સહિયારા સપના..

બે વ્યક્તિનું સપનું જ્યારે એક હોય ત્યારે એ સાકાર થવાના ચાન્સીસ સેંકડો ગણા વધી જાય છે...

એક પતિ-પત્ની હતાં. પતિ સાયન્ટિસ્ટ હતો અને પત્ની હાઉસવાઈફ હતી. આ કપલે ઘર ખરીદ્યું. ગામની બહાર ઘર બનાવવાની મકસદ એક જ હતી કે વૈજ્ઞાનિક પતિ ઘરના એક રૂમમાં લેબોરેટરી બનાવી તેને જે શોધ કરવી હતી એ કરી શકે. ઘરમાં રહેવા ગયાં ત્યારે પતિએ કહ્યું કે આ ઘરમાં મારું એક સપનું છે. મારી શોધ પૂરી થાય એ દિવસે આપણે બંને ઘરના બગીચામાં બેસી મારી શોધનું સેલિબ્રેશન કરીએ. આપણે બે જ હોઈએ અને સુંદર ફૂલો હોય. નવા ઘરમાં બગીચાનું તો અસ્તિત્વ જ ન હતું. ખુલ્લી જમીન જ હતી.

પતિ-પત્ની નવા ઘરમાં રહેવા લાગ્યાં. પતિ ધૂની હતો. એ તો એક વાર લેબોરેટરીમાં ઘૂસ્યો એટલે ઘૂસ્યો. રાત-દિવસ એની શોધમાં જ મશગૂલ રહે. લેબોરેટરીની બહાર જ ન નીકળે. રોજ નવા નવા પ્રયોગો કરે પણ સફળતા ન મળે. આમ ને આમ એક વર્ષ થઈ ગયું. એક દિવસ અચાનક જ એની શોધ પૂરી થઈ ગઈ. એનો પ્રયોગ સફળ થયો. એની ખુશીનો પાર ન હતો. એ નાચવા લાગ્યો. લેબોરેટરીની બહાર નીકળી એણે પત્નીને તેડી લીધી. એક વર્ષ પછી એ ઘરની બહાર નીકળતો હતો.

ઘરની બહાર નીકળ્યો તો આંગણામાં સુંદર બગીચો લહેરાતો હતો. રંગબેરંગી ફૂલો ઊગેલાં હતાં. ચાંદનીના પ્રકાશમાં બગીચો સ્વર્ગ જેવો લાગતો હતો. પતિએ આશ્ચર્ય સાથે કહ્યું કે આટલો સુંદર બગીચો! પત્નીએ કહ્યું કે તારું સપનું હતું ને કે તને તારી શોધમાં સફળતા મળે ત્યારે બગીચામાં બેસીને એનું સેલિબ્રેશન કરીશું. જો બગીચો તૈયાર છે. તું દરરોજ તારી શોધમાં વ્યસ્ત હતો ત્યારે હું તારી માટે બગીચો બનાવતી હતી. તારી શોધ પૂરી થાત અને બગીચો ન હોત તો તારું સપનું અધૂરું રહી જાતને? પતિએ કહ્યું કે શોધ ભલે મેં કરી હોય પણ સપનું તેં સિદ્ધ કર્યું છે. બે વ્યક્તિનું સપનું એક હોય તો જ સપનું સાર્થક થાય છે. મારી શોધ તને અર્પણ કરું છું, તું મને આ બગીચો અર્પણ કરી દે. જો આપણાં સપનાં કેવાં ખીલી અને મહેકી રહ્યાં છે.

માત્ર એકનું જ સપનું સાકાર થશે તો કદાચ સફળતા મળી જશે પણ સુખ નહીં મળે. સાચું સુખ તો સહિયારા સપનામાં જ છે.!!!!