તા.15મી જુન 1998ના રોજ રાજકોટમાં રહેતા જયેશભાઇ ઠક્કર અને હિનાબેન ઠક્કરને ત્યાં અધુરા મહિને એક બાળકનો જન્મ થયો. લગભગ સવા સાત મહિને અવતરેલો આ બાળક જન્મ સમયે રડી શક્યો નહિ આથી ઓક્સિજનના અભાવના કારણે છોકરો સેરેબલ પાલ્સીનો ભોગ બન્યો. આ બાળકના હાડકા વિકાસ પામે પણ માંસ પેશી ના બને આથી શારીરીક અસક્ષમતનો ભોગ બન્યો. કોઇપણ પરીવાર આવી પરિસ્થિતીમાં પડી ભાંગે એ સ્વાભાવિક છે પણ જયેશભાઇ અને હિનાબેને ‘ભગવાની જેવી ઇચ્છા’ એમ માનીને દિકરા જીગરને જેવો હતો એવા સ્વરુપે સ્વિકાર્યો.
જીગરને એ 10 મહિનાનો હતો ત્યારથી નિયમિત રીતે કસરત માટે લઇ જવામાં આવતો. દોશી હોસ્પીટલમાં ફીઝીયોથેરાપીસ્ટ તરીકે સેવા આપતા ડો.હર્ષલ પુરોહિતે ઠક્કર દંપતિને જીગરના સર્વાંગી વિકાસ માટે કેટલીક ટીપ્સ આપી. આ દંપતિએ લાડલા જીગર માટે એક સંકલ્પ લીધો કે હવે આપણે બીજા સંતાનને આ દુનિયામાં નથી લાવવું. જો બીજુ સંતાન આવશે તો સંપતિ અને પ્રેમ બંનેમાં જીગર પાસેથી ભાગ પડાવશે. આ ઉપરાંત બીજુ સંતાન નોર્મલ હોય તો શક્ય છે કે જીગર એને જોઇને લઘુતાગ્રંથી અનુભવે. જયેશભાઇ અને હિનાબેને એમનું સંપૂર્ણ ધ્યાન જીગરના ઉજ્જવળ ભવિષ્ય પર કેન્દ્રીત કર્યુ.
જીગરના શરીરમાં 80% માંસપેશીઓ નહોતી આથી એમણે કાયમ માટે ફીઝીયોથેરાપી કરવાની હતી. ડો.પુરોહિતે એક સુચન કર્યુ કે જીગરને જેમા સવિશેષ રસ પડે એવી કોઇ રમતગમત પસંદ કરો જેથી એની કસરત પણ થઇ જાય અને એ પોતાની કસરતથી કંટાળો અભુભવવાને બદલે એનો આનંદ લઇ શકે. જીગરને સ્વીમીંગમાં વધુ રસ પડ્યો. જીગરને સારો સ્વીમર બનાવવા માટે એના મમ્મી-પપ્પાએ પોતાની જાત હોમી દીધી. સૌથી પહેલુ અને અગત્યનું કામ તો એ કર્યુ કે જીગરને આત્મવિશ્વાસ અપાવ્યો. નકારાત્મકતાને જીગરની આસપાસ આવવા જ ના દીધી. કેટલાક વાલીઓ એમના દિવ્યાંગ બાળકોને બહાર લઇ જવામાં ક્ષોભ અનુભવતા હોય છે આથી બાળકોને કોઇ પ્રસંગો લઇ જવાને બદલે ઘરમાં જ રાખે. જયેશભાઇ જીગરને બધા જ સામાજીક પ્રસંગોમાં લઇ જાય, પોતાની બીઝનેશ મીટીંગમાં પણ લઇ જાય જેથી જીગર દુનિયાને જોઇ શકે અને સમજી શકે.
જીગરના મમ્મીએ જીગરના ઘડતર માટે પોતાની જાતને ઓગાળી દીધી. સવારથી સાંજ સુધીનો પોતાનો બધો જ સમય હિનાબેન દિકરા જીગરને આપતા. માતા-પિતાની હૂંફ અને પ્રોત્સાહનને લીધે ધીમે ધીમે જીગર સ્વીમીંગમાં નિપૂણતા મેળવવા લાગ્યો. 2013માં જીગરે પ્રથમ વખત દિવ્યાંગ માટેની રાષ્ટ્રીય કક્ષાની તરણ સ્પર્ધામાં ભાગ લીધો અને એક સીલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો. જીગરની આજુ બાજુ નકારાત્મક્ વિચારને ફરકવા પણ દેવામાં નહોતા આવતા આથી આ છોકરાએ સંકલ્પ કર્યો કે હવે મારે નેશનલમાં ગોલ્ડમેડલ લેવો છે. પછીના વર્ષની નેશનલ સ્પર્ધામાં એણે ગોલ્ડમેડલ જીતીને મમ્મી-પપ્પાને ભેટમાં આપ્યો. જીગર કહે છે કે મેં ગોલ્ડમેડલ જીત્યા પછી મારો આત્મવિશ્વાસ એવો બુલંદ બન્યો કે મે નક્કી કર્યુ “મારે હવે ગોલ્ડમેડલ સિવાયનો કોઇ મેડલ ખપે જ નહિ” ત્યારથી આજ સુધીમાં જીગર નેશનલ કક્ષાની સ્પર્ધામાં 13 ગોલ્ડમેડલ જીતી ચુક્યો છે. પેરાઓલમ્પિક કમીટી ઓફ ઇન્ડીયા દ્વારા 2017ના વર્ષની ‘બેસ્ટ સ્વીમર ચેમ્પિયન ટ્રોફી’ જીગરને આપવામાં આવી છે.
સમગ્ર વિશ્વના દિવ્યાંગ સ્વિમરોએ જુદી જુદી સ્પર્ધાઓમાં કરેલા દેખાવના આધારે એને રેન્ક આપવામાં આવે છે. જીગર ઠક્કર અત્યારે સમગ્ર દુનિયામાં 12માં સ્થાન પર અને સમગ્ર એશીયામાં પ્રથમ સ્થાન પર છે. 2018ની એશીયન ગેમમાં અને 2020ની પેરા ઓલમ્પિકમાં ગોલ્ડમેડલ મેળવવાનું જીગરનું ધ્યેય છે. આ ગુજરાતી છોકરો કહે છે કે આજદીન સુધી પેરાઓલમ્પિકમાં ભારતને ગોલ્ડમેડલ નથી મળ્યો. 2020માં મારે મારા દેશને ગોલ્ડમેડલ ગીફ્ટમાં આપવો છે.
ભગવાને આપણને તમામ પ્રકારની શારીરીક સ્વસ્થતા આપી છે અને આમ છતા થોડુ કામ કરીને આપણે સંતોષ માની લઇએ છીએ જ્યારે જીગર રોજની આઠ કલાકની પેકટીશ કરે છે. સવારે 4 વાગે જાગે ત્યારથી રાત્રે 9 વાગે સુવે ત્યાં સુધી જીગર સ્વીમીંગ, જીમ, યોગા અને ભણવામાં સતત કાર્યરત રહે છે. રાજકોટની ધોળકીયા સ્કૂલમાંથી 79% ટકા સાથે ધોં 10 અને આ જ શાળામાંથી 69% ટકા સાથે ધો.12 પાસ કર્યા બાદ જીગર અત્યારે હરીવંદના કોલેજમાં બીબીએનો અભ્યાસ કરી રહ્યો છે. ભગવાને આપેલા પડકારને જયેશભાઇ અને હિનાબેને આશીર્વાદ માનીને સ્વીકાર્યો અને જીગરની ખામીઓ જોવાને બદલે ખૂબીઓ જોઇને પ્રોત્સાહિત કર્યો તો આજે જીગર ન કેવળ એના માતા-પિતાનું પણ સમગ્ર ભારતનું ગૌરવ બની ગયો છે.
ગઇકાલે માનનીય વડાપ્રધાને પણ ‘મનકી બાત’ કાર્યક્રમમાં જીગરની સિધ્ધિનો ઉલ્લેખ કર્યો.ગુજરાતના આ ગૌરવ જીગર ઠક્કરને ખૂબ ખૂબ અભિનંદન અને એના માતા-પિતાને જીગરનું આવુ ઘડતર કરવા બદલ વંદન.