તમે જો ના રહો તો પણ

*ગઝલ*

હ્રદય આખું નીચોવી આંખને ભરતો જ રહેવાનો,
તમે શું એમ માનો છો ! સમય સખણો જ રહેવાનો !

તમે માણો,વખોડો કે વખાણો ! ક્યાં ફરક એને,
તમે જો ના રહો તો પણ દિવસ ઉગતો જ રહેવાનો !

ઉંમર વધતાં બીજું લગભગ બધું ઘટશે જીવનમાં, પણ-
અનુભવ એક છે જે કાયમી વધતો જ રહેવાનો.

તમે જોયું નહીં ! એ લાગણી બેફામ ઉડાવે છે !
પછી શું થાય ? એ માણસ સદા કડકો જ રહેવાનો.

તમે,તું,આપણે,સૌ ને અમે... ભળશે બધે જગમાં;
ફકત એક 'હું' જ છે જે વિશ્વમાં અળગો જ રહેવાનો.

   ~ ડૉ.મનોજ જોશી 'મન'
          ( જામનગર )

જિંદગી *જીવવા જેવી* લાગે છે

*જિંદગી :*

*ત્યારે જિંદગી જીવવા જેવી લાગે છે...!!!*

ભરચક કામની વચ્ચે,
ઘરેથી ફોન કરીને કોઈ ‘ક્યારે આવે છે ?’ એવું પૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ગાલ પર પડતો ઉદાસીનો પહેલો વરસાદ,
કોઈ પોતાના પાલવથી લૂછે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈને કશું પણ કહ્યા વિના,
કોઈ આપણને પૂછે કે - "કેમ આજે ઉદાસ છે ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે હાથ પકડીને પાસે બેસીને કોઈ સમજાવે કે -
"તું મારા માટે 'ખાસ' છે !"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

સાંજ પડે સૂરજની જેમ આથમી ગયા હોઈએ...
અને ઘરનો દરવાજો 'દીકરી' ખોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

અંધારું ઊંચકીને ઘરે લાવીએ...
પણ રસોડામાંથી 'મમ્મી' નામનું અજવાળું બોલે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે ઉજાગરા વખતે કોઈ બાજુમાં બેસીને કહે- "ચાલ, હું તારી સાથે 'જાગું'  છું..."
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે સેલ્ફી પાડીને કોઈ મોકલે,
અને પ્રેમથી પૂછે કે - "કેવી લાગુ છું ?"
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

લોન ઉપર લીધેલી ખુશીઓના હપ્તા ગણતી વખતે,
કોઈ ખભા પર હાથ મૂકીને -
"ભરાઈ જશે" એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

ના પાડ્યા પછી પણ પરાણે પિકચરની ટીકિટ હાથમાં પકડાવી,
કોઈ નજીકનો ખાસ મિત્ર "ચાલને જોવા "
એવું કહે...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે વર્ષો જુનો મિત્ર ફોન કરીને કહે કે -
"ચાલને યાર, એક વાર પાછા 'મળીએ'... "
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

જ્યારે કોઈ સાંજે ઉદાસ હોઈએ,
ને આરતી ટાણે મંદિરમાં એક 'પ્રાર્થના' સાંભળીએ...
ત્યારે જિંદગી *જીવવા જેવી* લાગે છે !

બે ટંક અનાજ માટે ફૂટપાથ પર બેસીને,
'ફૂલો વેચતી' કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !

હોસ્પિટલના ખાટલા પર 'મૃત્યુ સામે' તલવારો ખેંચતી,
કોઈ બીજાની જિંદગી જોઈએ...
ત્યારે આપણી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!

*-ડૉ. નિમિત ઓઝા*

"આ આલેખન વાંચીને,
તમારા ચહેરા પર 'સ્મિત' આવી જાય...

ત્યારે મને મારી જિંદગી *જીવવા જેવી* લાગે છે !!!"

આશીર્વાદની તાકાત

લોકકથા

ખંભાતના વાણિયાની આ વાત છે.

એ મરવા પડ્યો ત્યારે પોતાના એકના એક દીકરા ધર્મપાળને બોલાવી તેણે કહ્યું: ‘બેટા, મારી પાસે કંઈ ધનમાલ નથી. મિલકતમાં હું  તને મારા આશીર્વાદ દેતો જાઉં છું કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જજો ! ’

દીકરાએ માથું નમાવી બાપના આશીર્વાદ ઝીલ્યા.બાપે સંતોષથી પ્રાણ છોડ્યા.

     હવે ઘરનો ભાર ધનપાળના માથે આવ્યો. તેણે એક નાનકડી હાટડી શરૂ કરી. ધીરે ધીરે તેની કમાણી વધતી ચાલી. તેણે ધંધાનો વિસ્તાર કરવા માંડ્યો. ધંધાના વિસ્તાર સાથે કમાણી પણ વિસ્તરી. ગામના શ્રીમંતોમાં એની ગણતરી થવા લાગી.

     એને ખાતરી હતી કે મારા પિતાના આશીર્વાદનું જ આ ફળ છે. પિતાએ આખી જિંદગી દુ:ખ વેઠ્યું, પણ ધીરજ ન ખોઈ, શ્રદ્ધા ન ખોઈ, પ્રમાણિકતા ન ખોઈ, તેથી એમની વાણીમાં બળ આવ્યું, તેમના આશીર્વાદ ફળ્યા, અને હું સુખી થયો.

     તેના મોઢે આવી વાત સાંભળી એક જણે કહ્યું: ‘તમારા પિતામાં આવી તાકાત હતી, તો એ પોતે કેમ કશું કમાયા નહિ ?’

  ધર્મપાળે કહ્યું:  ‘હું પિતાની તાકાતની વાત નથી કરતો, પિતાના આશીર્વાદની તાકાતની વાત કરું છું.’

    આમ જ્યારે ત્યારે એ બાપના આશીર્વાદના ગુણ ગાતો, તેથી લોકો મશ્કરીમાં તેને ‘બાપનો આશીર્વાદ’ કહી બોલાવતા. ધનપાળને એથી ખોટું લાગતું નહિ, એ કહેતો કે બાપના આશીર્વાદને લાયક નીવડું એટલે બસ.

     આમ વર્ષો વીત્યાં. ધનપાળનો વેપાર ખૂબ વધ્યો. એનાં વહાણો દેશદેશાવર ફરતાં અને માલની લેવેચ કરતાં. એની કમાણીનો પાર ન હતો.

     એકવાર એને થયું કે આમ વેપાર રોજગારમાં નફો જ નફો થયા કરે એ સારું નહિ, કોઈ વાર નુકસાનનો પણ અનુભવ કરવો જોઈએ. એણે એક મિત્રને કહ્યું: ‘દોસ્ત, કંઈ નુકસાનનો ધંધો બતાવ !’

 મિત્રને થયું કે આને ધનનો મદ ચડ્યો  છે; એ એવું સમજે છે કે થઈ થઈને મને શું નુકસાન થવાનું છે? કાનખજૂરાનો એક પગ ભાંગ્યો તોય શું? તો હવે એને એવો ધંધો દેખાડું કે ઊંધે માથે ખાડામાં પડે.

     તેણે કહ્યું: ‘તો એમ કર ! વહાણમાં લવિંગ ભરી ઝાંઝીબાર વેચવા જા ! અવશ્ય એ ધંધામાં તને ખોટ જશે.’

    ધર્મપાળને આ વાત બરાબર લાગી. ઝાંઝીબાર તો લવિંગનો દેશ, ત્યાંથી લવિંગ ભારતમાં આવે ને દશબાર ગણા ભાવે વેચાય. એ લવિંગ ભારતમાંથી ખરીદી ઝાંઝીબાર વેચવા જવું એટલે સીધી જ પાયમાલી.

    ધર્મપાળે નક્કી કર્યું કે નુકસાનનો આ અનુભવ પણ લેવો. એટલે ભારતમાંથી મોંઘા ભાવે લવિંગ ખરીદી વહાણ લઈ તે ઝાંઝીબાર ગયો.

ઝાંઝીબારમાં સુલતાનનું રાજ્ય હતું. ધર્મપાળ વહાણમાંથી ઊતરી રેતીના લાંબા પટમાં થઈને બીજા વેપારીઓને મળવા જતો હતો. ત્યાં સામેથી આવતા સુલતાન એને મળ્યા. ખંભાત બંદરથી આવેલા વેપારીને જોઈ સુલતાને તેમનો આદર કર્યો.

  ધર્મપાળે જોયું તો સુલતાનની સાથે સેંકડોની સંખ્યામાં સિપાઈઓ હતા. એ સિપાઈઓના હાથમાં ભાલા, તલવાર કે બંદૂક નહિ, ચાળણીઓ હતી ! એ જોઈ ધર્મપાળને નવાઈ લાગી. તેણે સુલતાનને વિનયપૂર્વક આનું કારણ પૂછ્યું.

    સુલતાને હસીને કહ્યું: ‘વાત એમ છે કે આજે સવારે હું આ સમુદ્ર તટ પર ફરવા આવેલો. ફરતાં ફરતાં મારી આંગળીએથી એક વીંટી ક્યાંક નીકળી પડી. રેતીમાં વીંટી ક્યાં ગરી ગઈ એની ખબર પડી નહિ. રેતી ચાળી એ વીંટી શોધવા હું આ સિપાઈઓને અહીં લઈ આવ્યો છું.’

ધર્મપાળે કહ્યું: ‘વીંટી બહુ કીમતી હશે.’

સુલતાને કહ્યું: ‘ના, એનાથી ઘણી વધારે કીમતી વીંટીઓ મારી પાસે છે. પણ આતો એક ફકીરના આશીર્વાદની વીંટી છે. હું માનું છું કે મારી સલ્તનતનો પાયો એ આશીર્વાદ છે. એટલે મારે મન એ વીંટીનું મૂલ્ય સલ્તનત કરતાંયે વધારે છે.’

    આટલું કહી સુલતાને કહ્યું:  ‘ બોલો, શેઠ, આ વખતે શું માલ લઈને આવ્યા છો ?’

    ધર્મપાલે કહ્યું: ‘લવિંગ.’

    ‘લવિંગ ?’ સુલતાનની નવાઈનો પાર ન રહ્યો. ‘આ લવિંગના દેશમાં તમે લવિંગ વેચવા આવ્યા છો? કોણે તમને આવી મતિ આપી ? નક્કી એ કોઈ તમારો દુશ્મન હશે. અહીં તો એક પૈસામાં મૂઠો ભરીને લવિંગ મળે છે. અહીં તમારા લવિંગનું શું ઉપજશે?’

    ધર્મપાળે કહ્યું: ‘મારે એ જ જોવું છે. લાખોની ખોટ ખાવા માટે જ હું અહીં આવ્યો છું. આજ લગી જે ધંધો મેં કર્યો તેમાં મને હંમેશાં નફો જ થયો છે; મારા બાપના આશીર્વાદનું એ ફળ છે. એ આશીર્વાદ આજે અહીં કેવી રીતે કામ કરે છે તે મારે જોવું છે.’

  સુલતાને કહ્યું: ‘બાપના આશીર્વાદ ? એ વળી શું?’

    ધર્મપાળે કહ્યું:  ‘મારા બાપ ગરીબ હતા. આખી જિંદગી તેમણે પ્રમાણિક્પણે કામ કર્યું હતું. પણ કદી બે પાંદડે થયા નહોતા. મરતી વખતે તેમણે ભગવાનનું નામ લઈ મારા માથા પર હાથ મૂકી મને આશીર્વાદ આપ્યા હતા કે તારા હાથમાં ધૂળનું સોનું થઈ જશે ! ’

    બોલતાં બોલતાં જુસ્સામાં આવી તેણે નીચા નમી મૂઠો ભરી સમુદ્રતટની રેતી લીધી ને ચાળણીની પેઠે આંગળાંમાંથી રેતી નીચે ઝરવા દીધી, તો–

    એની નવાઈનો પાર ન રહ્યો.

એના હાથમાં હીરાજડિત સોનાની વીંટી હતી !

    એ જ પેલી સુલતાનની ખોવાયેલી વીંટી !

 વીંટી જોઈ સુલતાન ખુશ ખુશ થઈ ગયો. તે બોલી ઊઠ્યો: ‘વાહ ખુદા, તારી કરામતનો પાર નથી ! તું બાપના આશીર્વાદને સાચા પાડે છે !’

ધર્મપાળે કહ્યું: 'ફકીર ના આશીર્વાદને પણ એ જ સાચા પાડે છે !’

સુલતાન હેતથી ધર્મપાળને ભેટી પડ્યો. કહે: ‘માગ, માગ, માગે તે આપું.’

    ધર્મપાળે કહ્યું: ‘આપ સો વર્ષના થાઓ અને રૈયતનું રૂડી રીતે પાલન કરો—એ સિવાય મારે બીજું કંઈ ન જોઈએ.’

સુલતાન અધિક ખુશ થયો. તેણે કહ્યું: તમારો બધો માલ હું મુદ્દલ કરતાં બમણી કિંમતે રાખી લઉં છું.’

બોધ : જો નીતિ સાચી અને માતા પિતા ના આશીર્વાદ હોય તો દુનિયા માં કોઈ ની તાકાત નથી તમને ક્યાંય પાછળ પાડે......

બસ રસ્તામાં છું'.....

તું આટલી ધખધખતી લાગણીઓ ના મોકલ...
             સળગતા કાગળને
            ઠારવા અશ્રુ ખૂટી પડે છે..

થઇ જશે બધી ઊંઘ પૂરી જયારે અનંતની વાટ પકડશું,
            માંડ માંડ મળ્યા છે દોસ્તો,
            થોડા ઉજાગરા કરવા દે,

નથી કરવા નફા-નુકસાનના સરવાળા બાદબાકી,
           આજ મળી છે ખુશી,
          મને એના ગુણાકાર કરવા દે,

મળી જેમને હું મારું અસ્તિત્વ પણ ખોઈ બેસું છું,
            એવા મિત્રોમાં મને તારો
             સાક્ષાત્કાર તો કરવા દે,

તારા દરબારમાં ખબર નથી કેવી હશે જિંદગીની મજા ઈશ્વર,
     પણ આજ તો જામી છે,
    અહીં સ્વર્ગની રંગત, માણવા દે,

અંતે તો તારા જ શરણમાં આવવું છે હે ઈશ્વર,
         આજ મળેલા દોસ્તો સાથે
          થોડી ગુફ્તગુ તો કરવા દે,

સાંભળ્યું છે બહુ લાંબી સફર હોય છે અનંતની યાત્રાની,
        મને રસ્તે વાગોળી શકું એટલું
         ભાથું તો બાંધવા દે.

કૈંક મજાનાં ગીતોમાં છું,
                       ટહુકામાં છું,
બીજા શબ્દોમાં કહું તો...
                       બસ જલસામાં છું.

ક્યારેક ઇશ્વર ફોન.
                  કરી પૂછે..
'ક્યાં પહોંચ્યા ? '

હું કહું છું કે..
            'આવું છું,
બસ રસ્તામાં છું'.....

ખોવાય છે....

💦 ,,, *મારી માં*

કંઈક તો ખોવાય  છે  ...
આજે પણ સવારે આંખો ખુલે ત્યારે ,લાગે ઘર મા કઈ ખોવાય છે?

આમ તેમ નજર કરૂં તો લાગે,
નાહવા નો રૂમાલ ખોવાયો કે ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાય છે.
નજર પડી તો, ના રૂમાલ કે ના ઈસ્ત્રી મા અાપેલા કપડાં ખોવાયા,
પછી ખબર પડી કે એ યાદ કરાવતો અવાજ જ  ખોવાય છે.

લાગે છે ઘર મા કોઈ જગ્યા ખાલી છે ?
વિચાયું કે સોફા  કે પલંગ મા જગ્યા ખાલી છે , જઇ ને જોયું તું ના સોફા કે , ના પલંગ ખાલી છે.
ખબર  પડી  તો યાદ આવ્યું કે,
એની ઉપર બેસનારું  કોઇ  ખોવાય છે.

લાગે છે ઘર ના રસોડા મા કંઈ રંધાય  છે ?
શ્વાસ લઈ ને જોયું તો લાગ્યું ગાજર નો હલવો  છે કે દુધી નો હલવો રંધાય છે .
જઈ ને જોયું તો ના ગાજર કે ના દૂધી નો હલવો રંધાય છે. ખબર પડી તો યાદ આવ્યું કે, એને બનાવનાર જ  ખોવાઇ  છે.

લાગે છે આજ કાલ એક બે રોટલી ઓછી ખવાય છે! ધ્યાન આપ્યું તો રોટલી એટલી જ ખવાય છે ,
પણ હજુ એક ખવાય એવું કહેનારૂં ખોવાય છે.

લાગે છે ઘર ની બહાર ફોન નું નેટવર્ક ઓછું પકડાય છે.
ફોન મા જોયું તો નેટવર્ક ફુલ પકડાય છે, ખબર પડી તો યાદ આવ્યું કે ,
"ઘરે કેટલા વાગે આવીશ" વારે વારે એવો ફોન કરનાર ખોવાય છે .

લાગે છે આજ કાલ પપ્પા એકલા જ ફરવા જાય છે.
યાદ આવ્યું  તો ખબર પડી કે "મને લઇ ને જાવ" એવું કહેનારૂં ખોવાય છે.

લાગે ઘર મા એક ઓશીકું ખોવાય છે
નજર કરી તો ઓશિકાઓ ત્યાં  જ છે,પણ જે ખોળામાં  સુઈ ને દુનિયા ભુલાય એ ખોળો ખોવાય છે .

લાગે આજ કાલ કાન માં  ઓછું સંભળાય છે.
ખાતરી કરી ને જોયું તો દૂરની બૂમ પણ સાંભળાય  છે, ખબર પડી તો યાદ આવ્યું "બેટા બેટા કહીને બોલાવતી ખોવાય છે.

સપના માં  લાગે છે મારી દુનિયા ખોવાય છે
આજે એક વર્ષ પછી પણ આંખ ખોલી ને જોવું તો , "મારી માં" જ  ખોવાય છે

💦 ,,,

કર ભલા હોગા ભલા

કર ભલા હોગા ભલા

સોશિયલ મીડિયા ફંફોળતાં એક કિસ્સો ચીનના પ્રેસિડેન્ટ ઝી (લી) જિનપિંગના નામે વાંચવામાં આવ્યો. મૂળભૂત રીતે આ વાત અંગ્રેજીમાં કહેવાઈ છે અને પ્રેસિડેન્ટ જિનપિંગના શબ્દોમાં વર્ણવાઇ છે. તેમના પોતાના જ કથન મુજબ –

હું જ્યારે નાનું બાળક હતો, સ્વભાવગત રીતે ઘણો સ્વાર્થી હતો અને હમ્મેશાં મારી નજર સારામાં સારું આંચકી લેવા પર રહેતી.

મારા આ સ્વભાવને કારણે ધીરે ધીરે બધા મારાથી દૂર થતા ગયા. મારે કોઈ મિત્રો નહોતા. આમ છતાંય મને લાગતું કે મારો તો કોઈ વાંક જ નથી અને હું હમ્મેશાં બીજાની ટીકા કરતો રહેતો.

મારા પિતાશ્રીએ ત્રણ વાક્યોમાં અનુકૂળ દાખલાઓ સાથે આ પરિસ્થિતીમાંથી મને બહાર કાઢ્યો.

એક દિવસે મારા બાપાએ બે બાઉલ્સ (વાડકા) નૂડલ્સ રાંધ્યા અને તેમણે જુદા જુદા વાડકામાં ભરીને ટેબલ પર મૂક્યા. એક વાડકામાં નૂડલ્સની ઉપર ઈંડું પણ હતું જ્યારે બીજામાં કંઇ જ નહોતું.

તેમણે મને આ બેમાંથી એક વાડકો પસંદ કરવા કહ્યું.

એ કાળખંડમાં ઈંડાં બહુ સરળતાથી મળતાં નહોતાં અને એટલે મેં જેમાં નૂડલ્સની ઉપર ઈંડું મૂકવામાં આવ્યું હતું એ વાડકો પસંદ કર્યો.

મારી પસંદગી માટે હું મારી જાતની પીઠ થાબડતો હતો કે મેં કેવું સરસ પ્રાપ્ત કર્યું. અને એ સાથે જ સૌથી પહેલાં ઈંડું ઝાપટી ગયો.

મારા આશ્ચર્ય વચ્ચે મારા બાપાએ લીધેલ વાડકો જેમાં નૂડલ્સની ઉપર ઈંડું નહોતું તેમાં તળિયેથી બે ઈંડાં નીકળ્યા જે નીચે ઢંકાયેલાં હતાં.

આ જોઈને મેં મારી જાતને કામ વગરની ઉતાવળ કરવા માટે ઠપકો આપ્યો.

મારા પિતાજી મારા મનોભાવ કળી ગયા અને એક સ્મિત કરતાં કહ્યું, “જે તારી આંખ જુએ છે તે સાચું જ હોય તે જરૂરી નથી.”

બીજા દિવસે ફરી એકવાર એમણે બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. આ બંને વાડકામાં નૂડલ્સ ભરીને જ્યારે ટેબલ પર મૂક્યા ત્યારે ફરી એકવાર એક વાડકામાં નૂડલ્સ ઉપર ઈંડું હતું જ્યારે બીજામાં નહોતું. અગાઉના અનુભવને આધારે મેં આ વખતે ઈંડા વગરનો વાડકો પસંદ કર્યો.

પણ...

મારા આશ્ચર્ય વચ્ચે જોયું તો આ વખતે વાડકામાં તળિયે એક પણ ઈંડું નહોતું.

પિતાજીએ ફરી સ્મિત કર્યું અને મને કહ્યું, “અરે બેટા ! માણસે હમ્મેશાં ભૂતકાળના અનુભવ ઉપર આધાર રાખીને જ નહીં ચાલવું જોઈએ. કારણ કે ક્યારેક આવું કરવા જતાં જિંદગી તમને છેતરી જાય છે અથવા તમારી સાથે કોઈક રમત રમાઈ જાય છે !

કોઈ પણ પ્રકારની પરિસ્થિતીમાં નારાજ અથવા નિરાશ નહીં થવું, જે અનુભવ મળે તે ગાંઠે બાંધવો કારણ કે આ પ્રકારનું જ્ઞાન પુસ્તકોમાંથી મળતું નથી.”

ત્રીજા દિવસે મારા બાપાએ ફરી એકવાર બે વાડકા ભરીને નૂડલ્સ રાંધ્યા. ફરી એ ટેબલ પર મુકાયું ત્યારે એકના મથાળે ઈંડું હતું જ્યારે બીજાના મથાળે ઈંડું નહોતું.

એમણે મને જે જોઈએ તે વાડકો પસંદ કરવા કહ્યું.

પણ આ વખતે મેં શાણપણ દાખવ્યું અને મારા બાપને કહ્યું, “તમે પહેલાં પસંદ કરી લો. કારણ કે તમે કુટુંબના વડા છો અને કુટુંબ માટે ઘણું બધું વેઠો છો.”

મારા બાપાને આ સાંભળી આનંદ થયો અને એમણે મારા માટે એક વાડકો પસંદ કર્યો.

એમણે મથાળે ઈંડું હતું એ વાડકો પસંદ કર્યો પણ જેવુ મેં મારા ભાગમાં આવેલ વાડકામાંથી નૂડલ્સ ખાવાનું પૂરું કર્યું તેઓ મારા અત્યંત આશ્ચર્ય વચ્ચે એ વાડકાના તળિયે બે ઈંડાં હતાં !

મારા બાપાએ મારા સામે સ્મિત કર્યું અને અત્યંત પ્રેમપૂર્વક કહ્યું, “દીકરા ! જ્યારે તમે બીજાનું ભલું વિચારો છો ત્યારે સ્વાભાવિક રીતે જ તમારી સાથે પણ પણ સારી ઘટનાઓ બને છે.”

અંતમાં લી જિનપિંગ લખે છે, મેં હમ્મેશાં આ ત્રણ વાક્યો –

એક – જે તમારી આંખ જુએ છે તે સાચું હોય જ એ જરૂરી નથી, જો તમે લોકોનો લાભ ઉઠાવવા જશો તો છેવટે તમે પણ ગુમાવશો.

બીજું – હમ્મેશાં માત્ર અનુભવ પર જ આધાર રાખવાનું ન રાખો. અનુભવને શીખવા માટેના દિશાસૂચક તરીકે રાખો કારણ કે આવું જ્ઞાન કોઈ પુસ્તકમાંથી નહીં મળે.

અને છેલ્લે તમે જ્યારે બીજાનું ભલું ચાહો છો ત્યારે તમારું પણ ભલું થાય છે એટલે કે કર ભલા હોગા ભલા !!