નથી ક્યાંય તોય

નથી ક્યાંય તોય બધે વર્તાય છે તું,
ધ્યાન ધરું  હું તારું ને સર્જાય છે તું

રોકાઇ જાઉં ઘડીક ને ફરી ફરીને જોઉં,
હર એક ચહેરામાં મને દેખાય છે તું

મનની પાંખોને નડે ના કોઇ અંતર,
દૂર હો કે પાસ મને સ્પર્શાય છે તું

મધુરી યાદોં છે ને ગણતરીની તસવીરો,
યાદોંમાં જ હવે તો અનુભવાય છે તું

ઠાંસીને ભરી છે ભીતર જો ને લાગણીઓ,
વરસું હું મુશળધાર,મને ક્યાં છિપાય છે તું ?!

શાને તડપે..

શાને તડપે નદી જ સાગરને મળવાની લઇ આશ ?
સાગરનેય મિલનની થોડી તૃષા હોવી જોઈએ !

કુમકુમ પગલાં પાડે સવાર ને ઉઠીએ ઉઠવા કાજ,
વરસે વ્હાલનો વરસાદ એવી ઉષા હોવી હોઇએ !

જીભ કદીક ના આપે સાથ, શબ્દો ગડથોલા ખાય,
કહ્યા વિનાયે સમજાય એવી ભાષા હોવી જોઇએ !

બિડાઈ જાય નયન, ભલે હંમેશાને કાલ
ફેરવે હેતથી માથે હાથ, એવી નિશા હોવી જોઇએ !

ને મોબાઈલ પડી ગયો

ને મોબાઈલ પડી ગયો ---

ઘરમાં જ કોઈ જગ્યાએ મોબાઈલ મારો પડી ગયો
શોધ્યો પણ જડ્યો નહિ
મોબાઈલ મારો પડી ગયો
એ આખો દિવસ મિત્રોને રૂબરૂ મળ્યો --
મમ્મી પપ્પા પાસે શાંતિથી બેઠો ---
સુખદુઃખ અલકમલકની વાતો કરી --
બાળકો ને પત્ની સાથે ગામ ગપાટા કર્યા --
નજરોથી નજર મેળવી સાથે જમ્યા ---
ઘર થી ઓફિસનો રસ્તો દિલથી નીરખ્યો --
મોહોલ્લાના વડીલોના હાલ હવાલ જાણ્યા --
મસ્ત ઘેરાતા વાદળો જોયા ને વરસાદ માણ્યો --
ખુમારીથી નજરને ગરદન ઊંચી કરી ફર્યો --
વગર મોબાઈલની આઝાદી માણી ઘરે પોહોંચ્યો --ને

મોબાઈલ મળી ગયો --
બે સોફાની વચ્ચે આરામથી સંતાયો હતો --
ફરીથી વોટ્સ એપ ને એફબી માં ઘુસી ગયો --
ઘરના સભ્યોની હાજરી ભૂલી ગયો --
રાત્રે શું ખાધું એ પણ ભૂલી ગયો --
ડીનર ટેબલ પર કોણ કોણ સાથે હતું એ વિસરી ગયો --
આખા ગામની પંચાત સ્ક્રીન પર દેખતો થઇ ગયો --
એકના એક પોસ્ટિંગ ફરી વાંચતો થઇ ગયો --
પરદેશ ફરતા મિત્રોના ફોટા લાઈક કરતો રહી ગયો --

મોબાઈલ હતો -ના --હતો નો ફરક સમજતો થઇ ગયો !!

શ્રેષ્ઠ ફોટોગ્રાફ

એક ખેડૂત સાંજના સમયે ગાડામાં ઘાસનો ભર ભરીને ઘેર પાછો ફરતો હતો. ભર ઉપર એની નાનકડી લાડકી દીકરીને બેસાડી હતી.એ મોજથી જતો હતો અને રસ્તામાં
અચાનક ખાડો આવ્યો અને છોકરી ઉથલી પડી અને પલકવારમાં ગાડાના પૈડાં નીચે આવી ગઈ અને ખતમ થઈ ગઈ. લોકો ભેગા થઈ ગયા અને પોલીસને બોલાવવામા આવી.
ખેડૂત નિમાણાં શોકગ્રસ્ત ચહેરે પોલીસની રાહ જોતો બેઠો હતો ત્યાં એક પ્રેસ ફોટોગ્રાફર આવ્યો અને આ
શોકમગ્ન બાપનો ફોટો પાડવા જતો હતો પણ એકાએક એનો હાથ થંભી ગયો અને એણે ફોટો પાડયા વગર જ કેમેરા મ્યાન કરી દીધો.
એ પછી ઘણા વરસે એ ઘરડો થયો ત્યારે એ પ્રખ્યાત થઈ ચુકેલા તસ્વીરકારનો એક ચેનલવાળો ઇંટરવ્યુ લેવા
આવ્યો અને એનો એક સવાલ એ હતો કે તમારી કારકિર્દીનો શ્રેષ્ઠ ફોટોગ્રાફ કયો ત્યારે એણે જવાબ આપયો કે એ ફોટોગ્રાફ કે જે મેં ન પાડ્યો અને દુઃખી બાપની લાગણીની આમન્યા સાચવી લીધી.

મિત્રો,આ મારી નહિ વિશ્વની એક પ્રખ્યાત વાર્તા છે.

નહીં કરું

છે લાગણીની વાત તો રકઝક નહીં કરું,
હકદાવો તારી સામે હું નાહક નહીં કરું.

શત્રુ જો હોય સામે તો શંકા થઈ શકે,
મિત્રોનો મામલો છે તો હું શક નહીં કરું.

મોઘમમાં જીવવાની મજા હોય છે છતાં,
જો વ્યક્ત થઈ શકું તો જતી તક નહીં કરું.

છે તારી મુન્સફી જુદી, મારો નિયમ અલગ,
મારા વચનનો ભંગ હું બેશક નહીં કરું.

દીવાની જેમ ધીમે ધીમે હું બુઝાઈ જઈશ,
અણધારી લઈ વિદાય તને છક નહીં કરું.

ખુશ્બુ સ્મરણની એ જ તો છે મારી સંપદા,
છેવટ સુધીય ઓછી આ સિલ્લક નહીં કરું.

એ પુણ્ય હો કે પાપ, હું પોતે બધું કરીશ,
સારું કે ખોટું કોઈના હસ્તક નહીં કરું.

– ભગવતીકુમાર શર્મા

એવું કેમ છે ?

હમણાં કશું લખાતું નથી એવું કેમ છે ?
ખુદને મળી શકાતું નથી એવું કેમ છે ?

ઝાકળની જેમ ક્ષણમાં ઊડી જઈશ હું છતાં
એ ફૂલને અડાતું નથી એવું કેમ છે ?

રાખી શકું છું સૂર્યમુખી જેવી દૂરતા
ને તો ય ત્યાં ટકાતું નથી એવું કેમ છે ?

એની નજીક વર્ષો લગોલગ રહીને પણ
અંતર હજુ મપાતું નથી એવું કેમ છે ?

પાણીની જેમ સરકી જવું છે, ખબર છતાં
એની ગલી વળાતું નથી એવું કેમ છે ?

બસ આંસુ આંખમાંથી વહેતા મૂકી શકું
ના પૂછ કે હસાતું નથી એવું કેમ છે ?

~  *મેગી અસનાની*