ભૂમિપુત્ર’ સામાયિકમાંથી સાભાર
‘જો દે ઉસકા ભી ભલા, જો ના દે ઉસકા ભી ભલા.’ એક ભિખારી ગળું ફાડીને બોલ્યે જતો હતો. તો વળી સહન ન થઈ શકે એટલા કર્કશ સ્વરમાં એક દંપતી ગાતું ગાતું આગળ વધી રહ્યું હતું-
‘ગરીબોં કી સુનો, વો તુમ્હારી સુનેગા…..’
પાણીનાં પાઉચ વાળો, વડા-પાઉં વાળો, ચાંદલા, પીન-બક્કલ વેચવાવાળી – આ બધા ઠસોઠસ ભરેલા ડબ્બાની ભીડમાં ઉમેરો કરતા હતા. એક તો કાળ-ઝાળ ગરમીના દિવસો, એમાં શ્વાસ ન લઈ શકાય એટલા ખીચોખીચ ભરાયેલા મુસાફરો અને પસીનાની તીવ્ર, નાકમાં ઘૂસી જાય એવી ગંધ. સારંગને અકળામણ થતી હતી. સતત હાલક-ડોલક થયા કરવું પડે એવી પરિસ્થિતિમાં આજે નવી જ ખરીદેલી ગિટાર સાચવવી એ મુશ્કેલ કામ તો હતું પણ બે-એક સ્ટેશન ગયા પછી થોડી બેસવાની જગ્યા મળી એટલે જરા રાહત લાગી. અત્યાર સુધી ખભે ભરાવી રાખેલી ગિટાર હવે એણે ખોળામાં લીધી.
‘આ ભિખારડા, જ્યારે જુઓ ત્યારે ભીખ માગવા નીકળી જ પડ્યા હોય.’ બાજુમાં બેઠેલા મુસાફરે હૈયાવરાળ ઠાલવી. આવી રસપ્રદ વાતને અનુમોદન ન મળે એવું કંઈ બને ? એમની વાતમાં એક પછી એક સૂર ઉમેરાતા ગયા, ‘સાવ સાચી વાત છે તમારી. કામ-ધંધો કંઈ નહીં ને હરામના રોટલા ખાવા છે.’
‘આટલી ગિરદીમાં આપણને એક પગ પર ઊભા રહેવાની જગ્યા માંડ મળે પણ આ જમાત કેવી રીતે પોતાને માટે જગ્યા કરી લે છે, કોણ જાણે !’ બીજાએ પોતાને સતાવતો પ્રશ્ન રજૂ કર્યો.
અત્યાર સુધી ચૂપ બેઠેલા એક ભાઈએ જ્ઞાન પ્રદર્શિત કરવાની તક ઝડપી લીધી, ‘અરે ભલા માણસ, આ તો બધા ચોર. જેમ ભીડ વધારે એમ એ લોકોને પાકીટ તફડાવવાનું વધુ સારું પડે.’
સારંગ બધાની વાતો સાંભળ્યા કરતો હતો. એને થયું, કશી લેવા-દેવા વગર મારે શા માટે આ નકામી ચર્ચામાં ઝંપલાવવું જોઈએ ? ગિટાર સાથે મળેલી નોટેશન્સની ચોપડી કાઢીને એ વાંચવામાં મશગૂલ થઈ ગયો. મુસાફરોની, ફેરિયાઓની અને ભીખ માગવા વાળાઓની અવર-જવર ચાલુ જ હતી. એમાં વળી તાબોટા પાડતાં પાવૈયાઓ આવી પહોંચ્યા એટલે લોકોનું ધ્યાન એ તરફ ગયું. દસ-બાર વર્ષના લાગતા બે છોકરાઓ ‘પાઈ-પૈસો આપો માઈ-બાપ, બે દિવસથી ભૂખ્યા છીએ’ એમ બોલતા પૈસા ઉઘરાવતા હતા. એમાંથી એકનો ધક્કો લિજ્જતથી ચા પી રહેલા કાકાને લાગ્યો. કાકાનો પિત્તો ગયો.
‘કેમ દેખાતું નથી ? આંધળો છે ? આ મારાં કપડાં પર ચા ઢોળાઈ એના ડાઘા કોણ, તારો બાપ કાઢશે ?’
સારંગે નજર કરી તો કાકાનાં કપડાં પર ક્યાંય ચાના ડાઘ દેખાતા નહોતા. હા, થોડીક અમથી ચા ઢોળાઈ હતી જરૂર. પણ એ તો ટ્રેનની ફર્શ પર. એક જુવાનિયાએ મજાક કરતા કહ્યું, ‘કાકા, ગુસ્સો ન કરો. હવે તો આવું જ ચાલવાનું. આ તો આપણા હિન્દુસ્તાનનું ભાવિ છે, મેરા ભારત મહાન.’ આસપાસના સૌ હો હો કરતા હસી પડ્યા. ત્યાં જ છ-સાત વર્ષની એક બાલિકા બેએક વર્ષના લાગતા એના ભાઈને કાખમાં ઘાલીને આવી પહોંચી. ચીંથરેહાલ ફ્રોક, સુગરીના માળા જેવા વાળ અને દયામણા ચહેરાવાળી એ છોકરીએ તેડેલા ભાઈને બટન વગરનો અને ફાટેલો બુશ્કોટ ભલે પહેરાવ્યો હતો પણ ચડ્ડીનો વેત નહીં થયો હોય એટલે નાગોપૂગો જ હતો.
‘ચાલો, આજે વળી નવા કલાકારની એન્ટ્રી થઈ.’ રોજ અપ-ડાઉન કરનાર પેસેન્જરે કહ્યું. આમ તો સારંગ પણ છ મહિનાથી આ રુટ પર આવ-જા કરતો હતો પણ આજ પહેલાં એણે આ બાળકોને જોયાં નહોતાં. સામે બેઠેલાં બહેને સહાનુભૂતિભર્યા સ્વરે કહ્યું, બે દિવસ પહેલાં ટ્રેનની અડફેટે આવીને જે બાઈ મરી ગઈને, આ એનાં છોકરાં છે. બિચારાં નમાયાં થઈ ગયાં.’ ઘડીભર માટે દયાનું મોજું ફરી વળ્યું. લોકો ખીસામાં હાથ નાખી નાખીને ચાર આઠ આના કાઢવા લાગ્યા પણ પેલી છોકરી તો કોણ જાણે કેમ, એકીટસે સારંગ સામે જ જોઈ રહી હતી. આગળ જાય, પાછળ આવે ને ફરી પાછી સારંગ પાસે આવીને ઊભી રહે. સારંગને હંમેશા સાથે ચોકલેટ રાખવાની ટેવ હતી. એણે બે ચોકલેટ કાઢીને આપી એટલે નાનકડો છોકરો ખુશ થઈ ગયો. પણ છોકરીની નજરમાં હજીય કશીક માગણી હતી. સારંગે પૂછ્યું :
‘શું જોઈએ ? પૈસા ?’
‘ના સાહેબ, પણ આજે મારા ભાઈનો જન્મદિવસ છે.’
‘અચ્છા ? બહુ સરસ. તારે એને માટે કાંઈ લેવું છે ?’
‘ના સાહેબ’, એણે ગિટાર તરફ નજર કરતાં કહ્યું, ‘પણ તમે…. તમે આનાથી હેપ્પી બર્થ ડેનું ગીત વગાડોને ! મારો ભાઈ ખુશ થઈ જશે. મા વગર રડ્યા કરે છે ને તે…..’
એની વાત સાંભળીને સારંગ હલબલી ગયો. એ ઊભો થયો. કવરમાંથી ગિટાર બહાર કાઢી અને વગાડવાનું શરૂ કર્યું.
‘હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ટુ યુ, હેપ્પી બર્થ ડે ડિયર……’
આખા કંપાર્ટમેન્ટના મુસાફરો તાળી પાડવામાં અને ગિટારની ધૂનની સાથે સાથે હેપ્પી બર્થ ડે ગાવામાં જોડાયા. છોકરીનો ચહેરો એક અનોખી પ્રસન્નતાથી છલકાઈ ગયો. એણે હળવેથી પોતાના ભાઈને કેડ પરથી ઉતારીને નીચે મૂક્યો. નાનકડું બાળક સંગીતના તાલ પર ખુશીથી નાચવા લાગ્યું. છોકરીએ સારંગ પાસે આવીને હળવેથી કહ્યું, ‘સાહેબ, મા મરી ગયા પછી આજે પહેલી જ વાર મારો ભાઈ હસે છે.’ ધૂન ભલે ‘હેપ્પી બર્થ ડે’ની વગાડતો હોય પણ આંખમાંથી આંસુ ન નીકળી પડે એ માટે સારંગને ખૂબ મહેનત કરવી પડતી હતી. એને લાગ્યું, કદાચ એણે ગિટારની ખરીદી ખૂબ શુભ ચોઘડિયામાં કરી હતી. ગિટાર પાછી કવરમાં મૂકી છોકરાને માથે સ્નેહથી હાથ ફેરવતા એણે કહ્યું : ‘હેપ્પી બર્થ ડે બેટા.’
(અખિલ રાયજાદાની હિંદી લઘુકથાને આધારે)