એવું ન થાય, ફરી પાછો આ ઓરડો એવો ને એવો થઇ જાય ?

આ વખતે લગ્નના મૂરત ઓછા છે ને લગ્નોત્સુક ઝાઝા છે. સહુને ઉતાવળ છે કે વર્તમાન વાતાવરણમાં શુભપ્રસંગ હેમખેમ પાર ઊતરી જાય એટલે હંઉ ! 

જૂવાન દીકરીના ઘરમાં લગ્ન પૂર્વેની તૈયારી તો બહુ વહેલી શરુ થઇ ગઇ હોય. સમજૂ બાપ એ માટેના ખર્ચની જોગવાઇમાં દોડતો હોય ને વહેવારુ મા દીકરીને ગૃહિણી બનવા તૈયાર કરતી હોય. 

હવે તો સમય ઘણો બદલાયો છે પણ તોય દીકરીએ નવા ઘર ને વાતાવરણમાં નવા જ પાત્રને જીવવાનું છે. પુત્રી હવે પુત્રવધૂ પણ બનવાની છે, એટલે મા ને દીકરી વચ્ચેની આ તાલિમશાળા બહુ વહેલી શરુ થઇ જાય. અને એ નિમિત્તે સંઘર્ષ પણ થાય. બાપના ઘેર દીકરીની આદત તો ચાલી ગઇ પણ હવે ? પોતાની દીકરીને બીજીં કોઇ ટોકે નહીં એ માટે મા જ એને ટોકતી રહે , જરુરી સૂચન કરતી રહે. 

અને આ બધી સલાહ સૂચનાનેય પટારામાં સાથે લઇ એક દિવસ દીકરી સાસરિયે જાય છે. પ્રસંગ સુખરુપ ઊજવાયાનો હરખ છે ને સઘળો થાક એક સાથે પગમાં ઊતરે છે. 

પણ એ ઉપરાંત કેટલાંક સ્મરણોનો થાક પણ ઊતરી આવે છે હૈયામાં ને છલકાય છે આંખો. યાદ આવે છે દીકરીની એ ટેવો ને એ માટે એને ટોકવું, બધુંય. હવે એ બધું જ miss થાય છે.  

આ મન:સ્થિતિનું ગીત. 

એક દીકરી જ્યાં સાસરિયે જાય 
ત્યારે કેટલું જીવનમાં બદલાય ! 

વહેલી સવારે જ્યારે ઉઘડશે આંખ 
હશે છત કેરો રંગ પણ અજાણ્યો 
ઓચિંતો બદલાશે કોફીનો સ્વાદ 
હશે વર્ષોથી એકધાર્યો માણ્યો. 
સહેલું નથી કે એમ હૈયાનો છોડ 
તમે ધારો તેમ વાવ્યો વવાય. 

આવવામાં મોડું કર્યાની કૈંક ફરિયાદો 
મમ્મીને આવવાની યાદ 
જડશે નહીં ચશ્મા ત્યાં આદતવશ દીકરીને 
પપ્પાથી થઇ જાશે સાદ 
હાથમાં હો છાપું કૈં કેટલીય વારથી 
ને તોયે ના અક્ષર વંચાય . 

દીકરીના ઓરડાને વ્યવસ્થિત જોઇ અને 
મમ્મીનું હૈયું હિજરાય 
અસ્ત વ્યસ્ત ઓરડામાં મસ્ત રહી દીકરી 
એ યાદે આંસુડા ઉભરાય 
એવું ન થાય,  ફરી પાછો આ ઓરડો 
એવો ને એવો થઇ જાય ? 

આ કાંઠે ઓટ એ જ ઓ કાંઠે ભરતી 
એ જીવનનો સાગર સમજાવે 
ઓછું કશુંય ક્યાંય થાતું નથી 
આ તો વહેણ ફકત કાંઠા બદલાવે 
અહીંઆનું મૌન એ જ સામેના કાંઠે જઇ 
ઘેરું ઘેરું રે ઘૂઘવાય. 
- તુષાર શુક્લ