*ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..*
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધીએ..
હું દોરો હોઉં અને તું પતંગ બની ઉડીએ.. ચાલ એક સંબંધ...
ના તૂટીએ, ના ફાટીએ તેની કાળજી રાખીએ..
સરરર
બધાથી અળગું બધાથી આગવું ચગી બતાવીએ.. ચાલ એક સંબંધ...
ક્યારેક ઢીલમાં બહું દૂર-દૂર નીકળી જઈએ..
તો
ક્યારેક ખેંચતાણમાં સાવ નમી પડીએ.. ચાલ એક સંબંધ...
ના કોઈની કાપાકાપી, ના કોઈની દેખાદેખી કરીએ..
બસ
આભની અનંત દુનિયા આંબવાને ઉડીએ.. ચાલ એક સંબંધ...
થોડું ચગવાનું,
થોડું ડગવાનું,
થોડું લથડવાનું,
ગોથા પણ ખાઈ જવાનું..
આપણે કા કપાવાનું, કા જમીન પર ઉતરવાનું.. અંતે તો..
છુટા જ પડવાનું..
આ બધું વિચારી થોડું કાઈ હિંમત હારવાનું?
આપણે તો એકમેક સંગાથે આગળ વધવાનું.. ચાલ એક સંબંધ..
પેચબાજોથી બચવા બચાવવા સામસામી ઢાલ બનીએ..
બરાબર
હોય એકબીજા પર પૂર્ણ નિર્ભર છતાં અદ્ધરતાલ રહીએ.. ચાલ એક સંબંધ...
ગુંચવણો સઘળી ઉકેલીએ..
ને
જૂના સંબંધો લપેટીએ..
ચાલ એક સંબંધ પતંગ-દોરા જેવો બાંધી લઈએ... ચાલ એક સંબંધ...