કેટલીક એવી ઘટનાઓ

🌺એક શિક્ષક પીરીયડ લેવા માટે વર્ગખંડમાં દાખલ થયા. શિક્ષકને જોતા જ વિદ્યાર્થીઓના ચહેરા ખીલી ઉઠ્યા કારણકે એ શિક્ષક વિદ્યાર્થીઓના સૌથી પ્રિય શિક્ષક હતા. શિક્ષકના હાથમાં એક પાણી ભરેલો ગ્લાસ હતો. આ ગ્લાસ વિદ્યાર્થીઓને બતાવીને પુછ્યુ, " આ ગ્લાસનો વજન કેટલો હશે ? "

બધા વિદ્યાર્થીઓએ જુદા-જુદા જવાબો આપ્યા. શિક્ષકે બીજો પ્રશ્ન પુછ્યો, " આ ગ્લાસને હું થોડી મીનીટ મારા હાથમાં પકડી રાખુ તો શું થાય ? " એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર, આટલા નાના ગ્લાસને થોડીવાર પકડી રાખવાથી કંઇ જ ન થાય."

સાહેબે આગળનો સવાલ પુછ્યો, " હું આ ગ્લાસને થોડા કલાક માટે પકડી રાખુ તો ? " બીજા એક વિદ્યાર્થીએ જવાબ આપ્યો, " સર, તો પછી તમારા હાથમાં દુ:ખાવો શરુ થાય." શિક્ષકે વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ આગળ ચલાવતા કહ્યુ, " પણ, હું આ ગ્લાસને આખો દિવસ પકડી રાખુ તો ? " એક છોકરો ઉભો થઇને બોલ્યો, " સર તો પછી તમને દવાખાને દાખલ કરવા પડે." છોકરાનો જવાબ સાંભળીને આખો ક્લાસ હસી પડ્યો.

શિક્ષકે કહ્યુ, " આ સમય દરમિયાન ગ્લાસના વજનમાં કોઇ વધારો થાય ? " એક છોકરાએ બહુ સરસ જવાબ આપ્યો , " ના સર, ગ્લાસનું વજન ન વધે પણ એને પકડી રાખવાથી હાથનો દુખાવો ચોક્કસ વધે. આ દુ:ખાવામાંથી મુક્ત થવુ હોય તો ગ્લાસને હાથમાં પકડી રાખવાના બદલે ટેબલ પર મુકી દેવાય"

શિક્ષકે વિદ્યાર્થીઓને કહ્યુ, " દોસ્તો, જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ આ ગ્લાસ જેવી જ છે જો એને પકડી રાખીએ તો દુ:ખાવો સતત વધતો જાય અને જો એને નીચે મુકતા શીખીએ તો રાહત થાય."

જીવનમાં બધુ આપણને ગમે એવુ જ ના બને કેટલીક એવી ઘટનાઓ પણ બને જે ના ગમતી હોય. આવી ઘટનાને થોડો સમય પકડી રાખીએ ત્યાં સુધી વાંધો નહી આવે પણ જો યોગ્ય સમયે નીચે મુકતા નહી આવડે તો દુ:ખી થવા સીવાય બીજો કોઇ ઉપાય નથી
🌺skr🌺