ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ

"આપણે જે પ્રકારની આહારની રીત અપનાવી છે કે ધીમે ધીમે અપનાવી રહ્યા છીએ તેનાથી દુનિયાના બીજા કરોડો લોકોને શું ભોગવવું પડે છે એવી પણ આ ઈવેન્ટમાં સમજ અપાય છે.
ખેતરમાં પાકતા અનાજના એક એક દાણા પાછળ સૂર્યપ્રકાશ, પાણી, વીજળી અને ખાતરના રૂપમાં મહત્ત્વના કુદરતી સ્રોતો ખર્ચાયા હોય છે.
આપણે જ્યારે થાળીમાં એંઠું મૂકીએ છીએ ત્યારે અન્નના દાણાની સાથે આવા ઘણાં બધા કુદરતી સ્રોતોનો પણ બગાડ કરતા હોઈએ છીએ.
યુનાઈટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશને વર્ષ ૨૦૧૩માં પહેલીવાર અન્નના બગાડથી પર્યાવરણને કેટલું નુકસાન થાય એનું

સાયન્ટિફિક એનાલિસિસ કરીને 'ફૂડ વેસ્ટેજ ફૂટપ્રિન્ટ: ઈમ્પેક્ટ ઓન નેચલ રિસોર્સીસ' નામનો એક અહેવાલ જારી કર્યો હતો. આ અહેવાલ પ્રમાણે, દર વર્ષે આપણે ૧.૩ અબજ ટન અન્નનો બગાડ કરીએ છીએ અને આટલા અન્નનો બગાડ હવામાં ૩.૩ અબજ ટન કાર્બન ડાયોક્સાઈડ ભળવા બરાબર છે. એટલે આપણી થાળીમાંથી અન્નનો એક દાણો ગટરમાં જાય છે ત્યારે આપણે પર્યાવરણને થતાં નુકસાનમાં યથાશક્તિ ફાળો આપતા હોઈએ છીએ. આઘાતજનક વાત તો એ છે કે, આ ગણતરીમાં માછલી જેવા દરિયાઈ ખોરાકનો તો સમાવેશ પણ નહોતો કરાયો."

− વિશાલ શાહ