સ્વર્ગ અને નરક હાજરાહાજૂર છે !
એક સમ્રાટને સ્વર્ગ જોવાની ઈચ્છા જાગી. નરક નિહાળવાની તાલાવેલી થઈ. એણે સ્વર્ગ અને નરકની વાતો તો ઘણી સાંભળી હતી, પણ વાતોથી એ સંતુષ્ટ થયો નહોતો, કારણ કે કોઈ સ્વર્ગને અમુક પ્રકારનું બતાવે તો કોઈ વળી જુદા જ પ્રકારનું કહે. એવું જ નરકની બાબતમાં પણ બન્યું.
જે કોઈ સાધુ, સંત, મહાત્મા કે ફકીર મળે એ સહુને સમ્રાટ પૂછે છે કે મારે સ્વર્ગ અને નરક પ્રત્યક્ષ જોવાં છે. તમે તો જ્ઞાન અને ધ્યાનમાં પારંગત છો, એની મદદથી મને આ સ્વર્ગ અને નરક બતાવો. મહાત્માઓની મુશ્કેલી વધી ગઈ. એમણે સ્વર્ગ અને નરકની વાતો તો ઘણી કરી હતી, પણ કદીય નજરોનજર નિહાળ્યાં નહોતાં.
સમ્રાટને ખબર મળી કે એના નગરની બહાર એક ઝેન ફકીર આવ્યા છે. કહે છે કે એમની પાસે સાધનાથી મેળવેલી અદ્ભુનત સિદ્ધિઓ છે. સમ્રાટ ઝેન ફકીરને સામે ચાલીને મળવા ગયો અને કહ્યું કે આપ મને સ્વર્ગ અને નરક બતાવો. એની વાતો સાંભળીને તો હું ધરાઈ ચૂક્યો છું, પણ હવે આ વાત નજરોનજરમાં રૂબરૂ કરવી છે.
ફકીરે કહ્યું : “તને જરૂર બતાવું.” અને આટલું બોલી ફકીરે સમ્રાટને કહ્યું, “ભલે તું મોટા રાજનો સમ્રાટ હોય, પણ તેં તારા અસલી ચહેરાને કદી અરીસામાં જોયો છે ખરો? તારા જેવા કદરૂપા ચહેરાવાળો બિહામણો માનવી મેં ક્યાંય જોયો નથી. તારા ચહેરા પર માખીઓ બણબણે છે, તને જોઈને મને સૂગ ચડે છે. ચાલ હટી જા, મારા રસ્તામાંથી.”
સમ્રાટના ક્રોધનો જ્વાળામુખી ફાટી ઊઠ્યો. એની આંખો અંગારા વરસાવવા લાગી. હોઠ ક્રોધથી ફફડવા માંડ્યા. મનમાં ગુસ્સો ફૂંફાડા મારવા લાગ્યો અને મ્યાનમાંથી તલવાર કાઢીને એ ફકીરનું ડોકું ઉડાડી દેવા માટે તલવાર વીંઝવાની તૈયારી કરતો હતો, ત્યાં જ ફકીરે કહ્યું, “સમ્રાટ ! બસ, આ જ છે નરક. જોઈ લે, તારી જાતને અરીસામાં અને તને નરકનો અહેસાસ મળી જશે. આંખોમાં ક્રોધ, અંતરમાં અપમાન અને મનમાં સતત સળગતી તારી બદલો લેવાની ભાવના. બસ, આને જોઈશ એટલે તને નરક નજરોનજર દેખાશે.”
સમ્રાટ શાંત થયો. સ્વસ્થ થયો. પસ્તાવો થયો અને ધીરેધીરે એના ચહેરા પર બળબળતા ક્રોધના સ્થાને હાસ્યની હસમુખી લકીર પથરાઈ ગઈ. પેલા ફકીરે કહ્યું, “બસ જોઈ લે. આ જ છે સાચું સ્વર્ગ.”
સમ્રાટ ફકીરના ચરણોમાં નમી પડ્યો. આમ સ્વર્ગ અને નરક એ ક્યાંય બહાર નથી, કિંતુ માનવીના અંતરમાં છે. મોટા ભાગના માનવી સતત મોટા સ્વર્ગ અને નરકની વચ્ચે આંટાફેરા મારતા હોય છે. ઘણા માત્ર નરકમાં વસતા હોય છે અને કોઈ વિરલા જ જીવનમાં સાચા સ્વર્ગને પામતા હોય છે.