દિકરીને હવે ચિંતા નથી કારણકે..

સુરતમાં રહેતા એક મુસ્લીમ પરિવારની આર્થિક પરિસ્થિતી ખુબ નબળી હતી. આ પરિવારની જન્મથી જ મુંગી એવી દિકરી નગ્માને ડેંગ્યુ થયો. છોકરીના પિતાએ એને હોસ્પીટલમાં દાખલ કરી. ડેંગ્યુએ જાણે કે નગ્માનો જીવ લેવાનું નક્કી કર્યુ હોય એમ તબીયત સતત બગડી રહી હતી. પ્લેટલેટ્સ ઘટીને 7000થી નીચે આવી ગયા અને છોકરી કોમામાં જતી રહી. આ દિકરી કદાચ હવે નહી જીવી શકે એવું સૌ કોઇને લાગતું હતું. અમુક લોકોનું તો એવુ પણ મંતવ્ય હતું કે કોમામાં રહેલી આ છોકરીની સારવાર પાછળ વધારે ખર્ચ કરવો હવે વ્યર્થ છે.

દિકરીના પિતા કોઇ કાળે પોતાની આ વહાલસોઇ દિકરીને ગુમાવવા નહોતા માંગતા. એક બાપ જીગરના ટુકડાને આવી દશામાં કેવી રીતે જોઇ શકે ? એમણે ડોકટરોને કહ્યુ, ”આપને જે કરવું હોય તે કરો, જે નિષ્ણાંત ડોકટરને બોલાવવા હોય તે ડોકટરને બોલાવો, જેવી દવાઓ આપવી હોય એવી દવાઓ આપો, પણ મારી આ લાડકવાયી દિકરીનો પ્રાણ બચાવો. જે કંઇ ખર્ચો થાય એ બધો જ ખર્ચો કરવા હું તૈયાર છું. જરૂર પડે તો ચાર્ટર્ડ પ્લેન કરીને મારી દિકરીને વિદેશમાં પણ લઇ જાવ પણ આ દિકરીને કંઇ ન થવું જોઇએ. તમે તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ.”

ડોકટરો પણ પિતાનો પ્રેમ જોઇને દંગ રહી ગયા. બધાએ સાથે મળીને દિકરીને બચાવવા માટેના શક્ય તમામ પ્રયાસો કર્યા. પિતાએ પણ દિકરી માટે પાણીની જેમ પૈસા વેર્યા અને લગભગ 9 લાખથી વધુ રકમ દિકરીની સારવાર માટે ખર્ચી નાંખી. મોત સામેની આ લડાઇમાં દિકરીના પિતાનો વિજય થયો. દિકરી મોતના મુખમાંથી પાછી આવી. મુંગી દિકરી કંઇ બોલી ન શકી પણ પિતાના પ્રેમને આંસુઓના અભિષેક દ્વારા એણે વંદન કર્યા. છોકરીએ મનોમન ભગવાનને પ્રાર્થના કરી હશે કે હે પ્રભુ ! જગતની બધી દિકરીઓને મારા પિતા જેવા પિતા આપજે.

આ કોઇ વાર્તા નહી, હજુ હમણા 5 મહિના પહેલા જ બનેલી વાસ્તવિક ઘટના છે. વધુ આશ્વર્યની વાત તો એ છે કે છોકરીનો જીવ બચાવવા માટે કોઇપણ રકમ ખર્ચવાની તૈયારી બતાવનાર પિતા એના જન્મદાતા નહી, પાલક પિતા છે. મુસ્લીમ દિકરીના આ હિન્દુ પાલક પિતાનું નામ છે મહેશભાઇ સવાણી. મહેશભાઇ સવાણી આવી એક નહી 472 દિકરીઓના પાલક પિતા છે અને 1001 દિકરીના પાલક પિતા બનવાનો એણે સંકલ્પ કર્યો છે.

જેના પિતા અવસાન પામ્યા હોય એવી કોઇપણ જ્ઞાતિ કે ધર્મની દિકરીને મહેશભાઇ પોતાની દિકરી તરીકે સ્વિકારે છે. દિકરી માટે યોગ્ય મુરતીયો શોધવાથી શરુ કરીને, ધામધૂમથી લગ્ન કરાવી દેવા, લગ્નબાદ વાર તહેવારે દિકરીને ત્યાં ભેટ-સોગાદો મોકલવી અને દિકરીને ત્યાં સંતાન અવતરે ત્યારે પિયર તરફથી આપવામાં આવતું ‘જીયાણું’ કરવા સુધીની બધી જ ફરજો મહેશભાઇ નિભાવે છે. એક સગો બાપ પણ ન આપી શકે એટલી ભેટ-સોગાદો ‘મહેશ પપ્પા’ એની દરેક દિકરીને આપે છે. 5 તોલાના સોનાના દાગીના, 12 જોડી કપડા અને ઘરવખરીની તમામ વસ્તુંઓ કરીયાવર તરીકે આપવામાં આવે છે.

બાપ વગરની કોઇ દિકરીને હવે ચિંતા નથી કારણકે એનું ધ્યાન રાખનારા ‘મહેશ પપ્પા’ છે. સંપતિ તો કેટલાય લોકો પાસે અઢળક હોય છે પણ મહેશભાઇની જેમ સંપતિનો સદઉપયોગ બહુ ઓછા લોકો કરી જાણે છે. માનવતાની મહેક સમાન મહેશભાઇને વંદન.

શૈલેષ સગપરીયા