સમયની પરખ...
એક રાજા હતો. આ રાજાનો સ્વભાવ તામસી હતો એટલે નાની નાની વાતમાં પણ ગુસ્સે થઇ જતો. રાજાના આ સ્વભાવને કારણે બધા એનાથી દુર રહેતા હતા ખાસ કરીને જમતી વખતે એને ખુબ ગુસ્સો આવતો આથી એને જમાડવાનું કામ કરવા માટે કોઇ તૈયાર ન હતું. એક માણસ આ કામ કરવા તૈયાર થયો. રાજા જ્યારે જમવા માટે બેસે ત્યારે એને પીરસવાનું કામ આ માણસનું હતુ.
રાજાને જમાડતી વખતે આ માણસ પુરતી તકેદારી રાખતો જેથી રાજાના ક્રોધનો ભોગ ન બનવું પડે. એકવાર બપોરના સમયે એ રાજાને જમાડી રહ્યો હતો. દાળની વાટકી ભરીને રાજાને આપવા માટે હાથ લંબાવ્યો ત્યાં તેને છીંક આવી અને હાથ પરનો કાબુ ન રહેતા દાળના કેટલાક છાંટા રાજાના કપડા પર પડ્યા.
રાજા તો એકદમ ગુસ્સે થઇ ગયો. બાજુમાં રહેલા સૈનિકોને તુરંત જ આદેશ આપ્યો કે આજે સાંજે આ માણસને ફાંસીના માંચડા પર લટકાવી દેવામાં આવે. સૈનિકોને પણ આશ્વર્ય થયું કે આવી નાની ભુલ માટે કંઇ આવી મોટી સજા થોડી હોય પણ રાજાની સામે દલીલ કરવાની હિંમત ન હતી આથી કોઇ કંઇ બોલ્યું નહી.
સૈનિકો પેલા માણસને પકડવા જાય એ પહેલા તો એ માણસે દાળની આખી વાટકી રાજા પર ઢોળી દીધી. રાજાનો ગુસ્સો હવે સાતમા આસમાને પહોંચ્યો. રાજાએ સેવા કરતા પેલા માણસને કહ્યુ કે તારી આવી હિંમત કે તું મારા કપડા પર આવી રીતે દાળ ઢોળે ?
પેલા માણસે કહ્યુ , “ મહારાજ મને માફ કરજો , દાળનો આખો વાટકો આપના પર ઢોળીને આપનું અપમાન કરવાનો મારો કોઇ જ ઇરાદો નથી. મેં તો આ માત્ર આપની કીર્તિને કલંક ન લાગે એટલે આવુ કર્યુ છે. જો લોકો જાણે કે માત્ર દાળના બે-ચાર છાંટા ઉડવાથી જ આપે મને ફાંસીની સજા આપી છે તો લોકો આપના પર હસે. આપના પૂર્વજોની આબરુને ઝાંખપ લાગે. હવે લોકો જાણશે કે મેં સામેથી દાળની વાટકી આપના કપડા પર ફેંકી તો લોકો કહેશે કે રાજાનું આવું અપમાન કરનારને ફાંસી થવી જ જોઇએ એટલે આપની પ્રતિષ્ઠાને વિપરિત અસર નહી થાય.” રાજા તો ઉભો થઇને આ માણસને ભેટી જ પડ્યો બધો જ ગુસ્સો પ્રેમમાં પલટાઇ ગયો.
સફળ વ્યક્તિ એ છે જે સમય પારખીને વાત કરે. તેલ જુવો તેલની ધાર જુવો અને પછી જે કરવું હોય એ કરીએ.
અને છેલ્લે...
ખુબ ગોત્યું,
પણ ન તો ઘરમાં મળ્યું કે ન લોકર માં હતું!
ખબર નહિ આપણા મમ્મી પપ્પા,
એમનું દુઃખ છુપાવીને ક્યાં રાખતા હતા?