દીકરીને વળાવીએ ત્યારે અનાયાસે સૌ કહે છે કે 'ચાલો એક જવાબદારીમાંથી મુક્ત થયાં'. વળી વિદાય વેળાએ દીકરીનાં સાસરા પક્ષ તરફથી કહેવાય છે 'ચિંતા ના કરશો તમારી દીકરી હવે અમારી જવાબદારી'. વર્ષોથી કહેવાતુ આવ્યુ છે એટલે આપણે લાંબુ વિચાર્યા વગર દોહરાવ્યા કરીએ છીએ. હકીકત સાવ નોખી છે.
દીકરી વિદાય થતાં જ પિયરમાં કંઇ કેટલીય વસ્તુ મળતી નથી...કંઇ કેટલાય કામો વિલંબાય છે...કંઇ કેટલાય કામો પર પૂર્ણવિરામ મૂકાય છે...
દાદી-નાનીની ટી.વી સિરિયલો ખોરવાય છે...
ભજન મૂકી આપનારની ગેરહાજરી વહેલી સવારથી વર્તાય છે...
મમ્મીને મિક્ષ એન્ડ મેચ કરવામાં ફાંફા પડે છે..પપ્પાની તો અનેક ચીજો ખોરવાય જાય છે...
પિયરની હવા સ્થગિત થઇ જાય છે...!!
સાસરામાં ઉત્સાહની નવીન લહેર ફેલાય છે..
હવે તો અમારાં દીકરાની વહુ આવી ગઇ છે ને એટલે હું મહિલામંડળમાં જોડાવાની છુ...
અમે ઓફિસ એક્સટેન્ડ કરવાનાં છીએ...
હવે વહુ ઘર સંભાળશે એટલે અમારો પણ પગ છૂટો થશે..
.વહુ પણ ભણેલી છે અને કમાય છે એટલે થોડા વખતમાં અમે આ જૂનાં વિસ્તારમાંથી સારા વિસ્તારમાં શિફ્ટ થઇશુ....!!!
તો ભાઇ જવાબદાર કોણ કહેવાય??? પિયર જેનાં વગર લંગડુ થઇ જાય અને સાસરૂં જેનાં કારણે દોડતું થઇ જાય તેને 'જવાબદારી' નું લેબલ કેમ??
એક દિવસ માટે બહાર જવુ પડે એમ હોય તો ઘરની સ્ત્રી(જે કોઇની તો દીકરી છે જ અને જવાબદારીનાં લેબલ સાથે જ વિદાય થયેલી હશે.) બે દિવસ બાકી સૌ એનાં વગર સારી રીતે રહી શકે એનાં માટેની તૈયારી કરે... અને છતાં એક દિવસની ગેરહાજરીમાં ઓછામાં ઓછા 3-4 ફોન તો આવે જ આવે કે ફલાણી વસ્તુ ક્યાં મૂકી છે?..ફલાણાં ભાઇ/બેનનો ફોન છે એમને શું કહેવાનું છે?..વિગેરે..વિગેરે..!!
દીકરી જવાબદારી નથી પરંતુ જવાબદારી નિભાવી જાણે તેવું, અમાપ શક્તિ ધરાવતુ, પ્રેમસભર અને ધરાને જીવંત રાખનાર એક અનોખુ સર્જન છે. આવું અદભૂત સર્જન કરવા બદલ સૃષ્ટિનાં સર્જનહારને મારા કોટી કોટી વંદન..!!!