સગપણોની ભૂમિકા જોઈ.. ( લઘુ-કથા)

'નામ વિનાનું સગપણ'( લઘુ-કથા)

'સાહેબ તમે અમારે ઘરે આવશો?'
દવાખાનામાં ઓચિંતા આવનાર આગંતુકે પૂછ્યુ.'કેમ શુ તક્લીફ થઇ છે? કોને મજા નથી?' ડો.જોષી એ વ્યાવાસાયિક ઢબે પૂછ્યુ.'નહીં સાહેબ; મારી બાને કેન્સર થયુ હતુ તેથી અમદાવાદ કેન્સર હોસ્પીટલમાં ઓપરેશન કરાવ્યુ છે. હવે તો ફક્ત પાટા જ બાંધવાના છે.' આગંતુક ખૂબ જ આત્મીયતાથી બોલ્યો 'સાહેબ આપ આવો તો આપની મોટી મહેરબાની થશે,આપ અમારે મન..........'
કંઠમાં ખારાશ ભળી. ડો જોષીને આવનારની નિખાલસતા અને 'મા' પ્રત્યેનો પ્રેમભાવ સ્પર્શી ગયો. જરૂરી સુચના આપતા ડો.એ કહ્યુ ભઈ તું દરરોજ સાંજે સાત વાગ્યે આવજે. ત્યારે હુ ડ્રેસીંગ કરી જઇશ.નો વરી એબાઉટ ધીસ.
આવનાર ડો.જોષીના માનસપટને રીવોલ્વીંગ ચેર માફક ઝુલાવી ગયો. સ્મરણપ્રદેશ પર 'મા' નો ચહેરો ઊભરી આવ્યો.ગઈ તિથીઓનુ પંચાંગ ફફડવા માંડ્યુ. એક દિવસ 'મા'ની આંખમાં આંસુ જોતા પિતાજીને પૂછવા માંડ્યો 'શુ થયુ મારી માને ?....??'

 'બેટા તારી મા ને કેન્સર થયુ છે.' કહેતા પિતૃવાત્સલયનો હાથ માથા પર ફરવા લાગ્યો.
તમામ ઈલાજ કારગત ના નીવડ્યા.
'મા' અંતરીક્ષમાં મહાયાત્રાની તરફ ચાલી નીકળી.
બાપ-દિકરાની જીવનયાત્રા નાવીક વિનાની નાવ જેવી હાલક-ડૉલક થઈ ગઈ.
વર્તમાનની ઊર્જા જાણે સ્મરણોને ઉજાસવા માંડી; મન પર અતિત છવાય ગયો;
સાથે તેની અનુભુતિ સ્તો જ ;

ઝાંખા ઝાંખા દ્રશ્યો.........
'મા'નુ અમીમય ચુંબન...........
માના ખોળામાં સૂઈ જવું.......
માનો હેતાળવો ગુસ્સો....
પંદર વર્ષ જેવી નાની ઉંમરે નમાયું થવું........................
અગ્નિસંસ્કાર..શાસ્ત્રોક્ત કર્મ.......
સ્મરણમાં 'મા' જીવે છે.

લગાતાર ત્રણ મહિના સુધી ડ્રેસીંગ ચાલ્યા. ડ્રેસીંગ દરમ્યાન ડો જોષીએ અનુભવ્યુ કે 'માજી'ના ત્રણ દિકરા-બે દિકરી, તદુપરાંત ત્રણેય પુત્રવધુ-જમાઈ પણ માજીની દેખભાળ હસતા મોઢે કરતા હતા.' ફુલભાર પણ તક્લીફ પહોંચી હોય તેવુ લગીરેય અનુભવ્યુ નહોતું.
ત્રણેક મહિના બાદ પેલા કેન્સરવાળા માજી ચાલતા-ચાલતા ડો. જોષીના દવાખાને આવ્યા. થોડા વિરામ બાદ કહેવા લાગ્યા, 'સાહેબ તમારી સારવારથી હુ બચી ગઈ.સાહેબ, ભગવાન તમને ખુબ-ખુબ બરકત અને સુખ-શાંતિ આપે.' 'માજી જે કાંઈ કર્યુ છે એ તમારા દિકરાઓએ કર્યુ છે. વહેલી સારવાર અને યોગ્ય કાળજી રાખી. બીજું, તેઓનો તમારા પ્રત્યેનો માતૃ-પ્રેમ કહો કે માતૃ-ભક્તિ એ તો આ ડો. જ જાણે છે.'

'સાહેબ આ જમાનામાં તો સગા દિકરા ન કરે એટ્લુ મારા જેવી એક તો પાકેલ પાન અને બીજુ સાવકી મા માટે કર્યુ છે.' કહેતા જ માજીની આંખમાં ભિનાશ છવાઈ ગઈ. વાતનો પ્રવાહ આગળ વધારતા માજી બોલ્યા, 'સાહેબ વાત એમ છે, ત્રણ દિકરા, બે દિકરી મૂકી એની મા ગૂજરી ગઈ; પાંચેય છોકરા સાત-આઠ વર્ષની અંદરના માંડ હશે, ત્યારે હું બાવીસ રંડાણી'તી, એના બાપુનુ ઘર માંડયું પણ કુદરતે ખોળે ખોટ રાખી દીધી. બીજું યે એવું દુર્ભાગ્ય કે આગલા જનમનાં પાપ !? મારે તો કંકુના સુરજનું સુખ જ કપાળે નહોતું. ત્રીજા વર્ષે પાછી રંડાણી. બીજો રંડાપો લઈ છોકરાવને મોટા કર્યા પણ છોકરાઓને ધન્ય છે. આટ્લા વર્ષોમાં એક ઘડી માટે મને હેરાન કરી નથી. લ્યો સાહેબ વાતોમાં મોડુ થઈ ગયું નહી તો છોકરા પાછા ગોતવા નીકળશે.
ઘર તરફ જતા માજીની પીઠ તાકી રહેલા ડો.જોષી સ્તબ્ધતા તથા શુન્યાવકાશથી ભરાઈ ગયા.ગલીના નાકેથી માજી દેખાતા બંધ થયા ત્યારે ડો.જોષીથી કોઇ એક ગઝલનો શેર તેનાથી અભાન પણે મોટા અવાજે બોલી પડયા

"સગપણોની ભૂમિકા જોઈ લો અહીં
મારા નથી છતાં, તે પરાયા નથી"

....ડો હિતેષ મોઢા
આ વાર્તા 'બર્ડાઈ-જ્યોત' દિવાળી અંક ૧૯૯૮માં પ્રકાશિત થઈ છે.