તેલંગાણા રાજ્યના ખમ્મમ નામના જિલ્લામાં દરિપલ્લી રમૈયા નામનો એક માણસ રહે છે. ઓછુ ભણેલા અને ગામડામાં રહેતા આ સામાન્ય માણસને એક ચિંતા સતત કોરી ખાતી હતી. પર્યાવરણના વિનાશની આડઅસરોને કારણે જે તારાજી થઇ રહી છે તેનાથી દરીપલ્લી ચિંતીત હતા. પોતે તો જેમ તેમ કરીને પણ જીવન પસાર કરી દેશે પણ આવી જ રીતે જંગલો અને વૃક્ષોનો આડેધડ નાસ કરવામાં આવશે તો આવનારી ભાવી પેઢીનું શું ? આ વિચારથી દરિપલ્લી વ્યથિત હતા. પ્રદુષણની વધી રહેલી માત્રા એને પરેશાન કરતી હતી.
પોતે ગામડામાં રહેતા એક સામાન્ય માણસ હતા અને ઓછુ ભણેલા હતા એટલે રજુઆત પણ કોને કરે ? અને રજુઆત કરે તો સાંભળે પણ કોણ ? આખી દુનિયા પર્યાવરણ પ્રત્યેની બેદરકારીથી થતી ખાના-ખરાબી અનુભવી રહી છે તથા જોઇ પણ રહી છે અને છતાય કોઇના પેટનું પાણી પણ નથી હલતું તો પછી આ બિચારો ગામડીયો માણસ તો શું કરી શકે ?
દરિપલ્લીએ નક્કી કર્યુ કે મારે મારાથી થઇ શકે એટલી પર્યાવરણની રક્ષા કરવી છે. બીજા મને સાથ આપે કે ના આપે મારે પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનનું કામ કરવું જ છે. એમણે વિચારને માત્ર વિચાર જ ન રાખ્યો પણ વર્તનમાં મૂક્યો. દરિપલ્લીએ શરુઆત એના ગામથી જ કરી. ગામની બહાર ઉજ્જડ જગ્યાએ વૃક્ષો વાવવાના શરુ કર્યા. માત્ર વૃક્ષો વાવીને સંતોષ માની લેવાના બદલે એ વૃક્ષોને ઉછેરવાના પણ દિલથી પ્રયાસ કરે. થોડા સમયમાં તો એના ગામની આજુબાજુ ચાર કીમીના વિસ્તારમાં 3000થી વધુ વૃક્ષોથી હરીયાળી છવાઇ ગઇ. કેટલાક લોકોએ દરિપલ્લીના આ કામને જોઇને એને મદદ કરી પછી તો દરિપલ્લીએ એની સેવાઓના વર્તુળને બહુ મોટા પાયા પર વિસ્તાર્યુ.
રોજ વહેલી સવારે ઘરેથી સાયકલ લઇને નીકળી જાય. સાયકલ પર જાત-જાતના વૃક્ષોના રોપા હોય અને ખિસ્સામાં વિવિધ વૃક્ષોના બીજ હોય. જ્યાં પણ ઉજ્જડ જમીન જુવે ત્યાં વૃક્ષો વાવી દે અને જમીન ખોદીને એમાં બી રોપી દે. કેટલાક લોકોને થતું કે આ દરિપલ્લી આ ઉંમરે એકલા હાથે કેટલું કામ કરશે ? દરિપલ્લી રમૈયાએ આજે 1 કરોડથી પણ વધારે વૃક્ષો વાવી દીધા છે. વિશ્વાસ નથી આવતોને ? પણ આ વાસ્તવિકતા છે. કેટલાય સુકા વિસ્તારોને આ માણસે જંગલમાં પરિવર્તિત કરી દીધા છે અને રાજ્ય સરકારે આ જંગલોને સંરક્ષિત ક્ષેત્ર જાહેર કર્યુ છે.
દિવસે-દિવસે વધી રહેલા પ્રદુષણની વાતો સાંભળીને, જોઇને, વાંચીને કે અનુભવીને આપણે પણ દુ:ખી થઇએ છીએ પણ આપણું એ દુ:ખ માત્ર થોડીક્ષણો જ હોય છે પછી હવામાં ક્યાંક ઉડી જાય છે. આપણી ભાવી પેઢીનો આપણને કોઇ જ વિચાર આવતો નથી. આપણે બેઠા-બેઠા માત્ર બળાપાઓ કાઢવાનું કામ જ કરીએ છીએ જ્યારે દરિપલ્લી રમૈયાએ તેલંગાણાની સેંકડો એકરની વેરાન જમીનને જંગલમાં બદલી દીધી.
મિત્રો, ચોમાસુ આવી રહ્યુ છે. પર્યાવરણની સેવા કરવાની એક ઉત્તમ તક આપણા સૌની પાસે છે. કમસેકમ પરીવારમાં જેટલા સભ્યો હોય એટલા વૃક્ષ પણ આપણે ન વાવી શકીએ ? બીજુ વધુ કંઇ ન કરો તો પણ વાંધો નહી આપની પાસે વૃક્ષોના બી, ઢળીયા, ગોટલા જે કંઇ હોય એ જ્યારે બહાર જાવ ત્યારે સાથે રાખજો. રસ્તામાં તમારા વાહનને ઉભુ રાખીને એ બી, ઠળીયા કે ગોટલાને ખુલ્લી જગ્યામાં ફેંકી દેજો. એમાંથી પણ કેટલાક છોડ ઉગી નીકળશે અને કેટલાક છોડમાંથી વૃક્ષ પણ બનશે. સાવ સામાન્ય કામ છે પણ પર્યાવરણની અસામાન્ય સેવા થઇ જશે.