Very Funny..( પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના 22 ઉપાયો:)

પત્ની સાથેનું ઘર્ષણ ટાળવાના 22 ઉપાયો:



1. એ કારણ વગર 'ક્યુટ' બનવાની કોશિશ કરતી હોય ત્યારે સાવચેત રહેવું..!


2. તમારી પત્ની બન્ને હાથ કેડ પર મૂકીને અનિમેષ નયને તમારી સામે જોઈ રહી હોય......

ત્યારે બધું જ સાચેસાચું કહી દેજો! એ સમય રોમાન્ટિક થવાનો નથી!

3. એ જો આંખો નચાવતા નચાવતા 'તુઝે ઝમીંપે બુલાયા ગયા હૈ મેરે લીયે...' ગાતી હોય તો એણે સોંપેલું કામ બમણા ઉત્સાહ અને સ્ફૂર્તિથી કરવા માંડજો!

4. 'ઘરકામમાં મદદ'નો અર્થ સ્કૂલ અને લગ્નજીવનમાં જુદો જ થાય છે એ બને તેટલું ઝડપથી સમજી લો એટલું સારું! સ્કૂલમાં મદદ મળતી હતી, લગ્નજીવનમાં કરવાની હોય છે!

5. 'ચુપચાપ બેસો' આ વાક્ય તમને કે.જી.-નર્સરી બાદ છેક લગ્ન પછી સાંભળવા મળશે! આવું જ્યારે કહેવામાં આવે ત્યારે કોઈપણ દલીલ કર્યા વગર એ પ્રમાણે કરો!

6. એ તમારી પૂછપરછ કરે અથવા તમારી પાસબુક કે ડાયરી તપાસે તો બોચિયા સ્ટુડન્ટની જેમ 'લેસન' બતાવી દેજો!

7. 'જ્યાં ન પહોચે કવિ ત્યાં પહોચે પત્ની' - આ નવી કહેવત યાદ રાખો! કોઈની પણ કલ્પના બહારનું તમારું બહાનું એ આસાની થી પકડી પાડશે, માટે સાચું જ બોલવાનો નિયમ રાખો!

8. 'એમને શક કરવાનો હક છે, એ મારા દિલની ધકધક છે' આ સુત્ર ગોખી નાખો. એના દરેક પ્રશ્નોનો વિગતવાર જવાબ આપો.એમાં પણ કાપલીબાજ વિદ્યાર્થીની જેમ પ્રશ્નના જવાબની શરૂઆતના બે વાક્યો સવાલ સંબંધિત રાખીને પછી ફિલ્મીગીતના શબ્દો ઠપકારશો તો પણ ચાલશે.

9. તમારા કાંસકામાંથી એના વાળનું ગૂંચળું નીકળે ત્યારે ગુસ્સે થવાને બદલે યાદ કરો કે તમે એક જમાનામાં એની ઝુલ્ફોના આશિક હતા અને એની ઝુલ્ફોની છાંવમાં સુવાના તમને અભરખા હતા!

10. પત્ની સાથે શોપિંગ કરવા જાવ ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન શોપિંગમાં હોવું જોઈએ, સેલ્સ ગર્લ તરફ નહિ!

11. 'ઘેર ઝઘડો ન થાય એવા અઢીસો ભીંડા અને પાચસો ગ્રામ ફ્લાવર આપ' - આવી રીતે ઓર્ડર આપવાથી શાક સસ્તું અને સારું મળશે, ઉપરાંત વીણવાની માથાકૂટમાંથી બચી જશો! શાકવાળો પરણેલો હશે તો થોડું શાક વધારે આપશે એ નફામાં!

12. એના ડાયેટીંગ પ્લાનની કદી મજાક ઉડાવશો નહિ. પછી ભલે એ પાંચમાંથી એક રોટલી ઘી વગરની ખાવી એને જ ડાયેટીંગ ગણતી હોય.

13. પત્ની કામમાં અતિશય વ્યસ્ત હોય અને તમે તદ્દન નવરા હોવ તો પણ નવરા દેખાતા નહિ. આમાં વધુ ચોખવટની અમને જરૂર લગતી નથી!

14. એ જ્યારે તમે રખડતા મુકેલા મોબાઇલના ચાર્જર- કેબલ, છાપા, રીમોટ, કપડા, ગંદા મોજા, હેંડ-કી, ટુવાલ વગેરેને ઠેકાણે મુકતી હોય ત્યારે એને તમારી કોઈ ખોવાયેલી વસ્તુ શોધી આપવાનું કહેશો નહિ!

15. થાળી પીરસવા માટે સીરીયલની વચ્ચે આવતા બ્રેકમાં જ વિનંતી કરો! દરમ્યાનમાં ટાઈમ પાસ કરવા સીરીયલોમાં રસ લેવાનું રાખો તો કંઈ ખોટું નથી. એકતા કપૂર એમાં ને એમાં જ બે પાંદડે થઇ છે!

16. ટી.વી. પર આવતા રસોઈ શોમાં જોયેલી કોઈપણ વાનગી બનાવવાની એને ફરજ પાડશો નહિ. અને ધારો કે એ કોઈ નવા જ પ્રકારની થાઈ, મેક્સિકન કે કોન્ટીનેન્ટલ વાનગી બનાવે તો એના શું વખાણ કરવાએ અગાઉથી વિચારી રાખો, કારણ કે વાનગી ખાધા પછી કંઈ સુઝશે નહિ!

17. પડોશીને ત્યાંથી આવેલી વાનગીને ભૂલે ચુકે વખાણશો નહિ!

18. કચરો વાળ્યા પછી સાવરણી કદી ઉભી મુકશો નહિ, એમ કરવાથી ઝઘડો થાય છે એવું કહેવાય છે. છેવટે 'સાવરણી ઉભી કેમ મૂકી' એ બાબતે પણ ઝઘડો થઇ શકે છે.

19. લગ્નજીવનમાં ત્યાગનું મહત્વ છે અને જે ગૃહત્યાગ કરી શકે એ સૌથી સુખી હોય છે. વિખવાદ ટાણે આ સુત્રનો ઉપયોગ કરીને સુખી થાવ. યુદ્ધમાં આને વ્યૂહાત્મક પીછેહઠ કહે છે!

20. વાદ-વિવાદના કિસ્સામાં જીતીને દુઃખી થવાને બદલે હારીને સુખી રહો એવું અનુભવીઓ કહે છે!

21. ઝઘડામાં અવાજની માત્રા મહત્વની છે, શબ્દો નહિ; તમારો અવાજ હંમેશા ધીમો રાખો.

22. ઝઘડાનું એક કારણ તમારી જાતને નિર્દોષ સાબિત કરવાની તમારી વૃત્તિ હોય છે, જ્યારે સ્ત્રીઓ કુદરતી રીતે જ નિર્દોષ હોય છે!