*ગઝલ*
ગાઢ આલિંગનમાં લઈને ચૂમવાની હોય છે,
કોણ ક્હે છે જિંદગી બસ જીવવાની હોય છે !
જેની કિસ્મતમાં નથી છત કે દિવાલો એમણે,
એક બારી ખાસ અંદર ખોલવાની હોય છે.
સ્હેજ પણ ચચરે નહીં કે ડાઘ સુધ્ધા ના રહે,
ક્યાંક ઈચ્છા એ રીતે પણ બાળવાની હોય છે.
હોઠ,શબ્દો,મૌન,વર્તન,આંખ, કાગળ કે કલમ !
વાત પહેલાં ત્યાં સુધી પ્હોંચાડવાની હોય છે.
આ સફરમાં કૈં જ ઉંચકીને જવાનું છે જ ક્યાં ?
જાત જેવી જાત પણ ઓગાળવાની હોય છે.