***** બેઉ સંપીને રહેજો હં, દીકરા ***
.
પિતાજી ગુજરી ગયા ત્યારે મોટાભાઈ હશે બારેક વર્ષના. એમના પછી બે બહેનો અને પછી હું – છ-સાત વર્ષનો હોઈશ. પિતાજીએ જમીન લેવામાં પોતાની બધી મૂડી લગાવી દીધેલી. ઘરમાં રોકડા પૈસાનાં ફાંફાં પડી ગયાં. માએ સિલાઈ કામ કરીને અને લોકોનાં દળણાં દળીને અમને ઉછરેલાં. મા હંમેશા કહેતી :
‘મેં મહેનત કરી એ તો બરાબર, પણ આ મોટો ન હોત તો હું એકલપંડે શું કરત ? એણે જ બંને બહેનોને પરણાવી ને તને ભણાવ્યો.’
મારી પત્ની મને હંમેશા કહેતી, ‘મા ભલે ઉપર ઉપરથી તમારી પર વ્હાલ વરસાવે, પણ મનથી તો એમને મોટાભાઈ માટે જ ખરી લાગણી છે. તમે રહ્યા ભોળા, તે તમને આ બધી સમજ ના પડે !’ એણે તો માની એકની એક વાતોથી કંટાળીને ગામ આવવાનું જ બંધ કરી દીધું હતું. ધીમેધીમે મારો પણ ગામ જવાનો ગાળો લંબાતો ગયો. એમાં ય એક વખત ગામ ગયો, ત્યારે માએ જે વાત કરી એનાથી હું એવો ચોંકી ગયો કે, એ પછી તો વર્ષે એકાદ વખત માંડ જતો હોઈશ.
તે દિવસે મેં હોંશેહોંશે શહેરમાં ફલેટ લીધાની વાત માને કરી અને ફલેટના ફોટા પણ એને બતાવેલા. મા રાજી તો બહુ થઈ, ખુશીના માર્યા એની આંખમાં આંસુ ય આવી ગયાં પણ પછી તરત કહેવા લાગી, ‘નાનકા, તારું શહેરમાં કેવું સરસ મજાનું ઘર થઈ ગયું ! તું ને તારું કુટુંબ રાજીખુશીથી એમાં રહો એવા મારા અંતરના આશીર્વાદ છે. મારે તો તારી પાસેથી કશું નથી જોઈતું પણ સાચું કહું, આ મોટાની ચિંતા મને રાત-દિવસ સતાવે છે.
‘મોટાભાઈનું હવે શું છે, મા ?’ ફરી પાછું મોટા-પુરાણ સાંભળીને મેં જરા કંટાળીને માને પૂછ્યું.
‘તમને બધાને પગભર કરવામાં એણે બિચારાએ પોતાનો સ્વાર્થ ન જોયો. એના મોટા દીકરાને તારી જમીન પર કરિયાણાની દુકાન કરવી હતી ત્યારે એણે તારી રજા લઈને દુકાન ચાલુ કરાવેલી. દુકાન શું, આમ તો છાપરું જ છે.’
‘એ બધી મને ખબર છે, મા.’ વાત ટૂંકાવવાના ઈરાદાથી મેં કહ્યું.
‘નાનકા, તું તો કોઈ દિ’ ગામમાં આવીને રહેવાનો નથી. મને થાય છે કે, તારા ભાગની જમીન તું મોટાના દીકરાને નામે કરી દે તો !’
‘મા જમીનના ભાવ આસમાને પહોંચ્યા છે, ખબર છે તને ?’ હવે મેં અવાજ ઊંચો કરીને માને કહ્યું, ‘બેટા, એને કંઈ જમીન મફતમાં નથી જોઈતી. જેમ સગવડ થશે એમ તને પૈસા ચૂકવી દેશે. પણ મારા જીવતાં આ વાત પતી જાય તો હું શાંતિથી આંખ મીંચી શકું.’
‘ઠીક છે, હું વિચાર કરી જોઈશ.’ મેં કહેવા ખાતર કહ્યું હતું. એ પછી માએ ફરીથી આ વાત ઉખેળી નહીં. કહેતી તો માત્ર એટલું જ, ‘મારી ગેરહાજરીમાં બેઉ સંપીને રહેજો હં, દીકરા !’
માના ક્રિયાકર્મ પતાવીને હું નીકળ્યો ત્યારે મોટાભાઈ સ્કૂટર લઈને મને સ્ટેશને મૂકવા આવ્યા. ટ્રેન આવવાનો સમય થયો એટલે એકદમ મને ભેટીને રડી પડ્યા. કહેવા લાગ્યા : ‘મા ગઈ એટલે ગામને સાવ ભૂલી નહીં જતો. ક્યારેક ફોન કરતો રહેજે. અનુકૂળતા હોય ત્યારે આવતો રહેજે.’ પછી ખીસામાંથી એક કવર કાઢીને મને કહે : ‘આ દસ લાખનો ચેક છે. બેંકમાંથી લોન લીધી છે તને આ પૈસા આપવા માટે. તું જમીન આપે કે નહીં એ તારી મરજીની વાત છે પણ મારા દીકરાએ આટલો વખત તારી જમીન વાપરી તો તારા હકની રકમ મારે તને આપવી જ જોઈએ.’
ટ્રેન ઊપડી. પ્લેટફોર્મ પર ઊભેલા મોટાભાઈને જોઈને મને બાપુજી યાદ આવ્યા, જે સાઈકલ પર મને શાળાએ મૂકવા આવતા. મારું મન ભરાઈ આવ્યું. મને થયું, આ પૈસાનું હું શું કરીશ ? પત્ની માટે દાગીના લઈશ, શેરબજારમાં રોકાણ કરીશ, એ જ કે બીજું કંઈ ? મેં ચેકના ટુકડે ટુકડા કરી નાખ્યા. બારીમાંથી એ ટુકડા ઉડાડવા ગયો, ત્યાં માનો હસતો ચહેરો દેખાયો. એ કહેતી હતી :
‘હાશ ! નાનકા, આજે મારા જીવને શાંતિ મળી.’