એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે :
એક છોકરો એના પિતા સાથે ફરવા માટે નિકળ્યો હતો. પિતા ગાડી ચલાવતા હતા અને દિકરો બાજુમાં બેઠો હતો. પિતાને એમની આ i10 કાર ખુબ વહાલી હતી.એટલે ખુબ કાળજીપૂર્વક લગભગ 80ની સ્પીડથી ગાડી ચલાવી રહ્યા હતા.
થોડીવાર પછી એક હોન્ડાસીટી કાર આ ગાડીને ઓવરટેક કરીને આગળ નીકળી ગઇ. બાજુની સીટ પર બેઠેલા દિકરાએ પિતાને કહ્યુ," પપ્પા, જુઓ જુઓ, આ ગાડી આપણી આગળ નીકળી ગઇ. સતમે બહુ ધીમી ગાડી ચલાવો છો પપ્પા. હવે તમે પણ જરા લીવરનો ઉપયોગ કરો આપણે એ ગાડીને ઓવરટેક કરી લઇએ." પિતાએ હસતા હસતા કહ્યુ," બેટા એ શક્ય નથી કારણકે આપણી ગાડી કરતા એ ગાડીની કેપેસીટી વધુ સારી છે અને એટલે આપણે આપણી ગાડીનું લીવર ગમે તેટલુ દાબીએ તો પણ આપણે એ કારને ઓવરટેઇક ન કરી શકીએ.“
હજુ તો બાપ-દિકરા વચ્ચેની વાત ચાલુ જ હતી ત્યાં એક મર્સીડીસ કાર વાયુવેગે આવી અને સાઇડ કાપીને આગળ નીકળી ગઇ, છોકરાએ પિતાને કહ્યુ, "શું પપ્પા તમે પણ આમ ગાડી ચલાવાતા હશે! આ બીજી ગાડી પણ આપણી આગળ નીકળી ગઇ જરા લીવર દબાવો. પપ્પા સાચુ કહુ મને તો એવુ લાગે છે કે તમને ગાડી ચલાવતા આવડતું જ નથી."
પિતાએ થોડા ગુસ્સા સાથે કહ્યુ, " બેટા, મેં તને કહ્યુ તો ખરુ કે જે ગાડી આપણને ઓવરટેઇક કરીને આગળ જતી રહે છે એ બધી જ ગાડીની એન્જીનની ક્ષમતા આપણી ગાડીના એન્જીનની ક્ષમતા કરતા વધુ છે એટલે આપણી આગળ નીકળી જાય એ સ્વાભાવિક છે." પિતા દિકરાને આગળ કંઇ કહે એ પહેલા એક સ્પોર્ટસ કાર આવીને સડસડાટ જતી રહી. દિકરો હવે એમની સીટ પર ઉભો થઇ ગયો. એના પપ્પાને કહ્યુ, " પપ્પા, હવે તો સ્વીકારી લો કે તમને ગાડી ચલાવતા નથી આવડતી. એક પછી એક બધી કાર આપણી કારને ઓવરટેઇક કરીને આગળ નીકળી ગઇ."
પિતાથી ના રહેવાયુ એટલે એ છોકરા પર તાડુક્યા, " શું ક્યારનો મંડી જ પડ્યો છે. હું તને જે સમજાવાનો પ્રયાસ કરુ છુ એમાં તને સમજ નથી પડતી ? તને આપણી આગળ નીકળી ગઇ એ કાર જ દેખાય છે ? આપણા કરતા ઓછી કેપેસીટી વાળી ઘણીબધી ગાડીઓની સાઇડ કાપીને આપણે આગળ નીકળી ગયા. તને એ ગાડીઓ કેમ નથી દેખાતી ? એક વાત સમજી લે, જે ગાડીઓ આપણી આગળ નીકળી રહી છે એ ગાડીઓથી આગળ નીકળવા આપણી ગાડીનું લીવર ગમે તેટલું દાબીએ તો પણ આપણે એની આગળ ન જ થઇ શકીએ પણ ઉલટાની આપણી ગાડીને કંઇક નુકસાન થાય.“
છોકરાએ ધીમેથી પપ્પાને વહાલ કરતા કહ્યુ, " પપ્પા, આપ કેટલા સમજુ છો. પપ્પા એક ગાડીની સરખામણી બીજી ગાડી સાથે ન થઇ શકે એ આપ ખુબ સારી રીતે જાણો છો તો પછી મારી સરખામણી તમે બીજા અતિ હોશિયાર વિદ્યાર્થીઓ સાથે કરીને મને કેમ સતત ટોકટોક કર્યા કરો છો ? હું એની સાઇડ કાપવા જઇશ તો મને પણ નુકશાન ન થઇ શકે? અને મારી આગળ નીકળી ગયેલા બધા વિદ્યાર્થી તમને દેખાય છે પણ હું બીજા ઘણા કરતા આગળ છું એ તમને કેમ નથી દેખાતુ ? "
મિત્રો, ભગવાને દરેકના ઘરે જુદી-જુદી ક્ષમતાવાળા સંતાનો આપેલા છે. બીજા કોઇની સાથે આપણા સંતાનોની સરખામણી કરીને એની ક્ષમતા બહારની અપેક્ષાઓ રાખીશું તો ઉલટાનું આપણી સંતાનરૂપી ગાડીને પણ નુકસાન થશે.