તમને શું લાગે છે ?

તમને શું લાગે છે ?
સવાલ એક પણ જવાબ....

એક પત્રકાર માઈક લઈને દોડ્યો
ખભા પર કેમેરા મૂકીને તેની
પાછળ કેમેરામેન પણ ભાગ્યો...

પત્રકારે એક વૃદ્ધ કાકાને
પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
કાકા કહે,
"ભઈલા, શિયાળો શરુ થયો
ત્યારથી રોજ રાતે
સાત-આઠ વાર બાથરૂમ લાગે છે..."

પછી પત્રકારે એક
માપસરનાં દેખાવડાં બહેનને
પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
મોહક હસીને બહેને કહ્યું,
"મશરુમથી ગોરાં થવાય
એ વાતમાં કશો દમ ના
હોય તેવું મને લાગે છે...."

પત્રકાર એક શેરીમાં ગયો.
મંદિરના ઓટલા પર
બેસીને માળા કરતાં
માજીને તેણે પૂછ્યું
"તમને શું લાગે છે ?"
માજીએ કહ્યું, "બેટા,
મને લેવા આવતા શિયાળે
વૈકુંઠથી વિમાન આવશે
તેવું લાગે છે...."

એક નાનકડા છોકરાને
પત્રકારે પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
છોકરાએ કહ્યું, "શિયાળામાં
રોજ સવારે સ્કૂલ વાનમાં
જતાં પવન બહુ લાગે છે..."

પત્રકારે એક માળીને પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
માળીએ કહ્યું, "આ વર્ષે
ગુલાબના છોડ પર વહેલાં
ફૂલ બેસશે એવું મને લાગે છે."

પત્રકારે એક યુવતિને પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
શરમાઈને યુવતિ બોલી,
"પ્રેમની ઋતુ જલ્દી
આવશે તેવું મને લાગે છે."

બાઈક પર બેસી મોબાઈલ ફોનમાં
રમમાણ થયેલા યુવકને પત્રકારે પૂછ્યું,
"તમને શું લાગે છે ?"
યુવકે કહે, "આવતા વર્ષે
5જી આવી જશે તેવું
મને લાગે છે...."

પત્રકારે એક બૌદ્ધિકને
પૂછ્યું કે "તમને શું લાગે છે ?"
બૌદ્ધિકે ચશ્માં નાક પરથી
આંખ પર લઈને, હોઠને
બરાબર ગોઠવીને કહ્યું
લાગવા પાછળ લાગણી હોય
છે અને લાગણીને માપી
શકાતી નથી, લાગણી
માપવાનો નહીં, પણ
પામવાનો વિષય છે માટે
મને તો એમ લાગે છે કે
લોકોને જે જે લાગે છે
એ ખરેખર લાગતું હોતું
નથી...
પત્રકાર ત્યાંથી નાઠો.

એ પછી પત્રકારે એક રાજકારણીને
પૂછ્યું કે તમને શું લાગે છે ?
એક આંખ મીંચકારી, ખંધુ
હસતાં રાજકારણી બોલ્યા,
"પ્રજા હારશે..."

પત્રકાર દોડતો દોડતો એક
મંદિરમાં ગયો.
તેણે ભગવાનને પૂછ્યું કે
તમને શું લાગે છે ?
ભગવાને કહ્યું કે
"જ્યાં સુધી
સીઝનલ નેતાઓ મને પગે લાગવા
આવતા રહેશે ત્યાં સુધી
લોકશાહીનું મંદિર
પ્રાણપ્રતિષ્ઠા
વિનાનું જ રહેશે..."

મંદિરની બહાર નીકળી પત્રકારે
રસ્તે જતા એક શ્રમિકને પૂછ્યું,
કે તમને શું લાગે છે ?
"શ્રમિકે પેટ બતાવી કહ્યું
સાહેબ, ભૂખ બહુ લાગે છે..."

આલેખન... રમેશ તન્ના