હૂ નહિ હોવ...

_*"હૂ નહિ હોવ"*_

“તું શોધીશ મને ચારે બાજુ, ભટકીશ ખૂણે ખૂણે, પણ દુનિયાના કોઈપણ ખૂણે હું નહિ હોઉં.

તું ઈચ્છીશ હું તારી સાથે રહું, રાત્રે પડખું ફેરવીશ ત્યારે તારા પડખામાં હું નહિ હોઉં.

તને લાગશે વાસણનો અવાજ થયો તું કહીશ “જરા ધીરે રહીને કામ કર”, ત્યારે કૃત્રિમ ગુસ્સામાં તને પ્રત્યુત્તર દેવા હું નહિ હોઉં.

તું થાકીને ઘરે આવીશ, સોફા પર ઢળી જઈશ,ત્યારે અદરખ અને એલચી વાળી કડક મીઠી ચા બનાવવા હું રસોડામાં નહિ હોઉં.

તને ઓફિસનો ગુસ્સો હશે અને ગુસ્સો ક્યાંક ઠાલવવો હશે, વગર વાંકે તારો ગુસ્સો ગળી જવા હું હાજર નહિ હોઉં.

તું ફરવા જવાનું પ્લાન કરીશ અને ઓફીસમાંજ વ્યસ્ત થઇ જઈશ, ત્યારે તૈયાર થઈને તારી રોહ જોઈને બેસેલી હું ઘરમાં નહિ હોઉં.

ટુવાલ વગર ન્હાવા જવાની તારી આદત છે, તું બાથરૂમમાંથી બરાડા પાડીશ, ટુવાલના બહાને હાથ પકડવાની મીઠી ચેષ્ટામાં મનોમન રોમાંચિત થવા હું નહિ હોઉં.

તને વાતો કરવી હશે ઘણી, સુખની, દુઃખની, પ્રેમની,લાગણીની, તારી લાગણીઓમાં તારી સાથે વહી જવા હું નહિ હોઉં.

તને ભૂખ લાગશે અને બેચેન બની જઈશ, ગરમ – ગરમ કોળીયા મોઢામાં મુકીશ, એ વખતે તને ટોકવા ડાઈનીંગટેબલ પર હું નહિ હોઉં.

તારી આસ પાસ ચોપાસ આખી દુનિયા હશે, એ દુનિયામાં તારી પાછળ ખોવાઈ જવા હું નહિ હોઉં.

અંતે કદાચ એવું થશે તું મને યાદ કરવાની કોશિશ કરીશ, મારી વાતો વાગોળવા મથામણ કરીશ, પણ કદાચ એ સમયે તારી “યાદ” માં “અંકિત” હું નહિ હોઉં.”ક્રિયાની મૃત્યુના એક મહિના પછી બેડરૂમમાંથી તેનો સમાન ખસેડતી વખતે પ્રિયાંક, ક્રિયાની ડાયરીમાં પડેલો લેટર ભીની આંખે વાંચી રહ્યો હતો.

તક, વસ્તુ, વ્યક્તિ કે સમય મોટેભાગે જ્યારે હાથમાંથી નીકળી જાય ત્યારેજ આપણને તેની કદર તેની જરૂરીયાત, તેની ખોટ વર્તાય છે. ત્યાં સુધી આપણે તેનું મહત્ત્વ સમજી નથી શકતા.

વસ્તુની ખોટ કદાચ હજી પૂરી શકાય, તક કદાચ ફરીથી મેળવી શકાય, પણ કોઈ પ્રિય વ્યક્તિની ખોટ આજીવન નથી પુરાતી. આપણું પ્રિયપાત્ર જ્યારે આપણી સાથે ન હોય ત્યારે ઘણું એવું યાદ આવે છે જે આપણે તેને કહેવા ઈચ્છતા હતા, ઘણી એવી ક્ષણો યાદ આવે છે જે આપણે તેની સાથે ગાળવાના, માણવાના સપના સેવ્યા હતા. પરંતુ તેની હાજરીમાં “હજી તો ઘણો સમય છે.” એવું વિચારીને, પોતાના મનને કે સામેના પાત્રને મનાવીને આપણે એ સમય ગુમાવી દઈએ છીએ.

હિન્દીમાં ખૂબ જ સરસ વાક્ય છે કે “कल किसने देखा?” પણ આપણે જાણે ભવિષ્ય વેત્તા હોઈએ તેમ ભવિષ્યનું પ્લાનિંગ કરીએ છીએ. જેની પાછળ આપણું વર્તમાન અને પ્રિયપાત્રનું વર્તમાન, તેની હુંફ, તેની ઈચ્છાઓ, આપણી ઈચ્છાઓ, મૌનમાં દબાયેલી અપેક્ષાઓ જેવું ઘણું ગુમાવી દઈએ છીએ, વેડફી દઈએ છીએ.

કદાચ એવું ન કરતા આપણે વર્તમાનમાં જ જીવવાનું શીખી જઈએ તો?
કાલે જેને સમય આપવાનું વિચારીએ છીએ તેને આજે જ સમય આપીએ તો?
જે લાગણીઓ, ઈચ્છાઓ, અપેક્ષાઓ કાલ માટે સાચવીને, દબાવીને, ગૂંગળાવીને રાખી છે તેને આજે જ વહેતી કરીએ તો?
કેવું સારું થાય નહિ?

એક વખત વિચાર જરૂર કરજો.

તારી સાથે

“હું જીવવા ઈચ્છું છું તારી સાથે, જીવનની દરેક ક્ષણ માણવા ઈચ્છું છું તારી સથે, સવારની મોર્નિંગ વોક સાથે જ્યુસ, સાંજની ઇવનિંગ ડ્રાઈવ સાથે ઠેલાની ચા પીવા ઈચ્છું છું તારી સાથે. વિકેન્ડમાં પિકનિક પર ફરવા અને રોમેન્ટિક મુવીના ફર્સ્ટ શો માં કોર્નર સીટ પર બેસવા ઈચ્છું છું તારી સાથે. હાસ્ય ભરેલા દિવસો અને પ્રેમ ભરેલી રાતો ગાળવા ઈચ્છું છું તારી સાથે. સુખ દુઃખના તડકા છાયામાં અને જીવનની ક્યારેક કાંટાળી ક્યારેક ફૂલ પાથરેલી રાહો પર ચાલવા ઈચ્છું તારી સાથે. ઈશ્વર પાસે હવે એકજ યાચના છે મારો શ્વાસ ચાલે તારી સાથે અને અટકે પણ તારી સાથે.” રોહને ફિલ્મી અંદાજમાં ઘુટણ પર બેસીને સ્વાતિને પ્રપોઝ કરતા કહ્યું જે સ્વાતિએ પ્રેમથી ભીંજાયેલી આંખોએ સ્વીકાર્યું. પરિવારો સહમત થયા અને બન્નેના લગ્ન થયા. રોહન અને સ્વાતિ એ જેવું વિચાર્યું હતું જેવા જીવનના સ્વપ્નો જોયા હતાં એવુજ જીવન બન્ને જીવી રહ્યા હતા. કોઈપણ જાતની ફરિયાદો વગર શરતો વગર.

લગ્નને ૨૫વર્ષ પુરા થઇ ગયા બન્ને ૬૫ વટાવી ગયા હતા. સ્વાતિ આઈ.સી.યુ. માં એડમીટ હતી. રોહન તેની બાજુમાં તેનો હાથ પકડીને બેઠો હતો. રાત્રે બે વાગે સ્વાતિએ આંખ ખોલી, રોહન તેની બાજુમાં જ હતો એ જોઇને આછું સ્મિત કર્યું અને પાછી આંખો બંધ થઇ ગઈ. ઈ.સી.જી મશીનમાં તેના ધબકારા ધીરે ધીરે ઓછા થતા દેખાયા શરીર ઠંડુ પડવા લાગ્યું, પણ રોહન હજી તેનો હાથ પકડીનેજ બેઠો હતો.

સવારે શબવાહિનીમાં એક સાથે બે શબ લઇ જવાની તૈયારી કરવામાં આવી. જે સમયે સ્વાતિનો શ્વાસ અટક્યો બરાબર બીજીજ ક્ષણે રોહનનો શ્વાસ પણ થંભી ગયો. રોહનની સાચાં દિલથી પ્રેમથી કરેલી યાચના કદાચ ઈશ્વરે મંજુર કરી દીધી.કાલ્પનિક લાગે પણ આપણે જેને અનકંડીશનલ લવ કહીએ છીએ, એ કદાચ આ જ છે. એ કેટલું સુંદર મૃત્યુ કહેવાય જે આપણા પ્રિયપાત્ર સાથે જ મળે. સાથે જીવવાના આનંદથી પણ વધુ કદાચ સાથે જીવનનો અંત આવે એ સુખદ હશે.

પ્રેમ થવું, પ્રપોઝ કરવું, લગ્ન થવા એ બધુંજ સુખદ છે, પણ આખું જીવન સાથે વીતાવવું, ઘરડાં થઈએ ત્યારે એકબીજા ને ટેકો આપવો, માથામાં આવેલા બેચાર ધોળા વાળથી શરુ થયેલી ટીખળ સાવ ચાંદી જેવા વાળ થાય ત્યાં સુધી અકબંધ ચાલે એથી વધુ શું જોઈએ જીવનમાં?

આપણે ઘરડાં થઈએ ત્યારે આરામથી જીવન જીવવા માટે અત્યારથી સેવિંગ્સ કરતા હોય છે, ઇન્સ્યોરેન્સ કરાવીએ છીએ, પેન્શન માટેની યોજનાઓ બનાવીએ છીએ, પણ સાથે સાથે જેની સાથે આ બધું માણવાનું છે એની લાગણીઓ, હુંફ, સ્નેહાળ સ્પર્શ જેવી વસ્તુઓ માટે પણ સેવિંગ્સ કરી શકતા હોત, પ્લાનિંગ કરી શકતા હોત તો કેટલું સારું થાત.

આ બધું જ કરવાની સાથે, ભવિષ્યની યોજનાઓ બવાનાવાની સાથે વર્તમાનમાં પોતાના લાઈફ પાર્ટનર સાથે સમય ગાળવો, એને સમજવું, થોડી ફરિયાદો કરવી અને ઘણી સાંભળવી, એ બધું પણ જીવનને રોમાંચિત કરે છે. લાગણી એવી વસ્તુ છે કે જેને ભવિષ્ય માટે બચાવીને રાખવાને બદલે તેને અત્યારે વાપરીને ભવિષ્ય સુધારી શકીએ છીએ, સંબંધ સુધારી શકીએ છીએ, માણી શકીએ છીએ. ક્યાંય એવી ફિક્સ ડીપોઝીટ નથી જ્યાં લાગણીઓ સાચવી શકાય. એતો બસ વાપરવામાં, છૂટથી ખુલ્લા હાથે વહાવવામાં જ આનંદ છે.

સુખી થવા માટે ઘડપણની રાહ ન જુઓ, કારણ કે રાહ જોવામાં જો લાગણીઓને, સંબંધને, પ્રેમને ઘડપણનું ગ્રહણ લાગી ગયું તો વય સાથે આવનરુ ઘડપણ અસહ્ય બની જશે.