બચતનું મહત્વ સમજી એ..

શાંતિલાલ  : કેમ, તમે કંઇ બચત નથી કરી ?

મગનભાઈ  : ના ભાઇ ના, એવી કંઇ બચત નથી કરી. બધુ દિકરાઓને આપી દીધુ હવે દિકરાઓ સાચવશે.

શાંતિલાલ  : પણ માની લો કે દિકરા ન સાચવે અને મોટી બીમારીમાં ખર્ચ ઉપાડવાની ના પાડી દે તો ?



મગનભાઈ  : એવુ ના બને , અને જો થાય તો પછી ટુટીંયુ વાળીને પડ્યા રહીએ. નસીબમાં હોય એમ થાય.

શાંતિલાલ  : બાપા, નસિબ તો આપડે જેવુ લખવુ હોય એવુ લખી શકાય. મને અને મારા પત્નિને મારો દિકરો અને દિકરાની વહુ ખુબ સાચવે છે એ મારા સારા નસિબને કારણે નહી મારા નાણાકિય આયોજનના કારણે.

મગનભાઈ  : લે એ કેવી રીતે ?

શાંતિલાલ  : જુઓ સાંભળો , મને 18 વર્ષની ઉંમરે નોકરી મળેલી. સરકારમાં આરોગ્ય ખાતામાં લાગ્યો અને પહેલો પગાર 75 રૂપિયા મળ્યો. પહેલો પગાર લઇને મારા પિતાજીના હાથમાં આપ્યો ત્યારે પિતાજીએ મને પુછેલુ કે બેટા તને 75ને બદલે 65 રૂપિયામાં નોકરી મળી હોત તો તું એ નોકરી સ્વિકારત કે નહી ? મેં હા પાડી એટલે એમણે કહ્યુ બસ આજથી એમ માની લે કે તારો પગાર 10% ઓછો છે અને આજીવન 10% ઓછો જ રહેવાનો છે એ 10% રકમ તારે પોસ્ટ ઓફિસમાં ખાતુ ખોલાવીને એમાં જમાં કરાવવાની અને એમાંથી ક્યારેય કંઇ ઉપાડ કરવાનો જ નહી. પોસ્ટઓફિસમાં રકમ ભરીને પછી ભુલી જ જવાનુ કે મારી કોઇ રકમ પોસ્ટ ઓફિસમાં છે.

મગનભાઈ  : પણ આટલી નાની રકમ જમા કરાવો તો એનાથી શું ફેર પડે ?


શાંતિલાલ  : મારા ભાઇ, આ નાની બચતથી લાંબાગાળે બહુ જ મોટો ફેર પડે. મેં મહીને માત્ર 10 રૂપિયાની બચતથી શરૂઆત કરેલી અને જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ મારો પગાર પણ વધતો ગયો એટલે 10% લેખે થતી બચતની રકમ પણ વધતી ગઇ. મેં 35 વર્ષ નોકરી કરી અને આ દરમિયાન કરેલી બચતની રકમ અત્યારે વ્યાજ સહીત 96 લાખ રૂપિયા છે. આ 96 લાખનું મને દર મહીને 60000 વ્યાજ મળે છે જેમાંથી 30000 મારો પૌત્ર જે 3 વર્ષનો છે તેના નામનું પોસ્ટમાં ખાતુ ખોલાવીને તેમાં જમાં કરાવું છુ અને બાકીના 30000 દર મહીને મારા દિકરાની વહુના હાથમાં આપુ છું અમને સાચવવા માટે.

મગનભાઈ  : ઓહો....આટલા બધા રૂપિયા આપો તો તો પછી તમને તમારા દિકરાની વહુ હથેળીમાં જ રાખે ને. પણ તમારે વાપરવા માટે કંઇ જરૂર પડે તો તમને વહુ પાછા પૈસા આપે ?

શાંતિલાલ  : વહુ પાસે માંગવાની જરૂર જ નથી કારણકે મને દર મહીને 17000 પેન્શન મળે છે એમાંથી જરૂર પડે તો વાપરીએ અને બાકી મહીને 2000 ઉપાડીને મારા પૌત્રને દર રવિવારે ફરવા માટે બહાર લઇ જાવ અને એને પણ જલસા કરાવુ. પેન્શનમાંથી બાકીના જે 15000 વધે એ ઉપાડીને તેની એફડી કરાવી મારી દિકરીને ભેટમાં આપુ છું એફડી કરાવેલ હોવાથી એ તાત્કાલીક વાપરી પણ ન શકે.

મગનભાઈ  : વાહ , તમારુ કહેવું પડે હો. તમે પાક્કા વાણીયા છો. તમારી પાસેથી તો ઘણું શીખવા જેવુ છે. અમારે તો હવે ક્યાં લાંબુ ખેંચવાનું છે પણ આ નવી પેઢી તમે કર્યુ એમ કરે તો પાછલી જીંદગીમાં ઓશીયાળા ન રહેવુ પડે એટલુ પાક્કુ.

મિત્રો, બચતનું મહત્વ સમજીને આજથી જ બચત કરવાનો સંકલ્પ કરીએ અને આપણા ભવિષ્યને વધુ ઉજળુ કરીએ.