પાણિયારું...
હરિવદન ભાઈ એક છેલ્લી વાર પોતાના દાદા અમૃતરાયના સમયના ઘરને જોઈ રહ્યા. પંચોતેર વર્ષે હવે આ ઘરને છોડીને દીકરા સાથે મુંબઈ રહેવા જાવું પડે એમ જ હતું. "બેટા ,આ પાણિયારે તારા દાદાના વખતથી રોજ સાંજે દીવો થતો આવ્યો છે."
"બાપુજી ,તમારી વાત સાચી પણ ,હવે આ ઘર આપણે ચોકસી ભાઈને વેંચી દીધું છે,એ લોકો આખું ઘર રિનોવેટ કરાવવાના છે ,હવે આ પાણિયારાંની માયા રાખવી ખોટી .." દીકરાએ બને એટલા સંયત સ્વરે હરિવદન ભાઈને સમજાવ્યા.
મુંબઈના વસવાટ પછી આજે સાત વર્ષે , હરિવદન ભાઈ, કુટુંબના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા પોતાને ગામ આવ્યા હતા.
"આવી ગયા દાદા ..."સ્ટેશને ઉતરતાં જ જાણીતો રિક્ષાવાળો કિશન , હરિવદન ભાઈના હાથમાંથી બેગ લઇ લેતાં બોલ્યો.
"દાદા , ચોકસી ભાઈ તો , તમારું ઘર ખરીદ્યા પછી ત્રીજા વર્ષે જ અમેરિકા જતા રહ્યા.ઘર તો રમીઝને વેંચી દીધું .રમીઝની આપણા ગામમાં ત્રણ બેકરી છે. સારો એવો પૈસો કમાણો ત્યારે જ તો તમારું મહેલ જેવું ઘર ખરીદી શક્યોને ?, ચોકસી કાકાએ કર્યા હતા એનાથી તો કેટલાય વધારે સુધારા વધારા કરાવી નાખ્યા." કિશન સતત બોલ્યે જતો હતો. "મરજાદીનું ઘર આખરે એક મુસલમાનને ગયું."
અચાનક હરિવદન ભાઈને થયુંકે લગ્નમાં હાજરી આપવાનો અને આ ગામમાં વધુ રોકાવાનો હવે અર્થ નો'તો. પણ હવે બહુ મોડું થઇ ગયું હતું.
બીજા દિવસે પગ છૂટો કરવાને બહાને સાંજે , હરિવદન ભાઈ ઉતારાની બહાર નીકળ્યા.લાકડીના ટેકે ટેકે , પગ ક્યારે એમને એમના જુના ઘર સુધી લઇ ગયા હતા એનો એમને ખ્યાલ પણ ના રહ્યો. રંગરોગાન થઇ ગયેલા. મકાનની ઉપર, "અમૃત નિવાસ "ની તક્તીની જગ્યાએ "રમીઝ વિલા " ની તક્તી હતી .વાડા પાસેનો ઓટલો ગાયબ હતો , અને ઓટલાની જગ્યાએ રમીઝની કાર પાર્ક કરેલી હતી .એક ઉનો નિસાસો નંખાઈ ગયો એમનાથી.
વાડાના ખુલ્લા બારણામાંથી ડોકિયું કરવાની ઈચ્છા એ રોકી શક્યા નહિ . "અબ્બા કોનું કામ છે ?" પાછળથી આવેલો રમીઝનો ઘેરો સ્વર સાંભળીને થડકી જઈને એ લગભગ સંતુલન ગુમાવી ચુક્યા હતા. પણ રમીઝે એમને સમયસર ટેકો આપી દીધો હતો.
"બેટા , આ ઘરમાં હું પંચોતેર વર્ષ રહ્યો હતો. થોડુંક ઓઝપાઇને એ બોલ્યા હતા. રમીઝ આગ્રહ કરીને એમના ઘરની અંદર દોરી ગયો હતો . ઘરમાં બધું જ બદલાઈ ગયું હતું , પણ હરિવદન ભાઈના આશ્ચર્ય વચ્ચે , ખૂણામાંનું પાણિયારું યથાવત હતું , અને એની પર ઘી નો દીવો પ્રજ્વલિત હતો.
"મેં ચોકસી ભાઈ પાસેથી ઘર લીધું , ત્યારે એમણે મને કહેલુંકે એમની પહેલાના માલિક , પાણિયારે દીવો કરતા , એમનો પાણિયારું તોડાવતાં જીવ ચાલ્યો નહિ ,અને મારું દિલ પણ નહિ માન્યું." રમીઝ કહી રહ્યો હતો.
"દાદા , ચા પીશો ?", બાજુમાં ભટ્ટ ભાઈ રહે છે એને ત્યાંથી મંગાવી દઉં. રમીઝની બીવી થોડા ખચકાટ સાથે બોલી હતી.
"ના , બેટા ,આજે તો ગળા સુધી છલોછલ ભરાઈ ગયો છું , પાણી જ ચાલશે અને એ પણ તારા ઘરનું." રમીઝ અને એની બીવીના માથે પોતાનો ધ્રૂજતો હાથ પ્રેમથી મૂકતા હરિવદન ભાઈએ કહ્યું હતું .
ઉતારે મુકવા આવેલા રમીઝના નાના દીકરાના હાથમાં સો રૂપિયા મૂકતા , હરિવદન ભાઈએ કહ્યું હતું. "બેટા , તારા અબ્બા અને અમ્મી જેવો જ થાજે." ઈશ્વર અલ્લાહ તેરે નામ સબ કો સન્મતિ દે ભગવાન