આ પપ્પા એટલે ?
પપ્પા એટલે ખાલી એક નામ ?
પપ્પા એટલે ખાલી એક દેખાવ ?
પપ્પા એટલે ખાલી એક પદ ?
પપ્પા એટલે ખાલી બાયોડેટા્માં જોડવું પડતું એક નામ ?
ના ….
પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતા પણ વધુ પ્રેકટિકલ પ્રેરણાદાઇ પુસ્તક...
આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણા માંથી ઘણા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને નથી વાંચી શકતા...
આ પપ્પા નામે પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવાદેવા નહી.. મા ને ઇશ્વર માની લેનાર સમાજ પપ્પાને પપ્પા જ સમજે કારણકે આ પપ્પાએ કોઇ દિવસ પોતાની જાતને એ કેટેગરી માંટે નોમીનેટ કરી જ નથી.
"ખબરદાર જો આમ કર્યુ છે તો... આવવા દે તારા પપ્પાને.. બધ્ધું જ કહી દઇશ" આવા વાક્યો દરેક મા એ કયારેક ને કયારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યાં જ હશે.. અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમીલી માંટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની ગયો હોય છે.. અને બાળક સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે.
ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યા સુધીમાં બાપ ખીલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે.
બાકી પપ્પાતો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત, ઉપવાસ કે અધરા શ્લોકના ગાન કરવા નથી પડતા... આપણી તકલીફમાં આપણા ખભાને ટેકો દેવા એ જીવતો દેવ હાજરાહજૂર જ હોય છે.
ડૉ.નિમિત્ત ઓઝાએ લખેલ એક સરસ વાત યાદ આવે છે કે ઘરની બહાર નીકળતા ખાડો આવે ને પડી જવાય તો "ઓ મા" બોલાય છે પણ અજાણ્યા જ રસ્તો ક્રોસ કરતા ટ્રક છેક પાસે આવી જાય ત્યારે તો મ્હોં માથી "ઓ બાપ" જ સરી પડે છે.. જે એ વાત ની સાબીતી છે કે નાની નાની તકલીફો માં મા યાદ આવે સાહેબ પણ જીવનની અધરી અને મોટી તકલીફોમાં તો બાપ જ યાદ આવે છે.
પપ્પા નામના પરમ મિત્રને ઓળખવાની કળા મોટા ભાગે યુવાનીમાં કેળવાતી જ નથી બાકી એ વાત ખરી કે આ ઉમ્મંરમાં પપ્પા ભણાવા કરતા ગણાવે છે વધુ.
કોઇ બાપ પાર્ટ ટાઇમ નોકરી કરતો હશે પણ પિતૃત્વતો ફુલ ટાઇમજ કરતો હશે.. કારણકે ખેતરમાં હળ ચલાવતો કે પછી ઓફિસમાં ઓવરટાઇમ કરતો બાપ આખરેતો દિકરા કે દિકરીને સઘળી સવલતો આપવા જ સજ્જ થતો હોય છે.
આપણી યુવાનીમાં કરેલી ભૂલોથી ટાયર્ડ થઇ જતો બાપ ચીડાઇને પિતૃત્વથી રીટાયર્ડ નથી થઇ જતો.. એને પળે પળ આપણને કશું એટલા માંટે શીખવાડવું છે કારણકે જીવનમાં જયા જંયા એણે પીછે હટ ભરી છે ત્યાં ત્યાં આપણે ન ભરી દઇએ.. બુધ્ધીનુ બજેટ ખોરવ્યા વિના આપણી બાહોશતા અકબંધ રહે તેવા પ્રયત્નો એ સતત કરતો રહે છે.. આ કારણોસર એ મોટાભાગે કડક વલણ અપનાવે અને એટલેજ એ છપ્પનની છાતીમાં રહેલું લીસ્સુ માખણ આપણને મોટાભાગે ઓળખાતુ નથી
આ પપ્પા એટલે ૯ વાગે ટીવી બંધ કરીને જબરજસ્તી ભણવા બેસવાનો ઓર્ડર નહી પણ ભણતરની કિંમત સમજાવતુ સુવાક્ય..
આ પપ્પા એટલે અકબર બાદશાહની વાતોમાં રહેલી પેલી બીરબલની શીખ ..જે જીવતા શીખવાડે..
આ પપ્પા એટલે રાત્રે જંયા સુધી ઘરે ન આવીયે ત્યાં સુધી સતત ચાલતો હિંચકાનો કિચુડ કિચુડ અવાજ ..
આ પપ્પા એટલે મમ્મી કરતા પણ વધૂ વ્હાલની ઉપર પહેરેલૂં કડકાઇનું મ્હોરુ
આ પપ્પા એટલે એકવાર ખાઇ લીધા પછી મમ્મીથી સંતાડીને બીજી વાર અપાતી ચોકલેટ
આ પપ્પા એટલે એવી પર્સનાલીટી જે ફેશન ન કરતી હોવા છતાય આપણા સ્ટાઇલ આઇકોન બની જાય
આ પપ્પા એટલે આપણને કદિયે પડી ન જવા દેતો સાઇકલની સીટની પાછળથી પકડેલો મજબુત હાથ...
આખરે પપ્પા ઍટલે પપ્પા… બસ આમ જુવો તો કશું જ નહી અને આમ જુવો તો બધ્ધુજ...
હજીયે સમય છે..જો પપ્પા નામનું લાગણીનું સરનામું જીંવત બનીને ઘરમાં પોતાની મીઠાશ ફેલાવતું હોય તો આ લેખ પુરો કરીને એને જઇને એક વાર કોઇજ કારણ વગર ભેટી જોજો....
એ પપ્પા નામના પુસ્તકમાં એવુ સરસ મઝાનું પાનુ જોડાશે જે જીવનભર વાંચવું ગમશે...
🌷🌷🇮🇳🇮🇳🌷🌷