એક ગામના કેટલાક લોકો એક બસ ભાડે કરીને ચારધામની યાત્રાએ નીકળ્યા.
એક પછી એક તિર્થસ્થાનોના દર્શન કરીને તિર્થયાત્રીઓ
આગળ વધી રહ્યા હતા. અચાનક રસ્તામાં મૂશળધાર વરસાદ શરુ થયો.
આગળ રસ્તો પણ દેખાતો બંધ થઇ ગયો. વિજળીના કડાકા અને ભડાકા બધાને ડરાવી રહ્યા હતા. બસને થોભાવી દેવામાં આવી.
અચાનક આકાશવાણી થઇ. કોઇ ગેબી અવાજ બધાને
સંભળાયો. “ તમારી સાથે રહેલા પાપીના કારણે કુદરત રુઠી છે અને જો એ પાપીને દુર કરવામાં નહી આવે તો કુદરત બધાનો ભોગ લેશે.”
આકાશવાણી સાંભળીને બધા એકબીજાની સામે જોવા લાગ્યા કે આપણામાંથી પાપી કોણ છે ?
તમામ મુસાફરોએ સાથે મળીને નિર્ણય કર્યો કે એક એક વ્યક્તિ બસમાંથી ઉતરીને દુર રહેલા ઝાડને અડીને પાછી આવે જે પાપી હશે તેના પર વિજળી પડશે એટલે બાકીના બચી જશે.
જે માણસ સૌથી પહેલા નીચે ઉતર્યો તે ડરતા ડરતા માંડ ઝાડ સુધી પહોંચ્યો. વિજળીના કડાકા- ભડાકથી એમ જ લાગતું હતુ કે હમણા જ વિજળી એના માથા પર પડશે.
એ ઝાડને અડીને ફટાફટ પાછો આવી ગયો અને બસમાં પરત આવતાની સાથે જ પોતે પાપી નથી એના આનંદમાં નાચવા લાગ્યો.
એક પછી એક વ્યક્તિને નીચે ઉતારવામાં આવે દરેક ઝાડને અડકીને પાછા આવે.
બધાનો વારો આવી ગયો હવે એક માત્ર છેલ્લી વ્યક્તિ વધેલી એટલે બધા જ એના પર તુટી પડ્યા. “ આ નાલાયક જ મહાપાપી છે આપણી સાથે આવો પાપી હતો અને આપણને કંઇ ખબર પણ ન પડી.
આપણે બધા જ આ પાપીને કારણે આ દુ:ખ ભોગવી રહ્યા હતા. ચાલો હવે ક્ષણનોય વિલંબ કર્યા વગર આ પાપીને બસમાંથી નીચે ઉતારો."
બધાએ ધક્કા મારીને એ માણસને નીચે ઉતાર્યો. એ તો બિચારો ડરતો ડરતો ઝાડ નીચે પહોંચ્યો.
જોરદાર કડાકા સાથે વિજળી પડી. ઝાડ પર નહી પેલી બસ પર. અને આ એક મુસાફર સિવાયના બાકીના બધા જ મરી ગયા.
મિત્રો, જીવનમાં આપણે જે સુખો ભોગવીએ છીએ એ માત્ર અને માત્ર આપણા જ પ્રયાસોથી છે એવું માનવાની ભુલ ન કરવી. શું ખબર આપણી સાથે રહેલી કોઇ વ્યક્તિના પુણ્યપ્રતાપે જ આપણે સરળતાથી જીવી રહ્યા હોઇએ ....😊