સુંદર બોધ ...સાગર અને નદી ની .


સાગરને મળી રહેલી નદી આજે ખૂબ પ્રસન્ન હતી.સાગરે નદીને પ્રસન્નતાનું કારણ પૂછ્યું.નદી કહે,

‘કેટલાંય વરસોથી વચ્ચે રહેલો એક પર્વત તને જલદી મળવામાં મને અંતરાય કરતો હતો. એ પર્વતને મેં વર્ષો પછી આજે તોડી નાખ્યો !

ચારેય બાજુ હું જાહેરાત કરતી આવી છું કે મારા રસ્તામાં જે કોઈ પણ અવરોધ કરશે
તેના આ પર્વત જેવા હાલ-બેહાલ થઈ જશે.’

સાગર હસ્યો અને બોલ્યો , 'એક કામ કરીશ ?
આ એક બાજુ નેતરની સોટીઓ ઊગી છે તેમાંથી બે-ચાર સોટીની મારે જરૂર છે, લાવી આપીશ ?’

નદી તો ઊપડી નેતરની સોટી લેવા.

ભારે જોશથી નેતર પર આક્રમણ કર્યું પણ નદી જેવી નેતર પર કૂદી કે તરત જ નેતરે પોતાની કાયા નમાવી દીધી. નદીનું પાણી રવાના થતાં નેતર વળી પાછું ઊભું થઈ ગયું. આ જોઈને નદી વધુ ગુસ્સે થઈ ગઈ. બમણા જોશથી નેતર પર કૂદી પણ પરિણામ એનું એ જ ! આખો દિવસ નદીનાં આક્રમણો ચાલુ રહ્યાં. નેતર ન તૂટ્યું ! હારી-થાકીને નદી સાગર પાસે આવી.

સાગરે પૂછ્યું , ‘કેમ બહેન ! નેતર ક્યાં ?’

નદી બોલી , ‘ન લાવી શકી. મને ખબર નથી પડતી કે આમ કેમ થયું ? પર્વતને હું તોડી શકી પણ આ નેતરને મૂળમાંથી હચમચાવી પણ ન શકી !’

‘જો, આ રહ્યું તેનું કારણ ! પર્વતને તું તોડી શકી;
કારણ કે..
તે અક્કડ હતો અને નેતરને તું તોડી ન શકી;
કારણ કે તે નમી ગયું હતું !

મિત્રો ..." આ દુનિયામાં પર્વતની જેમ અક્કડ રહેનારાઓનાં પાણી ઉતારવાં સહેલાં છે;
પરંતુ નેતરની જેમ સ્વયં નમી જનારાનાં પાણી ઉતારવાં સહેલાં નથી !"