વૃધ્ધાવસ્થાના મિત્રો
અમદાવાદમાં નોકરી દરમ્યાન એલિસબ્રિજ પોલીસ લાઇનમાં રહેતો તે વખતે રોજનો નિત્યક્રમ છ-સાડા છ વાગ્યે જાગી અથવા નાઇટ રાઉન્ડ પુર્ણ કરી કાયમ ચા-પાણી નાસ્તો કરવા લો-ગાર્ડન, એન.સી.સી. સર્કલની બાજુમાં આવેલ કિશનની ચાની કીટલીએ જતો !
જ્યાં કાયમ સવાર-સવારમા લો-ગાર્ડનમા વોકિંગ કે કસરત કરવા આવેલા માણસો એકલ-દોકલમા ચા પીતા જોવા મળતા જેમા એક 75 વર્ષ વટાવી ચુકેલા એક દાદા સાથે રોજની મુલાકાત પછી ઔપચારિક વાતચીત બાદ એકબીજાની હાજરી ગેરહાજરી ખબર અંતર પુછવા અને એકબીજાને પરાણે ચા પીવરાવવાની તાણ કરી શકીએ એટલા સબંધ બંધાણેલા ! મેં એ વડીલને ક્યારેય નામ કે એડ્રેસ નહોતુ પુછ્યું કેમકે જરૂર જ ના પડી, અને વડીલ પણ મને ભાઇ કે મિત્ર કહી સંબોધતા !
થોડા સમય બાદ મારાથી ન રહી શકાયુ એટલે એક દિવસ વાત વાતમાં મેં કહ્યુ વડીલ તમે રોજ મારી અગાઉ વહેલી સવારના 5 વાગ્યે જાગીને ન્હાઇને તૈયાર થઈને ચા પીવા આવી જાઓ છો એ આદત બહુ સારી છે !
દાદાએ મારી સામે એકીટશે જોઈ રહ્યા પછી થોડુ આમ મોં મચકોડાયુ હોય એ રીતે ખંધુ હસ્યા ! પછી મને કહે ભાઇ આ ઉમરે હવે નિંદર નો આવે અમને, પડખા ઘસીને રાત કાઢવી પડે એટલે વહેલા અહિંયા આવીને બેસી જાવ છું !
મેં કહ્યુ તો જાગીને ભગવાનનું નામ લેવાય ને અહિંયા બેસવા કરતા !
તો કહે :ભાઇ અમે વહેલા જાગીએ અને ન્હાવા ધોવા જઇએ તો થોડો ઘણો અવાજ થાય એટલે અમારી *પુત્રવધુ* (આ પુત્રવધૂ બહુ જ ભાર દઈને બોલેલા) ને ડિસ્ટર્બ થાય જે અમારા પનોતા પુત્રને પોસાય એમ નથી ! અને સવારના 5 વાગ્યાની પહેલી ઘરની ચાનો સ્વાદ તો મારા ધર્મપત્ની 8 વર્ષ પહેલા ગુજરી ગયેલા ત્યારે ચાખેલો.
એ પછી તો જય ભગવાન.
મેં કહ્યુ તો તો એમની તમને બહુ કમી પડતી હશે. !
વડીલ મને કહે તમે ઉમરમાં તો મારાથી ઘણા નાના છો પણ એક સાવ નક્કર સત્ય કહું તો પત્નીના સાથની જરૂર 40 વર્ષ પછી હરેક પળ રહે છે.
મેં પૂછ્યું સાંજના સમયે તો સરખી ઉપરના મિત્રો સાથે જ પસાર થઈ જતો હશે ને ?
મારા આ સવાલ ઉપર તે વડીલ ખુબજ ભાવુક થઈ ગયેલા અને આંખમાં આંસુ સાથે કહેલું કે, હું એક ઉચ્ચ પગારદાર અધિકારી હતો ! મેં મારી નોકરી ખુબ જ નિષ્ઠાપુર્વક પુર્ણ કરેલી પરંતુ મારો સ્વભાવ ખુબજ કડક હતો અને કોઈ કામ બદલ કોઈ મારા જુનિયર કર્મચારીની ભુલ થતી તો હું ખુબ જ સખ્તાઈથી તેમની તરફ વર્તતો અને સજા કરાવતો ! જેના કારણે મારી સાથે દરેક માણસ સારી રીતે વર્તન કરતા જે સારી રીતનુ વર્તન મારા હોદ્દાના કારણે એમને રાખવુ જરૂરી હતુ એટલા માટે ઔપચારિક રીતે જ રાખતા ! જેની જાણ મને મારા નોકરીના છેલ્લા દિવસે ગોઠવેલ વિદાય સમારંભમા માત્ર સાત-આઠ જણાની હાજરી જોઈને થયેલ !.
મારા હોદ્દાના કારણે મારી આજુ-બાજુના પાડોશીઓ સાથે પણ મેં આવુ જ વર્તન કરેલુ અને જ્યારે હોદ્દાવાળી નોકરી હતી ત્યારે માણસો મને સોસાયટીની બાજુના બગીચામા બેસવા આવકારતા ત્યારે હું બહુ જ તોછડાઇથી એમને કહેતો કે હું તમારી જેવો નવરો નથી અને હું એક સ્ટેટસવાળા હોદ્દા ઉપર ફરજ બજાવુ છુ તમારી જેવા સ્ટેટસ વગરના માણસો સાથે બેસવાની વાત તો દુર ઉભો પણ ના રહુ ! અને બીજીવાર મને આવી રીતે આમંત્રણ આપવાની ભુલ પણ ના કરતા ! આવા તલવારની ધારના જાટકા જેવા મારા શબ્દો મને પ્રેમથી આવકારતા માણસોના ઉભા કટકા કરી નાખતા પરંતુ મારા હોદ્દાના કારણે કોઈ કાંઇ બોલી શકતુ નહી !
જ્યારે હું નોકરી કરતો હતો ત્યારે મારો પડ્યો બોલ જીલતા, સાહેબ સાહેબ કરતા મારાથી ડરતા ! મારા કોઈ કામ અટકતા નહી અને રીટાયર્ડમેન્ટ પછી મારા પત્નીના અવસાન બાદ હું સાવ એકલો પડી ગયેલો ત્યારે મને મારી ઓફિસના કોઈ સહ કર્મચારી કે કોઈ અન્ય મળી જતા અને હું સામેથી બોલાવતો ત્યારે તે લોકો મને નજર અંદાજ કરતા કાં પછી મને સાંભળ્યો જ ન હોય એમ સામે પણ ન જુએ ! ત્યારબાદ હું પેલા સોસાયટીની બાજુવાળા બાકડે જઈને બેસવા લાગ્યો પરંતુ મને જોઈને લોકો ઉભા થઈને ચાલવા લાગતા, હું બેસવાનું કહુ તો કોઈને કોઈ બહાનુ બનાવી ચાલતા થઈ જતા, છેલ્લે હું ને બાકડો બે જ વધતા ! અરે ક્યારેક મારે વાત કરવી હોય તો સામે કોઈ ના હોય! ક્યારેક કોઈ અજાણ્યો દારૂડિયો મારી સાથે બફાટ કરે તો તે પણ સ્વજન જેવો લાગવા લાગતો હું રઘવાયો જેવો થઈ જતો જેની મને ધીરે ધીરે આદત પડતી ગઈ અને મને મારા પૂર્વના કર્મો યાદ આવતા ગયા અને હું મારા મનને મારતો ગયો અને વારતો ગયો ! 😢
એમની સાથે હું પણ લાગણીવશ બની ગયેલો અને પૂછ્યું કે તમારે સારો પગાર હતો, સારુ પેન્શન આવે છે સારી મિલ્કત છે! તો બીજુ ખૂટે છે શું?
વડીલ મને કહે :મેં પૈસા બનાવ્યા, મિલ્કત બનાવી નામ બનાવ્યુ અને મારા હોદ્દાના અભિમાનમાં મારાથી ઘડપણમાં તોડી ન શકાય એવુ એકલતાનુ જાળુ યુવાનીમાં બનાવ્યુ પણ ઘડપણમાં કામ લાગે અને બાકડે બેસીને મારી વાટ જુએ અને મારી એકલતાને દુર કરે એવા "મિત્રો" ના બનાવ્યા, સાચા સ્વજનો હું ના બનાવી શક્યો !
હવે જેટલા વર્ષ મેં કાઢ્યા એટલા મારે નથી કાઢવાના એ તો ખાત્રી છે જ કેમકે શરીર સાથ નથી આપતુ!
સાહેબ ..તમે પૈસો-મિલ્કત ભલે બનાવો પણ ઘડપણમાં સાથ આપી એકલતાનો દુર કરે એવા મિત્રો જરૂર બનાવજો !
*🌹નમસ્કાર 🌹*