જીવન એવી ઘણી ઘટનાઓ ..


એકવખત એક ગુરુ અને એક શિષ્ય એક ગામથી બીજે ગામ ચાલતા ચાલતા જઇ રહ્યા હતા. બંને સન્યાસી હતા અને સંસારનો ત્યાગ કરીને સાધુ થઇ ફરતા હતા. રસ્તામાં એક નદી આવી. નદી ઓળંગવા માટે હોડીની જરુર પડે પણ તે દિવસે એક પણ હોડી વાળો માણસ નદી કાંઠે નહોતો.ગુરુ સારા તરવૈયા હતા પણ શિષ્યને તરતા નહોતું આવડતું. એટલે ગુરુ એ એમના શિષ્યને શરીર પર બેસાડયો અને તરતા- તરતા સામા કાંઠે પહોંચી ગયા.

સામા કાંઠે એક અત્યંત સૌંદર્યવાન યુવતી ઉભી હતી. એણે સન્યાસીને તરીને આવતા જોયા. યુવતિએ સંતને વિનંતિ કરી કે મારે સમયસર ઘેર પહોંચવું પડે તેમ છે. અત્યારે એક પણ હોડી નથી મને આપની જેમ તરતા નથી. આપ જે રીતે આ સાધુને આ કાંઠે લાવ્યા એમ મને સામાકાંઠે મુકી જાવને. હું આપની જીવનભરની આભારી રહીશ. ગુરુએ એ યુવતિને પોતાની સાથે લીધી. નદી તરીને એને સામા કાંઠે પહોંચાડી. પરત આવ્યા પછી ગુરુ શિષ્ય બંને ચાલવા લાગ્યા. બીજે ગામ પહોંચી ગયા ત્યાં રાતવાસો કરીને આગળ નીકળી ગયા.

ગુરુએ અનુભવ્યુ કે કેટલાક દિવસથી આ શિષ્ય બહું વ્યાકુળ હોય એવું લાગે છે એટલે એણે શિષ્યને પુછ્યુ કે 'બેટા કંઇ તકલીફ છે ? હું જોઉ છુ કે કેટલાક દિવસથી કામમાં કે ધ્યાનમાં તુ એકાગ્ર નથી થઇ શકતો !' શિષ્યએ કહ્યુ, 'ગુરુજી મને માફ કરજો પણ તે દિવસે તમે પેલી યુવતીને ઉપાડીને તમારા શરિર પર બેસાડીને નદીના સામાકાંઠે લઇ ગયા હતા એક સન્યાસી તરિકે આપણને આ શોભે ? આપણે આવું કરાય ?'

ગુરુ ખડખડાટ હસ્યા અને કહ્યુ ," અરે, ગાંડા મેં તો તે યુવતિને તે જ દિવસે સામે કાંઠે ઉતારી દિધી હતી અને તું હજુ આટલા દિવસ પછી પણ તારી સાથે લઇને ચાલે છે!"

જીવનની એવી ઘણી ઘટનાઓ હશે જેને આ મુર્ખ શિષ્યની જેમ આપણે સાથે લઇને ફરિએ છીએ અને દુ:ખી થઇએ છીએ. ઘણીવખત તો એ ઘટના મુળ પાત્રો પણ ઘટનાને ભુલીને આનંદથી રહેતા હોય છે અને આપણે એ ઘટનાને વાગોળીને દુ:ખી થતા હોઇએ છીએ.