ડીવોર્સને એક વર્ષ પૂરું થયું..
ત્યારે એક યુવતીએ તેના ભૂતપૂર્વ પતિને પત્ર લખ્યો :-
"આજે આપણે છૂટા પડયા તેને એક વર્ષ થયું. છૂટા પડયા પહેલા આપણે પાંચ વર્ષ સાથે રહ્યા હતા. આપણે સાથે હતા તેમાં છેલ્લું વર્ષ આપણું ખરાબ રહ્યું. આપણા સંબંધો બગડયા. આપણે છૂટા પડયા".
આજે મારી સામે છૂટાછેડા પછીનું એક વર્ષ છે, છૂટાછેડા પહેલાનું ખરાબ સંબંધોનું એક વર્ષ છે ને તારી સાથે લગ્ન કર્યા પછીનું એક વર્ષ પણ મારી નજર સામે છે.હું વિચાર કરતી હતી કે આ ત્રણ વર્ષમાં કયુ વર્ષ યાદ રાખવું જોઈએ? હું મારા વિચારોથી ત્રણે વર્ષમાં પાછી ચક્કર મારી આવી.
તારી સાથેનું પહેલું વર્ષ કેટલું સુંદર હતું?
એવું લાગતું હતું કે જાણે આપણે જ એક-બીજાની જિંદગી છીએ. આપણે સરસ જીવ્યા અને પછી જીવવાનું ભૂલતાં ગયા. એક-બીજા ના વાંક શોધવા લાગ્યા અને અંતે છૂટા પડયા. છૂટાછેડા પછીના એક વર્ષમાં મેં તને ખૂબ ધિક્કાર્યો છે. તને નફરત કરી છે
..પણ ગઈકાલની એક ઘટનાએ મારી વિચારવાની દિશા જ બદલી નાખી. ગઈ કાલે હું આપણાં જૂના ફોટોગ્રાફસ કાઢીને બેઠી હતી. આપણે ફરવા ગયા હતાં એ બધી જ તસવીરો ફરીથી જોઈ. આપણું હસવું, આપણી મસ્તી અને એક-બીજામાં ખોવાઈ જવાની પલ. મેં વર્ષો પછી આ ફોટા જોયા આલબમ બંધ કર્યો ત્યારે વિચાર આવ્યો કે,
"આપણે કેવા વિચિત્ર છીએ સારી યાદોને આલબમમાં મઢાવીને રાખીએ છીએ અને ખરાબ યાદોને
દિલમાં સંઘરીએ છીએ!"
"સારી યાદોના આલબમને ભાગ્યે જ ખોલીએ છીએ અને દિલમાં ધરબેલી ખરાબ યાદોને રોજ ખોતરીએ છીએ"
એના કરતાં ઊલટું કરીએ તો?
સારી યાદોને દિલમાં રાખીએ અને ખરાબ યાદોને દફનાવી દઈએ! મેં આજે મારી બધી જ ખરાબ યાદોને દફનાવી દીધી છે. આ પત્ર હું તને એટલું કહેવા માટે જ લખું છું કે, હવેથી હું તને ક્યારેય નફરત નહી કરું. કદાચ હવે હું તને યાદ જ નહી કરું અને યાદ કરીશ તો પણ ખરાબ રીતે તો નહીં જ કરું! હું ખરાબ ક્ષણોને ભૂલી જાવ છું, તું પણ ભૂલી જજે અને તારી જિંદગીને સરસ રીતે જીવજે...
હા, અને છેલ્લી વાત. આજે હું એટલું શીખી છું કે,આપણે આપણા દિલને સારી યાદોનો બગીચો બનાવવો કે ખરાબ યાદોની કબર એ આપણે નક્કી કરવાનું હોય છે. આજે મેં એક કબર ઉખેડીને ફેંકી દીધી છે... મને બહુ હળવાશ લાગે છે.
યાદ એટલે?
સાથે ન હોવા છતાં સાથે રહેવું...
આપણા ભૂતકાળ થી મોટો મોટીવેટર , દુનિયા માં ક્યાંય નથી ,
પોતાના દરેક અનુભવ થી શીખતાં રહો, કેમકે તમારી જીંદગી માં ધરખમ ફેરફાર તમારા સિવાય દુનિયા નો કોઈ વ્યક્તિ નહીં કરી શકે...
"નદીમાં પડવાથી કોઈનું મૃત્યુ નથી થતું સાહેબ,
જીવ એટલા માટે જાય છે કે .......
પાણીમાં, તરતા નથી આવડતું"
"પરિસ્થિતિ ક્યારેય સમસ્યા બનતી નથી,
સમસ્યા એટલા માટે થાય છે કે ...
આપણને પરિસ્થિતિ સામે લડતા નથી આવડતુ".