લાગણીને હૃદયની જો ભાષા મળે, તો સંબંધોના સાચા ખુલાસા મળે:



રાત્રિનો દોઢ વાગ્યો હતો. ડો. રાવલ રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા. આટલી મોડી રાતે રિક્ષા મળશે કે કેમ એ વાતની ચિંતા એમના સામાન કરતાંયે વધારે વજનદાર હતી. આ માટેનાં કારણો એક કરતાં વધુ સંખ્યામાં હતાં, પણ એ બધાં યાદ કરવાનો અત્યારે સમય ન હતો. સમય હતો આશાવાદી બનવાનો અને જેમ બને તેમ જલદીથી રિક્ષાવાસી બનવાનો. એમણે ચહેરા પર મફલર વીંટાળ્યું અને એ બહાર નીકળ્યા.

બહાર આવીને જોયું તો એક જ રિક્ષા પડેલી હતી. ડ્રાઇવર ઊઘતો હતો, એને પકડીને હલબલાવ્યો. પેલો આંખો ચોળતો ઊભો થયો. ડોકટરે પૂછ્યું, ‘આના હૈ?’ ‘નહીં આના હૈ.’ રિક્ષાવાળાનો જવાબ કાન કરતાં મગજમાં વાગે તેવો હતો.

‘અરે ભાઇ, કમસે કમ ઇતના તો પૂછો કિ મુઝે કહાં જાના હૈ!’

‘કહીં ભી જાના હો, મુઝે નહીં આના હૈ. દો દિનસે સોયા નહીં હૂં. જાઇએ, કોઇ દૂસરી રિક્ષા ઢૂંઢ લીજિયે.’

‘મગર દૂસરી રિક્ષા કયું ઢૂંઢૂં? યે પહલીમેં કયા ખરાબી હૈ?’

રિક્ષાવાળાને લાગ્યું કે આ ઘરાક ઝટ છાલ નહીં છોડે. ‘બાબુજી, એક તો ઇતની સર્દી હૈ. રાત કે દો બજનેવાલે હૈ. ઉપરસે પૂરા શહર કૌમી દંગોમેં ફંસ ચૂકા હૈ. ઐસેમેં આપ કે સાથ કૌન જાયેગા?’

ડો. રાવલ સમજી ગયા. એ હવે ગુજરાતીમાં ઊતરી ગયા, ‘ભાઇ, તારા ન આવવાનાં જે કારણો છે એ જ કારણો તને આગ્રહ કરવાનાં છે. આટલી મોડી રાતે, આટલી ઠંડીમાં, આ રમખાણભરી હાલતમાં હું ચાલતો-ચાલતો કેવી રીતે ઘરે જઇશ? તું પૈસાની ફિકર ન કરીશ. કાયદા પ્રમાણે પણ હું રાતના અગિયાર પછી દોઢું ભાડું આપવા માટે બંધાયેલો છું.’

‘સા’બ, પૈસેકી તો બાત હી છોડીયે. દેઢ ગૂના રિક્ષાભાડા તો કૌન લેગા ઇસ વકત?’ ડ્રાઇવરે બગાસું ખાધું. સંકેત સ્પષ્ટ હતો: હવે ચાલતી પકડો! સમય બગાડયા વગર કૂચકદમ શરૂ કરો. પણ ડો. રાવલ મક્કમ હતા. એમને ખબર હતી કે દરેક માણસની એક કિંમત હોય છે. પૈસાનું આકર્ષણ લોહચુંબકના ખેંચાણ કરતાં પણ વધારે તીવ્ર હોય છે. એમણે છેલ્લો પાસો ફેંકી દીધો, ‘તારે જેટલા રૂપિયા લેવા હોય એટલા લેજે, બસ? હું મીટર પ્રમાણે ભાડું આપવાનો આગ્રહ નહીં રાખું.’ ‘મીટર કે હિસાબ સે જીતના કિરાયા હોગા ઉસ સે દસ ગુના જયાદા માગું… તો ભી આપ દે દેંગે?’ રિક્ષાવાળો વિચારમાં પડી ગયો.

‘હા, આપી દઇશ.’ આટલું કહીને ડો. રાવલ તો રિક્ષામાં ઘૂસી પણ ગયા. સામાનમાં એક હેન્ડબેગ હતી, એ એમણે સીટના ખાલી હિસ્સામાં ગોઠવી દીધું, ‘ઉપાડ હવે રિક્ષા. પંદર મિનિટનું તો કામ છે. ’ ડ્રાઇવરે હેન્ડલ ખેંરયું. રિક્ષા ચાલુ કરી. ઝાડની નીચેના કાળા ડિબાંગ અંધકારમાંથી એ પ્રકાશમય માર્ગ પર રિક્ષાને દોડાવવા લાગ્યો.

શહેર ઉપર દહેશતનો ઓછાયો પથરાયેલો હતો. માર્ગ ઉપર તૂટેલી ઇંટો, ફૂટેલા કાચ, લૂંટાયેલી દુકાનો અને બળતી ઝૂંપડીઓનાં દ્દશ્યો ભેંકાર ભાસતાં હતાં. હવામાં ધુમાડાની અને અશ્રુવાયુની મિશ્ર તીવ્ર દુર્ગંધ ફેલાયેલી હતી. રસ્તાની બંને બાજુએ પોલીસ અને બી.એસ.એફ.ના જવાનો પહેરો ભરતા ઊભા હતા.

આવા સૂનકારભર્યા માર્ગોપરથી પૂરપાટ વેગે રિક્ષા દોડાવતાં બે મજબૂર આત્માઓ પસાર થઇ રહ્યા હતા. સામાન્ય સંજોગોમાં અમદાવાદનો રિક્ષાવાળો શોર્ટકટ શોધતો હોય છે. મુખ્ય માર્ગને બદલે નાની-નાની ગલીકૂંચીમાંથી રિક્ષાને લઇ જવાનું એને ગમતું હોય છે. પણ અત્યારના સંજોગો જુદા હતા. મુખ્ય માર્ગોજ સલામત હતા. આખરે ઓટોરિક્ષા ડૉ. રાવલના વિસ્તારમાં પ્રવેશી. ડોકટર સાહેબ દિશાસૂચન કરતા ગયા, ‘આ તરફ… હવે ડાબા હાથે લઇ લે… અહીંથી જમણી તરફ… બસ, આ સફેદ રંગના ફલેટ્સ પાસે રિક્ષા ઊભી રાખી દે!’

‘આપ ઇધર રહતે હૈ?’ રિક્ષાવાળો ફલેટ્સનું નામ વાંચીને ગૂંચવાયો. ‘હા, ભાઇ! મારું રહેઠાણ આવી ગયું. તારો ખૂબ-ખૂબ આભાર. બોલ, કેટલા રૂપિયા આપવાના થાય છે મારે?’ ડો. રાવલે પેન્ટના ખિસ્સામાંથી પાકીટ કાઢયું. એમનો અંદાજ બસો રૂપિયા જેવો થતો હતો, પણ આ તો રિક્ષાવાળો કહેવાય. એ પણ પાછો અમદાવાદનો. ઘરાકની ગરજ જોઇને પાંચસો પડાવી લેતાં વિચાર ન કરે.

‘દાગતર સા’બ! આપને મુઝે પહેચાના નહીં. મૈં ભી આપકો પહેચાન નહીં સકા. બહોત સાલ બીત ગયે ના! ઇસલિયે પહેચાન નહીં પાયા. યે ફલેટ દેખા તો યાદ આ ગયા. આપકો કુછ યાદ આયા, સા’બ? મેરા નામ રામશરણ યાદવ. મેરી ઘરવાલી કા નામ સાવિત્રી. આજ સે પાંચ સાલ પહલે ઐસી હી એક રાતકો મૈં ઉસે લેકર દવાખાનમેં આયા થા…’

‘‘‘ યાદ આવી ગયું. ડો. રાવલને બધું જ યાદ આવી ગયું. એ પણ આવી જ એક મનહૂસ રાત હતી. આવું જ કોમી રમખાણ હતું. ડોકટર રાવલ દિવસભરના થાક પછીની ઘોર નિદ્રા માણી રહ્યા હતા, ત્યાં એમના નર્સિંગ હોમમાંથી ફોન આવ્યો.

‘સર, એક ગરીબ માણસ આવ્યો છે. એની પત્નીને લઇને. પેશન્ટની શારીરિક હાલત બહુ સારી નથી જણાતી. શું કરું?’ નર્સ પૂછી રહી હતી.

‘એને મ્યુનિસપિલ હોસ્પિટલમાં મોકલી આપ. આવા તોફાની વાતાવરણમાં આટલી મોડી રાતે દવાખાને પહોંચવામાં મને તકલીફ પડશે. અને દર્દીની હાલત જો એટલી બધી ગંભીર હોય તો એના માટે ખાનગી કરતાં જનરલ હોસ્પિટલ વધારે યોગ્ય રહેશે.’ ડો. રાવલે ફોન મૂકી દીધો.

દસ મિનિટ માંડ પસાર થઇ, કપાયેલી ઊઘનું અનુસંધાન ફરી પાછું જોડાય તે પહેલાં ફરીથી ફોનની ઘંટડી રણકી ઊઠી. નર્સિંગ હોમમાંથી જ ફોન હતો. નર્સ કહી રહી હતી, ‘સર, દર્દીનો પતિ ભાંગી પડયો છે. માંડ-માંડ એની ઘરવાળીને લઇને એ આપણા નર્સિંગ હોમ સુધી આવી શકયો છે. એની પાસે તો પૈસા પણ નથી…’ ‘આ વાત તારે મને પહેલાં કહી દેવાની હતી. તેં મને એ તો જણાવ્યું કે પેશન્ટની શારીરિક હાલત ગંભીર છે, પણ એની આર્થિક હાલત પણ ગંભીર છે એ મને ન કહ્યું! હું આવું છું.

ટેક ધી પેશન્ટ ઓન એકઝામિનેશન ટેબલ.’ રાત્રે બે વાગ્યે ડૉકટરે દર્દીની તપાસ કરી. પછી નિદાન કર્યું, ‘ઝેરી મેલેરિયા થયો છે. પી.ફાલ્સિપેરમ. દર્દી ભાગ્યે જ બચે તેમ છે. પતિ રડી રહ્યો, ‘કુછ ભી કિજીયે, દાગતર સા’બ! મગર સાવિત્રીકો બચા લિજીયે. મેરે તીન છોટે-છોટે બચ્ચે હૈં. આ એનું પહેલી વારનું રડવાનું હતું. એણે ખુદે કહ્યું, ‘જિંદગી મેં મૈં કભી રોયા નહીં, સા’બ! આજ પહલી બાર મૈં ટૂટ ગયા હૂં.’

ડૉ. રાવલે સાવિત્રીનો કેસ હાથમાં લીધો. એને વોર્ડમાં દાખલ કરી દીધી. તાત્કાલિક ગ્લુકોઝના બાટલા અને કિવનાઇનનાં ઇન્જેકશનો ચાલુ કરી દીધાં. બીજાં નાનાં-મોટાં ઇન્જેકશનો તો ખરાં જ. ઝેરી મેલેરિયા દર્દીના બચાવ માટે બહુ ઓછો સમય આપે છે. પહેલા ચોવીસ કલાક કટોકટીના ગણાય છે. માટે સાવિત્રીની સંભાળ નર્સના ભરોસે છોડી દેવાને બદલે ડો. રાવલ જાતે એના ખાટલા પાસે બેસી રહ્યા. ધીમે-ધીમે સાવિત્રીની સ્થિતિ સુધરતી ગઇ.

બોંતેર કલાક પછી તાવ ગયો. અશકિત હજુ પણ જેમની તેમ હતી. એને સંપૂર્ણપણે સાજા થતાં સાત દિવસ લાગી ગયા. અત્યાર સુધીની સારવારમાં સાવિત્રીના પતિએ એક કાણો પૈસો પણ ખરર્યોન હતો. બાટલા, નળીઓ, ઇન્જેકશનો તથા ખાટલાનો ચાર્જ બધું જ બાકી હતું. આઠમા દિવસે બિલ ચૂકવવાનો સમય નજીક આવ્યો, ત્યારે સાવિત્રીનો પતિ ડરતો, ધ્રૂજતો ડૉ. રાવલની સામે જઇ ઊભો, ‘સા’બ, કિતને રૂપયે દેને કે હૈ?’

‘આમ તો બિલ ઘણું મોટું થાય છે, પણ તું નવ હજાર રૂપિયા આપીશ તો પણ હું ચલાવી લઇશ.’ ‘સા’બ, મેરે પાસ તો સર્ફિ નૌ રૂપયે હૈ.’ ‘રહેવા દે, ભાઇ! નવ રૂપિયાથી મારુ કશુંય નહીં વળે, તારી તો એ કુલ મૂડી છે. લે, આ બસો રૂપિયા હું તને આપું છું. લઇ લે! એનાં દૂધ અને ફળો માટે કામમાં આવશે.’ ડૉ. રાવલે ખરેખર બસો રૂપિયા કાઢીને એ ગરીબ માણસના હાથમાં મૂકી દીધા. એ માણસ રડી પડયો. આ એનું બીજી વારનું રડવાનું થતું હતું. સાવિત્રીને લઇને ‘સત્યવાન’ ગયો. જતાં પહેલાં બંને જણાં ડૉકટરના ફલેટ પર જઇને પગે લાગી આવ્યાં. આજે પાંચ વર્ષ પછી ફરીથી એનો અને ડૉ. રાવલનો ભેટો થયો.

ડો. રાવલે ખિસ્સામાંથા પાકીટ કાઢયું, પૂછ્યું, ‘બોલ, ભાઇ! કેટલા આપું?’

‘કુછ ભી નહીં, સા’બ! કુછ ભી નહીં. આપને તો મેરી સાવિત્રી મુઝે વાપસ, દિલવાઇ હૈ. મેરી પત્ની કી જિંદગી બચાઇ હૈ. આપસે મેં પૈસે નહીં લે સકતા…’
અને રામશરણ રડી પડયો.
આ એનું ત્રીજી વારનું રુદન હતું. ‘

શીર્ષક પંકિત: બાલુ પટેલ

(-- શ્રી શરદ ઠાકર ની વાર્તા સંગ્રહ )