હોટ ચોકલેટ ! ... લઘુ વાર્તા ...
એક નાનકડી છોકરી. છઠ્ઠા-સાતમા ધોરણમાં ભણતી હશે. એક વાર ક્લાસના એક છોકરાને એણે બરાબરનો ધીબેડી નાખ્યો. કેમ? એ ચોરીછુપીથી છોકરીના દફતરમાંથી લંચબોક્સ બહાર કાઢીને નાસ્તો કરી રહ્યો હતો, એટલે. પ્રિન્સિપાલે છોકરીની મમ્મીનું ધ્યાન દોર્યું. છોકરીને એમ કે મમ્મી હવે બરાબરની વઢશે, પપ્પાને વાત કરશે. એવું કશું ન થયું. મમ્મીએ ફક્ત હોટ ચોકલેટના બે ગ્લાસ તૈયાર કર્યા, એક દીકરીને આપ્યો અને એટલું જ પૂછ્યું:
‘બહુ માર્યો નહીં બિચારાને?’
‘પણ મમ્મી, એણે મારો નાસ્તો લઈ લીધેલો.’
‘કેમ લઈ લીધો હશે એનો તને વિચાર ના આવ્યો?’
પછી ખબર પડી કે છોકરાની માને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઘરે કોઈ નાસ્તો બનાવી આપી શકે એવું કોઈ નહોતું એટલે બિચારાએ ભૂખના માર્યા છોકરીના દફતરમાંથી નાસ્તાની ચોરી કરવાની કોશિશ કરી હતી. મમ્મીએ છોકરીને સજા કરી: જ્યાં સુધી છોકરાની મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછી ન આવી જાય ત્યાં સુધી હું રોજ એના માટે પણ નાસ્તો પક કરી આપીશ અને તારે રોજ એને રિસેસમાં નાસ્તો કરાવવાનો!
તે દિવસે મમ્મીએ છોકરીને માત્ર હોટ ચોકલેટનો ગ્લાસ જ નહીં, સંસ્કારનું દ્રાવણ પણ પાયું હતું. જ્યારે જ્યારે દીકરીને તકલીફમાં જુએ, મમ્મી હોટ ચોકલેટના ગ્લાસ લઈને એની પાસે પહોંચી જાય. એને કંઈક એવી સરસ વાત કરે કે છોકરી કાં તો હળવીફુલ થઈ જાય અથવા એને સાચી દિશા મળી જાય. દીકરી પરણીને સાસરે ગઈ ત્યાં સુધી મમ્મી એને હોટ ચોકલેટના ગ્લાસની સાથે સાથે જિંદગી જીવવાની ટિપ્સ આપતી રહી. મા મૃત્યુ પામી પછી યુવાન પુત્રીએ આ પરંપરા આગળ વધારી. આજે હવે એ પોતાનાં સંતાનને મૂંઝાયેલું કે અપસેટ જુએ ત્યારે અચૂક બૂમ પાડે છે, ‘ચાલ, આપણે બન્ને હોટ ચોકલેટ પીએ.
ઝિંદગી એક્સપ્રેસ...
લેખિકા: આરતી પટેલ