કવિતા..ક્યારેક બેમોસમ વરસવું પડે



જિંદગીમાં ક્યારેક બેમોસમ વરસવું પડે;
પછી જિંદગીભર હર મોસમ તરસવું પડે.

આસપાસ રહી પાસ પાસ આવવું હોય;
તો થોડું એમણે થોડું આપણે ખસવું પડે. 

તાણ છે જગાની અહીં શહેરમાં,હર ઘરમાં;
લાગે છે હવે લોકોના દિલમાં વસવું પડે.

કોઈને ખુશ કરવા એટલાં આસાન નથી;
એ કાજ આંખમાં આંસું સાથેય હસવું પડે.

ક્રાંતિ એમ જ નથી થતી ઓ દોસ્ત મારા;
એ માટે લોહ સાથે ચકમકને ઘસવું પડે. 

સનમ મળે ન મળે,એમનો અણસાર મળે;
એ દિશામાં આંખ બંધ કરીને ધસવું પડે.

ઝહેર કાતિલ જુદાઈનું પચાવવું હોય તો;
થોડું થોડું રોજબરોજ ખુદને જ ડસવું પડે.

જિંદગી ય કેટકેટલાં રંગ બદલે છે નટવર;
શ્વાસ કોઈના ઉછીના લઈ લઈ શ્વસવું પડે.