દીર્ઘ વિદ્યાભ્યાસ અને ઊંડી અધ્યાત્મસાધના પછી ગુરુ પાસેથી શિષ્યે વિદાય માગી. ગુરુએ એને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તારી વિદ્યા અને સાધનાનો નિસ્વાર્થભાવે ઉપયોગ કરીને જીવનને સફળ બનાવજે.
વિદાય લેતી વખતે ભાવનાવિભોર શિષ્યનું ગળું રૃંધાઈ ગયું. એણે કહ્યું, ''ગુરુદેવ, મારે આપને ગુરુદક્ષિણા આપવી છે. કઈ વસ્તુ હું આપને ચરણે ધરું ?''
ગુરુએ કહ્યું, ''વત્સ, જગતમાં જે સૌથી વધુ વ્યર્થ અને તુચ્છ હોય, તે મને દક્ષિણારૃપે આપ.''
શિષ્ય વિચારમાં પડયો. આવી તે કંઈ ગુરુદક્ષિણા આપી શકાય ? પરંતુ ગુરુની આજ્ઞા શિરોધાર્ય છે એમ માનીને એ સૌથી વ્યર્થ વસ્તુની શોધમાં નીકળ્યો. એણે વિચાર્યું કે આ ધરતીની માટી કશાય કામની નથી. એ ઊડે તો વસ્ત્રો મલીન થાય, કોઈ આંધીમાં ઊડે તો આખું આકાશ ધૂળિયું બને. લોકો પણ એના પર પગ મૂકીને ચાલતા હોય છે. આવી નકામી, ઠેબે આવતી માટીથી બીજી કઈ વસ્તુ તુચ્છ હોઈ શકે ?
શિષ્ય માટી લેવા માટે નીચે વળ્યો, ત્યારે માટી બોલી, ''અરે, તું મને તુચ્છ સમજે છે ? તને ખ્યાલ છે કે આ જગતની સર્વ સમૃદ્ધિ મારામાંથી પ્રગટ થાય છે. મારા વિના વૃક્ષ તો સું, નાનો છોડ પણ ન ઊગે ! તને ખ્યાલ હશે કે પ્રકૃતિ વિના માનવીનું અસ્તિત્વ ટકે તેમ નથી. મારા વિના મોટી-મોટી ઇમારતો ન રચી શકાય. આ જગતમાં જે કંઈ રૃપ, રસ અને સુગંધ છે, એ બધું મારે કારણે છે. સમજ્યો !'
શિષ્યને પોતાની ક્ષતિ સમજાઈ. એ આગળ વધ્યો. એના પગે પથ્થર અથડાયો. તત્કાળ ચિત્તમાં વિચાર સ્ફૂર્યો કે આ પથ્થરનો કશો ઉપોયગ નથી. એ ધરતી પર એમને એમ પડયો રહે છે અને માણસના પગમાં નકામો, આડો આવીને અથડાય છે. લાવ, આ તદ્દન નકામા, બિનજરૃરી અને તુચ્છ એવા પથ્થરને લઈ જાઉં.
શિષ્ય પથ્થર લેવા માટે જરા નીચો નમ્યો, ત્યારે પથ્થરમાંથી અવાજ આવ્યો, ''ઓહ, તમે આટલા સમર્થ જ્ઞાની થઈને મને સાવ નકામો માનો છો ? જરા કહેશો ખરા કે તમારાં મંદિરોમાં પ્રભુની પ્રતિમા શેમાંથી બનેલી હોય છે ? તમારી ઊંચી ઊંચી ઈમારતો અને નિવાસનાં સ્થાનો પથ્થર વિના બને ખરાં ! અરે, જ્યાં તમે વિદ્યાભ્યાસ કર્યો એ આશ્રમની દિવાલો શેની બનેલી છે ? અને તમે મને તુચ્છ માનો છો !''
શિષ્યને આ વાત સાચી લાગી. પથ્થર લેવા લંબાવેલો હાથ અટકી ગયો, પણ સાથોસાથ એના મનમાં વિચારોનો વંટોળ જાગ્યો. જો માટી અને પથ્થર પણ આટલા બધા ઉપયોગી છે, તો જગતમાં બીજી કઈ ચીજ વ્યર્થ અને તુચ્છ હોય ? હકીકતે તો આ સૃષ્ટિનો પ્રત્યેક પદાર્થ પોતપોતાની રીતે ઉપયોગી છે, તો પછી તુચ્છ શું ? ખરેખર તો વ્યર્થ અને તુચ્છ એ છે કે જે બીજાને વ્યર્થ અને તુચ્છ માને છે !
બાહ્ય જગતને જોતાં શિષ્યને પોતાના ભીતરમાં નજર ફેરવી અને જોયું તો ખ્યાલ આવ્યો કે મારી અંદર રહેલું અહંકારનું તત્ત્વ જ એવું છે કે જેનો કોઈ ઉપયોગ નથી. એ તુચ્છ છે અને વ્યર્થ પણ છે.
શિષ્ય પાછો ફર્યો અને ગુરુના ચરણમાં પડીને કહ્યું, ''આપને ગુરુદક્ષિણા રૃપે હું વ્યર્થ અને તુચ્છ એવો મારો અહંકાર સમર્પિત કરું છું.''