"તેરે ઘર આ રહી એક પરી "
લગ્ન પેહલા અને સગાય પછી એક વહુ તરફ થી લખાયેલ એમની સાસુ ને પત્ર.
ડીઅર મા,
સૌથી પહેલાતો તમને માં વાંચીને આશ્ચર્ય થયું હશે નહી! કે મને તો મમ્મી કહે છે પછી આ માં કોણ? માં એટલે તમેજ તો ..બીજું કોણ?.. સમજણ આવી અને જ્યારથી “માં” શબ્દનો અર્થ સમજાયો ત્યારથી એક અક્ષર નો બનેલો આ પુરેપુરો શબ્દ મારા જીવનનો ખુબજ મહત્વનો અને મનગમતો થઈ ગયો. પણ પહેલેથી મમ્મી બોલવાની આદત પડેલી એટલે મમ્મીને બોલાવતી વખતે માં જલ્દી મોઢે ના આવતું પણ તમને તો હું “માં” જ કહીશ.. આજના આ મોમ વાળા જમાનામાં ઓલ્ડ ફેશન થયેલું “માં” કહીને હું તમને બોલાવીશ ..તો તમને ગમશે ને?
પાછું તમને એય લાગતું હશે નહી કે આ ઈ-મેઈલ અને વ્હોટ્સએપ હોવા છતાંય આ પત્ર!!.. પણ માં પત્ર દ્વારા જે લાગણીઓની અભિવ્યક્તિ થાય એની મજા જ કંઈક જુદી હોય છે, અને એતો ડીલીટ પણ નથી થતા પોતાના પ્રિય વ્યક્તિ દ્વારા લખાયેલા પત્રો ના એક એક શબ્દો વાંચીએ ત્યારે સીધા મન પર છપાઈ જતા હોય છે…..વળી એ ટાઇપ કરીને મોકલેલ મેસેજમા એ મોબાઈલ ની સ્ક્રીન પર મારી આંગણીઓથી લખાયેલ લાગણીઓની સાથે મારા ટેરવાની સુગંધ નો અહેસાહ તમારા સુધી ના મોકલી શકત ને … આ પત્ર જયારે તમે હાથમાં લઈને મારા સ્વઅક્ષરે લખેલું લખાણ વાંચી રહ્યા છો તો જાણે હું સાવ તમારી સાથે જ છું એવુંજ લાગી રહ્યું છે ને…
જ્યારથી મને તમારા દીકરા બિહાગ સાથે પ્રેમ થયો છે એજ ઘડીએથી મેં મારું તન મન ધન એના નામે કરી દીધું છે… હું દુનિયામાં આવી ત્યારે મારા સૌથી નજીક એવા મમ્મી-પપ્પા દાદી અને ભાઈ એમના વ્હાલ અને પ્રેમથી મારું મન છલોછલ ભરેલું….ઘરમાં જયારે કોઈ નવી વસ્તુ આવે ત્યારે આપણે ઘરમાં હાજર વસ્તુઓની ફરીથી ગોઠવણી કરી નવી વસ્તુ માટે જગ્યા કરીએ છીએ બરાબરને. મેં પણ આ બધાને થોડા ખસેડીને મારા મનમાં ૫૦% જગ્યા ખાલી કરી દીધી છે તમારા વ્હાલ અને પ્રેમ માટે…તમે પણ તમારા દીકરાના ભાગનો અડધો પ્રેમ મારી સાથે વહેંચશો ને…જ્યારથી સગાઈ થઈ છે ત્યારથી મમ્મી અને દાદી મને કહ્યા કરે છે કે તું કંઈક શીખ હવે રશોઈ કરતા ને ઘર સાચવતા તો સાસરે જઈ કામ લાગશે પણ મેં એમને કહી દીધું છે કે હું એ બધુંય મારા માં પાસેજ શીખીશ ..હવે તમેજ કહો જે ઘરમાં હવે હું માત્ર થોડા સમયની મહેમાન છું એવા ઘરની રીતભાત શીખી શું કરું, મારે તો તમને બધાને ભાવે એવો સ્વાદ શીખવો છે…જેમાં પીરસાતી લાગણીઓમા તમને અમી સાથે પ્રેમના ઓડકાર આવે …બિહાગ હમેશા તમારી રશોઈ ના વખાણ કર્યા કરે છે કે મારી મમ્મી જેવું જમવાનું તો કોઈનું નહી… મેં બરાબર કહ્યું ને માં ? તમે મને આપણા ઘરની રીતભાત અને રશોઈ શીખવાડશોને?
કહેવાય છે કે સ્ત્રીના બે જન્મ હોય છે એક પોતે જન્મે ત્યારે અને બીજો નવા જીવને જન્મ આપે ત્યારે…પણ માં મને તો લાગે છે કે જીવનના દરેક નવા મુકામે સ્ત્રીનો નવો જન્મ થાય છે જન્મે ત્યારે દીકરી પરણે ત્યારે પત્ની અને વહુ અને જન્મ આપે ત્યારે માં… મારો બીજો જન્મ થવા જઈ રહ્યો છે એક પત્ની અને વહુ તરીકેનો … પણ હું તો ફરીથી દીકરી બનીને જન્મવા માંગું છું અને હું દીકરી બનીશ તો તમારો પણ નવો જન્મ થશે ને એક માં તરીકે નો..આપણે આપણા આ નવા જન્મને હરખભેર ઉજવીશું… મારાથી કંઈ ખોટું થઈ જાય કે મને ના આવડે તો તમે મને સાચું શીખવાડજો… જો કોઈ કપરી પરસ્થિતિ આવે તો તમે મને એમાંથી પાર ઉતરવાનો રસ્તો બતાવજો. હું પ્રેમીકાતો છું પણ એક સારી પત્ની કઈ રીતે બની શકાય એ પણ તો તમે જ શીખવશો…
લોકોના મોઢેં સાસુ અને સાસરિયાઓ વિષે ઘણું સાંભળ્યું છે તમનેય ક્યારેક થતું હશે ને મનમાં કે કેવી હશે વહુ … દીકરો તો દુર નહી થઈ જાય ને ક્યાંક… પણ આ બધામાં હું જરાયે નથી માનતી… મને તો લાગે છે કે ભગવાન કદાચ મારો જન્મ તમારી કુખે કરવવાનું ભૂલી ગયા હશે એટલે હવે સાસુના રૂપમાં તમને મારા માં બનાવ્યા.. હું સાસરું નહી પણ પોતાનું ઘર સમજીને આવી રહી છું. મને મમ્મીનું ઘર છોડવાનું દુઃખ છે પણ પોતાના ઘરે જવાની ખુશી એ દુઃખથી બમણી છે..
બીહાગતો તમારો જ છે તમે મને પણ તમારી બનાવીને રાખજો પછી દુર થવાની ચિંતા તમારા મનમાં ફરકશે પણ નહી. કોઈ પણ સબંધને લાંબો ટકાવી રાખવા એમાં પારદર્શિતા હોવી જરૂરી છે અને આપણો સબંધ તો આખા જન્મનો છે, બને કે તમને મારી કોઈ વાત કે વર્તન ના પણ ગમે તો તમે મનમાં ને મનમાં મુંજાયા કરતા મને સીધું જણાવી દેજો અને સામે પક્ષે હું પણ એમજ રહીશ.. માં-દીકરી વચ્ચે વળી ખચકાટ શાનો, ખરું ને ..?આજ સુધી હસતી રમતી ઝરણાંની જેમ ખળખળ વહેતી હું અચાનક આમ શાંત સરિતા બની રહી છું… છોકરમત કરતી રહેતી હવે હું મેચ્યોર વાતો કરવા લાગી છું, બિન્દાસ્ત જીવવા વાળી હું હવે થોડી જવાબદારીઓથી સભાન થવા માંડી છું…અને હમેશા પોતાનોજ કક્કો સાચો કરાવતી થોડી જીદ્દી હું, હવે પોતાનું બધુંય બદલવા તૈયાર થઈ ગઈ છું….ઘરમાં તો બધાયે કહેવા લાગ્યા છે કે તું તો લગ્ન પહેલાંજ બદલાઈ ગઈ… કદાચ વિધાતા સ્ત્રીની કુંડળીમાં પરિસ્થિતિ ને અનુકુળ પ્રકૃતિ રહે એમ અચૂક લખતા હશે…
માં આજ સુધી જે બધુંજ મારી દુનિયા હતું એ છોડીને હું આવી રહી છું… મારી નવી દુનિયા બે હાથ ફેલાવીને મારું સ્વાગત કરી રહી છે … નવી શરૂઆતના ઘણા નવા સપનાઓ મેં આંજ્યાં છે મારી આંખોમાં… તમારા ઘરનો ઉંબરો આવકારી રહ્યો છે મને…. મારે એ રંગ બનીને આવવું છે તમારા ઘરમાં જેનાથી ઘરના આંગણાની રંગોળી પૂરી થાય, ઉંબરે સાથીયા ને લક્ષ્મીજી ના પગલા પૂરતા ઘરમાં સુખ શાંતિ અને સંપતિ નું આગમન થાય, એવી ચાંદની બનીને આવવું છે કે ઘરનો ખૂણે ખૂણો જળહળી ઉઠે….
એક એવું ઘર બનાવવું છે કે જ્યાં સુખ દુઃખ ની વહેંચણી થાય, લાગણીઓની લ્હાણી થાય અને પ્રત્યેક ક્ષણ પ્રેમ સર્જાય… માં હું મારા સપના તૂટવા નહી દઉ, અડચણો આવશે પણ તમે સાથ આપશોને ? નવી શરૂઆત સાથે બધું નવું હશે મારા અને તમારા બંને માટે પણ આપણું પોતાનું હશે મને વિશ્વાસ છે મને તમારા પરિવારમાં ભળતા જરાયે વાર નહી લાગે ના કોઈ તકલીફ પડશે..જાણો છો કેમ? તમે દરેક પગલે મારી પડખે ઉભા હશોને એટલે…માં તમે આખી જીંદગી પ્રેમ આપીને સિંચેલા ઘરને મારું બનાવવા આવી રહી છું ત્યારે મને આ ગીત ગાવાનું મન થઈ રહ્યું છે “મેં તુલસી તેરે આંગન કી …”
મને બિહાગે એકવાર કહેલું કે પપ્પાને હંમેશા એક દીકરીની ઈચ્છા હતી. હું બનતી કોશિષ કરીશ કે પપ્પાને હવે દીકરીની કમી ના વર્તાય.. મેં સાંભળ્યું છે કે પુત્રવધુ જયારે પરણીને ઘરે આવે ત્યારે એક દીકરીનો જન્મ થયો હોય એટલી ખુશી સસરાને થાય છે… માં હું લગ્ન કરીને ઘરે આવીશ ત્યારે તમે પણ પેલું ગીત ગાશોને “મેરે ઘર આઈ ઇક નન્હીં પરી…
અજાણ