દો નથી....એક પુત્ર તરીકે ની ફરજ તું ચુક્યો નથી તેનો આનંદ છે...

માઁ બાપ ની તો ફરજ છે..બાળકોની
જરૂરિયાતો પૂરી કરવાની..પણ જયારે સંતાનો મોટા થઈ તેમની ફરજ કીધા વગર સમજી જાય ત્યારે...માઁ બાપ ની જીંદગી નો .. બાળકો પાછળ કરેલ મેહનત અને ખર્ચ નો થાક લગભગ ઉતરી જાય..છે...

ઘડપણ ની જરૂરિયાત કેટલી? સ્વમાનનો ઓટલો અને રોટલો...મધ્યમ વર્ગ વારસામાં સંસ્કાર સિવાય શું આપી શકે..બેટા

Proud of you my dear son...
પપ્પા...તમારા ઉપકાર અને લાગણીઓ સામે આ રૂપિયા ની .કોઈ કિંમત નથી...પિન્ટુ બોલ્યો

હું કોલેજ માં આવ્યો ત્યારથી  નોકરી એ લાગ્યો ત્યા સુધી..મારૂ પાકીટ ચેક કરી તમે મારી જાણ બહાર રૂપિયાઓ મૂકી દેતા હતા...મારે કોઈ દિવસ તમને કહેવું નથી પડ્યું..પપ્પા રૂપિયા વપરાઈ ગયા છે..હાથ ખર્ચી..આપો...

એવું પણ બની શકે . . કદાચ.તમારા ખર્ચ કે મોજશોખ ઉપર કાપ મૂકી તમે મારી જીંદગી ને  એવી સુંદર રીતે  શણગારી છે..કે આજે હું..ઉચ્ચ હોદ્દા અને પગાર ને લાયક બન્યો છું..
અને જેના સાચા હક્કદાર તમે અને મમ્મી છો...

હજુ પપ્પા આ તો મારી  શરૂઆત છે..મારી પ્રગતિ ની સાથે સાથે પાસબુક નો ગ્રાફ પણ ઉંચો જશે
અને પાકીટ પણ તમારે નવું.લેવું પડશે....પિન્ટુ હસી પડ્યો..

મેં ધીરે થી કિધુ બેટા...તેં પણ હવે પરિવાર માંડ્યો છે..
તારી પણ જરૂરિયાતો દિવસે.. દિવસે વધશે...

અમારે જરૂર..નથી..તું આનંદ કર
અમને જરૂર પડશે ત્યારે તને કહીશું... હવે થી રૂપિયા જમા કરાવવા ના બંધ કર...

પપ્પા..25 વર્ષ સુધી તમે મારી.કેરિયર બનાવી...જયારે ઉચ્ચ પગાર મેળવવા નો હક્કદાર થાઉં ત્યારે હું..તમારી સામે જોવાનું ભૂલી જાઉતો મારા જેવો નાલાયક છોકરો કોણ હોય ?

બચપન મા મારો હક્ક હતો.. તમારી ફરજ હતી
સમય સંજોગો બદલાયા છે..પપ્પા.. આજે મારી ફરજ છે..તમારો હક્ક છે....

માઁ બાપ નું સર્જનએ નિઃસ્વાર્થ ભાવનાઓ  થી કંડારેલ એક મૂર્તિ  બરાબર છે. કદાચ ભગવાન થી પણ ઉચ્ચ સ્થાન તેમનું એટલા માટે છે..આપણે ભગવાન ને જોયા નથી અનુભવ્યા નથી..પણ માઁ બાપ ના .પ્રેમ નો અનુભવ આપણે મિનિટે મિનિટે કરતા રહીએ છીયે...

પિન્ટુ ના માથે હાથ ફેરવી હું બોલ્યો.. બેટા...ખૂબ ખૂબ પ્રગતિ કર... તારી ભાવના અને લાગણી ની હું કદર કરૂ છું....ભગવાને અમારા બંન્ને ની સ્વમાન સાથે બધી જરૂરિયાતો પૂરી થાય તેટલું આપ્યું છે..

એટલે..આજ પછીમારા પાકીટ ને અડવાનું બંધ અને પાસબુક મા રૂપિયા પણ જમા કરવાનું પણ બંધ...સમજ્યો..

ના પપ્પા...લોકો પોતાની.પ્રગતિ માટે મંદિર..આશ્રમો માં રૂપિયા અને ભેટો મૂકે છે, વાસ્તવ માં ભગવાન ને રૂપિયા ની જરૂર નથી અને મંદિર કે આશ્રમ નું યોગદાન આપણી  જીંદગી બનાવવા માં ઝીરો હોય છે..
મારા વિચારો મુજબ સાચા ભગવાન આપણા ઘર માં બેઠા હોય  છે..એ ભૂલીને આપણે  મંદિર અને આશ્રમો ના પગથિયાં ઘસીયે છીયે...
મારી નજર મા ઘર એ જ મંદિર છે..અને એ મંદિર મા તમે બંન્ને મારા જાગતા ભગવાન સ્વરૂપ છો.... માઁ બાપ ખુશ તો ભગવાન પણ ખુશ..

પિન્ટુ હાથ જોડી ઉભો થયો..અને બોલ્યો...અમારા થી જાણતા અજાણતા વાણી વર્તન કે વ્યવહાર માં કોઈ વખત પણ ભૂલ થઈ જાય તો બાળક સમજી માફ કરજો..
એટલી ફક્ત વિનંતી કરૂ છું...આટલું બોલી ..પિન્ટુ ફરી તેના રૂમ.તરફ આગળ વધ્યો

મારા રૂમ મા રાખેલ  ભગવાન ની મૂર્તિ સામે જોઈ..હું બોલ્યો  હે પ્રભુ...તારો.ખૂબ ખૂબ આભાર..
સંતાન સમજુ નીકળે ત્યારે પણ ભગવાન ની કૃપા સમજી લેજો.બધા ના નસીબ મા આવા સંતાનસુખ લખેલ નથી હોતા

   *✍🏼પાર્થિવ...*

    🌀🌀🧿💜🧿🌀🌀
  *💟 સંવેદના ના ઝરણાઓ 💟*

માતા પિતા ના આશીર્વાદ હોય તો..

Believe it or Not

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

     હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

     એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

     તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

  ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

    આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

     આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

     એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો  છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

     તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

    ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

    ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

  ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

    સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

    આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

    ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

    ‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

    ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

  સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

    ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

    બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

    એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

    એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

    ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

*બોધ : જો નીતિ સાચી અને માતા પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે...*

🌹🙏🏻🌹

ખિસ્સાની આત્મકથા

*વ્હોટ્સ અપની વાર્તા –૬૯*
*લેખક : ડો વિષ્ણુ એમ. પ્રજાપતિ*

*પપ્પાનું ખિસ્સું*

સાંજે ઘરમાં પગ મુકતાં જ નયનની નજર રૂમની સામેની દિવાલે ટીંગાયેલા ઝભ્ભા પર પડી.  પોતે છેલ્લા કેટલાક દિવસથી ટેન્શનમાં હતો... છેવટે પત્નીના કહેવાથી બાપુજીના કાને વાત નાખી જ દીધી હતી.

બાપુજીએ તો જવાબમાં માત્ર એટલું જ કહેલું ‘તું કાલે સાંજે ઝભ્ભાના ખિસ્સામાં જોઇ લેજે...!!’

નયન તેના પપ્પાને બાપુજી કહેતો. વર્ષો સુધી ગામડે રહેલા એટલે ત્યાં પપ્પા શબ્દની ફેશન આવી નહોતી. તે સમયથી જ બાપુજી શબ્દ  નયનની જીભમાં અને મનમાં ગોઠવાઇ ગયો હતો.

ઘણાં વર્ષો પછી બાપુજીના ઝભ્ભાનું એ લદાયેલું ખિસ્સું  જોઇ ખુશી થઇ....! તેમાં દેખાતી નોટોની ગડીઓના ઉભારથી મનનો ભાર હળવો થયો.

જો કે નયને આજે તે આખા ઝભ્ભાને ઝીણવટથી જોયો. કેટલી જુની પુરાણી સ્ટાઇલ...!! ગામડે રહેતા ત્યારે તો તે ઠેકઠેકાણેથી ફાટેલો રહેતો... ઘસાઇને સાવ તરડાઇ ગયેલા કોલર રહેતા...! કેટકેટલીયે જગ્યાએ ચા કે માટીના ક્યારેય ન નીકળી શકે તેવા ડાઘા...! બાંય તો એવી કે જાણે એક દોરો તોડો તો બીજા કેટલાય દોરા ડોકાચીયાં મારી બહાર આવતા... અને મારી બા આ ડોકાચીયાં કાઢતા દોરાને ગળેથી બાંધી બેસાડી દેવામાં પાવરધા હતા...

નાનપણથી જ મને આ ઝભ્ભાનું ખિસ્સું વ્હાલું હતુ... તેઓ ખેતરેથી આવતાં તો તે ખિસ્સામાં કંઇકને કંઇક ભરીને લાવતા.
બાપુજીના ખિસ્સામાં વીણેલા બોર કે પેલા ખાટાં ખાટાં કાતરા, ખેતરનો પોંખ, ઝીતેલા કે ગુંદા જેવી કેટકેટલીયે વસ્તુઓ આવતી અને ઘરમાં ઢગલો કરી કહેતા, ‘નયન ખઇ લે....!’ ને હું ઝાપટી જતો.... હું નહોતો પુછતો કે બાપુજી તમારે ખાવું છે...? મને એમ જ હતું કે તેમને તો ખેતરમાં જ ખાઇ લીધું હશેને...પછી જ મારા માટે લાવ્યા હશે...!

નયનની નજર  ઝભ્ભાના વજનથી લબડી રહેલા ખિસ્સા તરફ સ્થિર થઇ.. નાનો હતો ત્યારે આ રીતે વસ્તુથી લદાયેલું ખિસ્સું જોતો તો તેમની પાછળ પાછળ દોડતો... તે ખિસ્સા સુધી પહોંચવાનું મન થઇ જતું.. બાપુજી તેમાંથી ક્યારેક ચોકલેટ કે બિસ્કિટ કાઢતા તો લાગતું કે આ ખિસ્સું અલ્લાઉદ્દીન કા ચિરાગ જેવું જ છે... કેમ કે તેમાંથી મારી મનપસંદ વસ્તુઓ જ નીકળતી... મારે જે ખાવું હોય તેની જીદ કરું કે ક્યારેક ખૂણામાં બેસીને ખોટું ખોટું રડી લઉં તો સાંજે તે જાદુઇ ચિરાગમાંથી મારી મનગમતી વસ્તુ મળી જ જતી અને હું એકલો બેસીને ખાઇ જતો... ક્યારેય બા-બાપુજી તમને આ વસ્તુ ભાવે છે તે પુછવાની આદત જ નહોતી..

નાનો અને અણસમજું હતો ત્યારે તે ઝભ્ભાના ખિસ્સા સુધી કુદકો મારીને મને પહોંચવાનું મન થતું.. ઘણીવાર રાતે સપનું પણ આવતું કે હું તે ઝભ્ભાના ખિસ્સામાં પહોંચી ગયો અને મને મનભાવતી જલેબી.. પેલા બુધ્ધીના બાલ બધુ અંદર જ દેખાતું...!

મારી નાની નાની આંગળીઓ ત્યાં સુધી પહોંચાતી થયેલી ત્યારે કેટલીયે વાર લટકી પડતો.... અરે એકવાર તો તે ખિસ્સુ ફાડી પણ નાખેલું....!! ત્યારે મારી સમજણ પણ કેટલી..? મને તો એમ જ કે એ ખિસ્સુ એટલે હું માંગુ તે લાવી આપે તેવી જગ્યા...

સહેજ મોટો થયો એટલે મારા બાપુજીના ખિસ્સાનું માપ તો એ જ હતું પણ મારી માંગ વધવા લાગેલી.. હવે તેમના હાથે વીણેલા બોર કે કાતરા મને લલચાવતા નહોતા... મને તેમાંથી ખનખનતા પૈસાનો અવાજ ગમતો... એ પાવલી,આઠ આના કે રુપિયો સેરવીને વાપરી નાખતો. એક્વાર તો મેં તેમના ખિસ્સામાંથી દસ રુપિયાની નોટ કાઢી લીધેલી અને મેળામાં ફરી આવ્યો હતો.

બાપુજીના ખિસ્સાની અને મારી સફર એકધારી ચાલતી જ રહી... હું દુ:ખી થવું તો તેમાંથી ખુશીઓ મળતી અને હું જીદ કરું તો પણ તેમાંથી મનગમતી વસ્તુ મળતી...!

મારા દિકરા કાર્તિકને આવી ખીસ્સાની મજા માણવા જ ક્યાં મળી હતી ? સ્કિન ટાઇટ પેન્ટ અને વોલેટ આવવાથી તેની જરુરિયાત સામે તે મારી મરજીને તાકી રહેતો.. મારી મરજી મુજબ હું આપુ તેમાં તેની ખુશીઓ ન પણ સચવાય...!  પણ બાપુજીના આ ઝભ્ભાના ખિસ્સાએ મને ક્યારેય નિરાશ નહોતો કર્યો.

કાર્તિક કોલેજમાં આવ્યો ત્યારે મારુ પાકીટ બહાર મુકુ તો તે ઘણીવાર કહ્યા વગર નોટો સરકાવી લેતો તે પણ હકીકત હતી. હું કારણ પુછું તો પાછળથી કહેતો કે આજે ફ્રેન્ડ સાથે પાર્ટી હતી... પેલું પિક્ચર જોવા ગયો હતો કે કોઇ સ્ટાઇલીસ્ટ કપડાં લેવા હતા વગેરે વગેરે...

‘પણ મારે તે પૈસાની જરુર હતી...!’ હું ક્યારેક તેને લડતો તો તે સૂનમૂન બનીને ચાલ્યો જતો. કોઇવાર ગુસ્સે થઇને લડું તો બાપુજી તેનો પક્ષ લઇને કહેતા કે તું નાનો હતો ત્યારે મારી પાસેથી પૈસા લઇ લેતો ત્યારે તું ક્યાં પુછતો હતો કે તમારે પૈસાની જરુર છે?

નયનને સમજાઇ ગયુ હતુ કે તે જમાનામાં ભલે રુપિયો નાનો હતો પણ જરુરિયાત તો સરખી જ હતી અને પિતાજી તરીકે પોતાનું ખિસ્સું ભરેલું રાખવું ખૂબ જરુરી છે.

અને આખરે નયને બાપુજીના એ ઝભ્ભાના ખિસ્સામાં હાથ નાખી અંદર રહેલી પાંચસો પાંચસોની નોટોના બંડલ બહાર કાઢ્યાં.

અને ત્યાં જ તેની પત્ની આવી અને નયનના હાથમાં રુપિયાના બંડલ જોઇને બોલી, ‘હું નહોતી કહેતી કે એકવાર બાપુજીને કહો તો ખરા કે આપણે પોતાનું ઘર લેવું છે થોડો ટેકો કરો... અને મારુ સાચું પડ્યુંને બાપુજી પાસે પૈસા છે જ..!’

નયનને ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાંથી ખુશીઓ મળી હતી. બંડલો જોઇ લીધા તો તે પૂરા દોઢ લાખ હતા.. બન્નેના ચહેરા પર ખુશીની લહેર હતી. નયનને આજે ફરી તે ખિસ્સુ પોતાના સપનાને સાકાર કરતું જાદુઇ ચિરાગ જેવું જ લાગ્યું.

‘મારી પાસે પડેલા રોકડા દસ હજાર... બેંકના પડેલા વીસ હજાર અને આ દોઢ લાખ એટલે ઘરનું બુકિંગ પાકુ... અને પછી બીજી લોન લઇશું...’ નયન અને તેની પત્ની ખુશ હતા.

અને ત્યાંજ નયનના મોબાઇલમાં મેસેજ ટોન આવ્યો એટલે તેને મેસેજ ચેક કર્યો. તેના ચહેરાની રેખાઓ બદલાવા લાગી અને ફાટી આંખે જોઇ રહ્યો. નયને ઝડપથી પોતાનું પાકીટ ચેક કર્યુ અને જોયું તો તેનું એટીએમ કાર્ડ ગાયબ હતું એટલે તે ચિલ્લાયો, ‘મારા ખાતામાંથી કોઇકે વીસ હજાર ઉપાડી લીધા છે...!!’

અને ત્યાં જ તેની પત્ની ગભરાઇને બોલી, ‘ સવારે કાર્તિક તમારું પર્સ ફેંદતો હતો... તે કાલે રાતે મને કહેતો હતો કે વીસ હજાર આપો મારે ફ્રેન્ડ સાથે ગોવાની ટુર બુક કરવી છે.....!! મેં તો ના પાડી હતી....! તેને પહેલા ફોન કરો... તેને તમારા એટીએમના પાસવર્ડ પણ ખબર છે..!’

નયને ફોન કર્યો તો કાર્તિકે બેધડક કહ્યું, ‘હા, મારે જવુ હતુ એટલે મેં જ તમારા એટીએમથી પૈસા વિડ્રો કર્યા છે..’

નયન અને તેની પત્ની સાવ સૂનમૂન બનીને બેસી ગયા.અને ત્યાં જ બાપુજી રૂમમાં આવ્યા.

તેમના હાથમાં પૈસા હોવા છતાં સાવ નિરાશ ચહેરા જોઇને બોલ્યા, ‘ કેમ ઓછા પડ્યાં ?’

નયન થોડીવાર ચૂપ થઇને બેસી ગયો તે સમજી ગયો હતો કે પોતાના ખિસ્સામાંથી આમ અચાનક પૈસા ઓછા થાય તો કેટલા સપના ચકનાચૂર થાય છે. કાર્તિકે પોતાની ખુશી માટે આજે પપ્પાની બેંકનું  ખિસ્સું ખાલી જ કર્યુ હતુ ને...!

નયને થોડીવાર વિચાર કર્યો અને બાપુજીને સામે બેસાડી કહ્યું, ‘બાપુજી મારે તમને કંઇક પુછવું છે....!’

‘હા... બોલને..!’ બાપુજીએ સહજતાથી કહ્યું.

‘બાપુજી જ્યારે હું નાનો હતો ત્યારે તમે જે ખિસ્સામાં ભરીને લાવતા તે તમે પહેલા ખાઇને લાવતાં ?’ નયને બહુ જુની વાત યાદ કરીને કહ્યું.

‘એવું ક્યારેય હોતું હશે..? અમને તો એમ થતું કે તું તારી નાની નાની આંગળીઓથી અમને ખવડાવીશ... પણ તું એકલો ખાઇ જતો...!’ બાપુજીએ આજે વર્ષો પછી સ્પષ્ટતા કરી.

‘બાપુજી.. હું ક્યારેક તમારા ઝભ્ભાના ખિસ્સામાંથી તમને પુછ્યા વિના પૈસા લઇ લેતો તેનું તમને દુ:ખ થતું...?’ નયને ફરી બીજો પ્રશ્ન કર્યો.

બાપુજીએ તેની આંખોમાં જોયું અને કહ્યું. ‘હા.. થતું... પણ બાપ બનવું એટલે ખિસ્સું  ભારે અને મન હળવું રાખવું તે અમે જાણતા હતા. ક્યારેક અમારી જરુરિયાતની જમાપૂંજીને પણ તારા આનંદ માટે તને આપી દેતા... તને યાદ છે તેં એક્વાર દસ રુપિયા લઇ લીધેલા અને મેળામાં ખર્ચી નાખેલા... તે પૈસા તારી બાની દવા માટે ભેગા કરેલા હતા.. પણ તારી બાએ તારી ખુશીઓ માટે તે દવા વગર કેટલાય દિવસ દર્દ વેઢ્યું હતું.’

આ સાંભળી નયનની બન્ને આંખ વહેવા લાગી.. ડૂમો ભરાઇ ગયો હતો છતાં તે બોલ્યો, ‘ બાપુજી આ પૈસા તમે ક્યાંથી લાવ્યા..?’

જો કે બાપુજીએ હળવાશથી કહ્યું, ‘એ તો ગામનું આપણું ખેતર હવે ક્યાં કામનું છે. તેનો સોદો પાક્કો કરી દીધો છે..’

નયન સજળ નયને ઉભો થયો અને તે બંડલો ફરી બાપુજીના ઝભ્ભાના ખિસ્સામાં મુક્યા અને બોલ્યો, ‘બાપુજી, હવે સમજાયું કે પપ્પા બની ઝભ્ભાનું ખિસ્સું હર્યુભર્યુ રાખવા કેટકેટલી મહેનત અને પોતાની જરુરિયાતો સામે સમાધાન કરવું પડતું હોય છે. નાનો હતો ત્યારે એમ જ સમજતો કે આ જ અલાઉદ્દીનનો ચિરાગ છે તેમાં જે માંગુ તે મળે. પણ કાર્તિકે મને પૂછ્યા વગર પૈસા ઉપાડ્યા તો ખ્યાલ આવ્યો કે બાળકોની ખુશીઓ માટે પપ્પા તરીકે કેટલું બલિદાન આપવું પડે છે. બાળકો તો એટીએમને પોતાની મરજીનું કાર્ડ સમજી ભલે ઘસતાં રહે પણ તેની સામે પપ્પાની જિંદગી ઘસાઇ જતી હોય છે. જુનુ પુરાણું ઝભ્ભાનું ખિસ્સું હોય કે હાલનું એટીએમ કાર્ડ.... દિકરાની ખુશીઓ માટે તેને ભરેલું જ રાખવું પડે છે. પહેલા તો ઝભ્ભાના ખિસ્સાને કોઇ પાસવર્ડ પણ નહોતો એટલે હું માનતો કે આ તો મારી મરજી મુજબ ખુલી જાય... પણ હવે પાસવર્ડ રાખીએ તોયે તેને ખુલ્લું જ રાખવું પડે છે... બાપુજી મેં તમારા ખિસ્સાને બહુ ભાર આપ્યો છે... તમારી જમીનનો સોદો કેન્સલ કરાવી દેજો અને મારે હવે તમારા ખિસ્સાને વધુ ભાર નથી આપવો.’

નયનની વાત ચાલુ હતી ત્યારે કાર્તિક ઘરમાં પ્રવેશી ચૂક્યો હતો. તેને પપ્પાની વાત સાંભળી અને તેને પોતે ઉપાડેલા રુપિયા પપ્પાના હાથમાં મુકતા કહ્યું, ‘ પપ્પા તમે જ્યારે દાદાને પૈસાની જરુર છે તે વાત કરી ત્યારથી તેઓ ખૂબ ટેન્શનમાં હતા. તેઓને હું જ ગામડે લઇને ગયો હતો. તેઓ તેમની જમીન વેચતા રડી પડ્યાં હતા. મારે તમને કહેવું હતું કે તમે દાદાજીના ખિસ્સાને બહુ ભાર ન આપો... એટલે જ મેં તમારા પૈસા તમારી મરજી વિરુધ્ધ ઉપાડ્યાં... અને સાચું કહું તો તે દિવસે મને પણ સમજાઇ ગયું હતું કે પપ્પાના ખિસ્સામાં માત્ર દિકરાઓની જરુરિયાતો જ નહી,  તેમના ખુદના સપનાઓ પણ હોય છે.’

કાર્તિકની આવી ડાહી ડાહી વાત સાંભળી દાદાએ તેને ચૂમી લીધો.

*સ્ટેટસ*
*પપ્પાના ખિસ્સાની આત્મકથા એટલી જ હોય...!*
*બધુ જ જતુ કરીને એ તો છેલ્લે ખાલી જ હોય...!*

*લેખક*
*ડો. વિષ્ણુ એમ. પ્રજાપતિ, કડી*