આ જવાબદારી નિભાવશે ?

ઘણા સમય પહેલાની વાત છે. રમણભાઈ તેના કુટુંબ સાથે ખુશીથી રહેતા હતા.

પણ હવે તેની ઉંમર થઇ ગઈ હતી. તેમને બે દીકરા હતા, જેમણે આમ તો રમણભાઈનું બધું જ કામકાજ સંભાળી લીધું હતું.
બંને દીકરા બહુ જ હોંશિયાર અને કહ્યાગરા હતા. વહુઓ પણ સારી રીતે તેમને સાચવતી.
સમાજ માં નામના ય ઘણી હતી ને આખો પરિવાર સુખેથી અને શાંતિથી રહેતો હતો. પરંતુ હવે જાત નું બધું ઈશ્વર કૃપા પર હતું,


આખરે તેમ ને વિચાર આવ્યો કે હવે થી મારી બધી જ પ્રોપર્ટીની જવાબદારી હું કોને સોંપું?
બને દીકરામાંથી કોણ વધારે સારી રીતે આ જવાબદારી નિભાવશે ?

એક પ્રશ્ન સતત સતાવતો કે એવી કુનેહ ક્યાં દીકરામાં છે,
મોટા દીકરા પ્રભાકરમાં કે નાના દીકરા મનોહરમાં?
અંતે રમણભાઈએ તો નાના અને મોટા બંને દીકરાને તેમની પાસે બોલાવ્યા. અને કહ્યું કે,
”હું તમને બંનેને આ દસ દસ  રૂપિયા આપું છું. તેનાથી આખું ઘર ભરાય તેવી વસ્તુ લઇ આવો. ”

જેથી બંને ભાઈ પહેલા તો વિચારમાં પડી ગયા કે આ દસ રૂપિયાની એવી કઈ વસ્તુ આવે કે જેનાથી આખું ઘર ભરાય જાય !
બંને ભાઈઓએ ખૂબ વિચાર કરીને બીજે દિવસે ગામમાં વસ્તુ લેવા ગયા.
મોટો ભાઈ પ્રભાકર ઘાસ લઇ આવ્યો. તે તો મનમાં ખૂબ ખુશ હતો કે દસ રૂપિયાનું ઘાસ તો કેટલું બધું આવ્યું.
તેનાથી ચોક્કસ આખું ઘર ભરાય જશે. દસ રૂપિયામાં આટલું બધું ઘાસ સિવાય બીજી કોઈ વસ્તુ આવી શકે જ નહિ.

જયારે નાનો ભાઈ મનોહર સમજી ગયો કે પિતાજીએ પરીક્ષા લેવા માટે દસ રૂપિયા આપ્યા છે.
તે ખુબજ ચતુર અને સમજદાર હતો. જેથી તે દસ રૂપિયા નું નાનું પડીકું લઇ આવ્યો.
સાંજે રમણભાઈએ બંને દીકરાને પોતાની પાસે બોલાવ્યા. અને કહ્યું :
‘તમે દસ રૂપિયાની જે વસ્તુ લાવ્યા હોય તે લાવો અને તેનાથી આખું ઘર ભરી દો.’

મોટો દીકરો તો દોડ્યો અને મોટી ઘાસની ગાંસડી લઇ આવ્યો.
ઘરમાં ઘાસનો ઢગલો કરી દીધો. પણ તેનાથી ઘર ભરાયું નહિ.

વારો હવે નાના દીકરા મનોહર નો હતો,..
તેણે બરાબર ઘરની વચ્ચે ટેબલ મુક્યું પછી પડીકું છોડીને મીણબત્તી કાઢી.
તેને સળગાવી. તો આખું ઘર પ્રકાશથી ભરાઈ ગયું !!

પરિવારના બધા જ લોકો જોતા જ રહી ગયા.

હા પણ, રમણભાઈ તો રાજીના રેડ થઇ ગયા. ઉભા થયા અને નાના દીકરાને ભેટી પડ્યા,

..... તાબડતોબ વકીલ ને બોલાવી પાકું વીલ કરાવ્યું ને નિરાંતે ઊંઘી ગયા ..

તે રાતે સુતા સુતા..
ક્રષ્ણ ના ફોટા ને પગે લાગ્યા ને પછી પત્ની ના ફોટા સામે જોઈ બબડતા હતા ,
હાશ ..
આજે હવે,  હું આરામ થી આંખો મીંચી દઈશ જો જે ને  ..

.... આમેય હવે કાલે ઉઠવાની ચિંતાય ક્યાં રહી હતી...

અને કદાચ ....
એ રાત રમણભાઈ ની જીંદગી ની સૌથી શાંતિ ની લાંબી ઊંઘ હતી.