તમે એમના વર્તુળનાં કેન્દ્રમાં હો છો, પછી ભલે તમે ૪ વર્ષના હો કે ૪૦ના. તમારી તમામ પ્રવૃત્તિઓ પર એમની બાજ નજર હોય છે, તમને પડોશીના કયા છોકરાએ માર્યું ને કોણે તમને દિવાળીમાં પગે લાગવાના કેટલા રૂપિયા આપ્યા એ બધી જાણ એમને હોય. નૈતિક મૂલ્યો પણ એ લોકો જ શીખવાડે ને માર ખાઈને નહિ, મારીને આવવાનું એ પણ એ જ કહે. ભાઈબંધની લખોટી છૂપાઈને ઘરે લઇ આવવા આ લોકો જ લડે ને કોઈ તમને દગો દઈ જાય તો એને માફ કરતાં પણ એ જ શીખવે. તમારા ભાઈબંધ દોસ્તારો સાથે તમારાથી ય વધુ વાતો કરે ને તમારી બેનપણીના લગ્ન નક્કી થાય તો એને સાસરે કેટલા લોકો છે એની એમને બધી ખબર હોય. તમારા પહેલા બોલાયેલા શબ્દો, તમારા પહેલા ડગલાં, તમારી પહેલી કમાણી કે તમારો પહેલો ક્રશ - બધું એ લોકોને ખબર હોય છે કારણ કે તમે જ એમનાં વર્તુળનાં કેન્દ્રમાં હો છો. કદાચ એમનું વર્તુળ પણ તમે જ હો છો, તમારા મા બાપનું.....
એ વૃદ્ધ થવા માંડે છે, તમે એમનું કેન્દ્ર જરૂર હો છો પણ તમે એમને વર્તુળની બહાર મોકલી દો છો. હવે એમની બહેરાશ તમને અકળાવી મૂકે છે, એમને સંભળાતું નથી એમ કહીને વાતો કરતી વખતે તમારી વાતોમાં ગુસ્સાનો સૂર ભળવા માંડે છે. એમને બધું ભૂલાવા લાગે છે ને તમે એની ક્યારેક ક્યારેક હાંસી ઊડાવી લો છો, મહેમાનો આગળ એ એકની એક વાત કરે એની તમને શરમ આવવા માંડે છે, એમના કમરામાંથી આવતી આયોડેક્સ ને વિકસની વાસની તમને સૂગ ચડવા માંડે છે, એમને ચાલવામાં વાર થાય છે કહીને તમે એમને બહાર લઇ જવાનું માંડી વાળો છો, જમતી વખતે થતી વાર કે ધ્રૂજતા હાથોએ ખાવાનું ઢોળાય એને તમે અવગણવાનો પ્રયત્ન કરો છો, તમે સંપૂર્ણપણે કંટાળી જાઓ ત્યાં સુધી વૃદ્ધ માબાપ માંદગીની ફરિયાદો કરવા માંડે છે ને તમે આ બધું ચાલ્યા કરે એમ કહીને ટાળવાની કોશિશ કરો છો. તમે મા બાપની પાસે જરૂર હો છો પણ એના સ્પર્શથી દૂર....
ને તોય, ટાણે કટાણે ઊંઘમાંથી ઊઠીને એ તમે ઘરે આવ્યા કે નહિ એમ પૂછે છે, પોતાની થાળીમાં બચાવીને રાખેલી મિઠાઈ તમને ધરે છે, સંભળાતું ન હોવા છતાં તમારી સાથે ફોન પર લાંબી લાંબી વાતો કરે છે, તમારા જન્મદિને પોતાના કરચલીવાળા હાથ તમારે માથે મૂકીને ૧૦૦ વરસ જીવવાના આશીર્વાદ આપે છે...
ને અચાનક એ ચાલ્યા જાય છે, ઈશ્વરનો નિયમ છે એમ કહીને કે ચાલો છૂટ્યા જેવા વ્યવહારિક આશ્વાસનો તમે લેવા માંડો છો ને તમને ધ્રાસકો પડે છે જયારે તમને ખબર પડે છે કે હવે રાત્રે તમારી રાહ જોઇને કોઈ જાગતું નથી, તમારા જન્મદિને માથે મૂકાતો એ હાથ તમે મિસ કરવા માંડો છો, ખબર હોવા છતાં તમે એમના ફોનની રાહ જોવા માંડો છો, તમને તુંકારો પણ હવે કોઈ કરતું નથી, તમારી જિંદગીમાં જબ્બર શૂન્યાવકાશ સર્જાય છે, તમને કેન્દ્રમાં રાખીને જીવતી વ્યક્તિઓ હવે રહી નથી એ પ્રતિતી તમને ખતમ કરી નાખે છે.....
બરાબર એ જ સમયે તમારા સંતાનોએ તમને એમના વર્તુળથી પણ ધીરે ધીરે દૂર કરવા માંડ્યા હોય છે.......
- આરતી વ્યાસ પટેલ.