ભાવનાત્મક અને ઉપદેશરૂપ
ભાઇ...કન્ડકટર ભાઇ સાબ, આ મારી દીકરી બસમાં એકલી જ છે. એનાં મામાને ઘરે જઇ રહી છે. તમે જરા એનું ઘ્યાન રાખજોને વાસણા આવે એટલે ઉતારી દેજો! જો ઊંઘી ગઇ હોય તો જગાડજો!
પંદર વર્ષ પહેલાંની ઘટના. ઓગસ્ટનો મહિનો હતો. વરસાદના દિવસો હતા.
ચરોતરના એક જાણીતા ગામનો સુખી અને સમૃદ્ધ પટેલ પિતા એની તેર-ચૌદ વર્ષની દીકરી જયશ્રીને અમદાવાદ આવતી એસ.ટી.ની બસમાં બેસાડતી વખતે કન્ડકટરને ભલામણ કરી રહ્યો હતો. છોકરીને જે સીટ ઉપર જગ્યા મળી, એ જ બેઠક ઉપર અમદાવાદના મુકેશભાઇ પણ બેઠા હતા અને ચુપચાપ આ દૃશ્ય જોઇ-સાંભળી રહ્યા હતા..
જયશ્રીના પિતા રમણ પટેલ બસ ઉપડવાની થઇ ત્યાં સુધી ઊભા રહ્યા. બારીમાંથી શિખામણ પીરસતાં રહ્યા, બેટા, ખેતરનું કામ ન હોત, તો હું તારી સાથે જ આવ્યો હોત. આમ તને સાવ એકલી તો મોકલું જ નહીં ને! તું પણ ભારે જિદ્દી નીકળી. મામાના ઘરે જવું છે ભાઇને રાખડી બાંધવી જ છે! એક મહિનાથી આ બે જ વાકયો સાંભળીને આખા ઘરનાં કાન પાકી ગયા. નહીંતર આજ દિન સુધી તને કયાંય એકલી જવા દીધી નથી.
બાપની ચિંતા તો હજુયે ચાલુ જ હતી, જયશ્રી! બેટા, જાતનું ઘ્યાન રાખજે. બારીમાંથી હાથ બહાર કાઢીશ નહીં. અને આ કળિયુગ છે. કોઇનોય વિશ્વાસ કરતી નહીં. પુરુષથી તો ખાસ ચેતતી રેજે. ચાલુ બસમાં કોઇ કંઇ ખાવા-પીવાનું આપે, તો ના પાડી દેજે. વાસણા આવે એટલે કન્ડકટરને પૂછીને ખાતરી કરીને ઉતરી જજે. ત્યાં તો તારા મામા તને લેવા માટે આવી જ ગયેલા હશે. ઘરે પહોંરયા પછી મને ફોન કરી દેજે કે તું સહીસલામત પહોંચી ગઇ છે.
બસ ચાલુ થઇ. એના એન્જિનની ઘરઘરાટીમાં બાપના શબ્દો ડૂબી ગયા. જયશ્રીની બાજુમાં બેઠેલા ચાલીસ વર્ષના મુકેશભાઇ મનોમન વિચારી રહ્યા, બિચારો બાપ! શો જમાનો આવ્યો છે! દીકરી ભલે નાની હોય, તોયે એનાં બાપને એની કેટલી બધી ફિકર હોય છે! આ બાપડી માંડ તેર-ચૌદ વર્ષની હશે, અંગ ઉપર હજુ તો જુવાની બેસવાને ચાર-પાંચ વર્ષની વાર લાગે છે. તોયે એનાં બાપને દીકરી કયાંક
ચૂંથાઇ ન જાય એની ચિંતા સતાવે છે. બાપની ફિકર વાજબી પણ છે. શિકારીઓને તો શિકાર સાથે નિસબત છે, શિકારની ઉંમર સાથે એમને શી લેવા-દેવા?
ટિકિટ..! ટિકિટ..! કરતો કન્ડકટર આખી બસમાં ફરી વળ્યો. જયશ્રીએ વાસણાની ટિકિટ માગી. કન્ડકટરે પૈસા લીધા. ટિકિટ ફાડી આપી. સાથે હૈયાધારણ પણ આપી, ગભરાતી નહીં, હોં બેટા! વાસણા આવે એટલે હું તને અને તેમ છતાં જયશ્રી ગભરાતી રહી. બાજુમાં બેઠેલા મુકેશભાઇને યાદ કરાવતી રહી. દર અડધા કલાકે પૂછતી રહી, વાસણા જતું તો નથી રહ્યું ને, કાકા? મને તો ઘ આવે છે, પણ તમે ઘ્યાન રાખજો, હોં ને! મને જગાડવાનું ભૂલી ન જતા.
આમ જુઓ તો આખીય ઘટના સુખાંત સાથે પૂરી થઇ ગઇ હોત. પણ જીવનની સફર એટલી સરળ
નથી હોતી. પાયામાં ધરબાયેલી સૌથી મોટી ગરબડ વાસણા નામના કારણે સર્જાઇ ગઇ. ચરોતરમાં વાસણા નામનું એક સાવ નાનું ગામ છે એ વાતની ખબર કન્ડકટરને તો હતી જ, પણ અમદાવાદમાં રહેતા મુકેશભાઇને ન હતી. કન્ડકટર છેક છેવાડાના ભાગે બારણાની બાજુમાં આવેલી એની બેઠકમાં બેઠો-બેઠો ટિકિટનો વકરો ગણી રહ્યો હતો, ત્યાં વાસણા લખેલું પાટિયું કયારે પાછળ છૂટી ગયું એ વાતની કોઇને ખબર ન રહી. મુકેશભાઇનું પોતાનું રહેવાનું અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં.
એટલે એ તો એક જ વાસણાને ઓળખે. અને જયારે બસ અમદાવાદના વાસણા આગળ આવી પહોંચી, ત્યારે મુકેશભાઇએ જયશ્રીને જગાડી, બેટા, વાસણા આવી ગયું.
જયશ્રી તો ડઘાઇ જ ગઇ. આવડું મોટું શહેર, આટલી બધી ઝાકમઝોળ, આટલાં બધાં વાહનો અને માણસોની ભીડ!! બાપડી રડવા માંડી, મારે અહીં નથી તરવું. મામાનું વાસણા તો સાવ નાનકડું છે. બસના મુસાફરો ભેગા થઇને એને છાની રાખવા માંડયા. કન્ડકટરે રસ્તો ચીંધાડયો, બસ પોલીસ સ્ટેશને લઇ લઉં? છોકરીને પોલીસના હાથમાં સોંપી દઇએ. એ લોકો એને સહીસલામત રીતે એનાં મામાના ઘરે પહોંચાડી દેશે. પેસેન્જરોમાંથી એક પણને આ સહીસલામત વાળી વાતમાં ભરોસો ન પડયો. જયશ્રીએ પણ છાપામાં પોલીસ સ્ટેશનમાં બનતી દુઘટર્નાઓ વિશે વાંચેલું હતું. એટલે એનો ભેંકડો વધારે મોટો થઇ ગયો. છેવટે મુકેશભાઇએ પૂછ્યું, બેટા, મારામાં વિશ્વાસ પડે છે? તો મારી સાથે ચાલ.
જયશ્રીને મુકેશભાઇની આંખોમાં સજજનતા દેખાણી. એણે રડતાં-રડતાં હા પાડી દીધી. રિક્ષામાં મહેમાનએ લઇને મુકેશભાઇ ઘરે આવ્યા, ત્યારે સાંજનો સૂરજ એના આખરી કિરણો ફેંકીને અમદાવાદને આવજો! કરી રહ્યો હતો. ફલેટમાં પહોંચીને મુકેશભાઇએ પત્નીનાં હાથમાં જયશ્રી સોંપી, પારકી થાપણ છે. આજની રાત આપણે સાચવવાની છે.
પત્નીએ જયશ્રીને સોડમાં લીધી. બે નાના દીકરાઓ જયશ્રીને વીંટળાઇ વળ્યા. જયશ્રી માટે ગરમ-ગરમ ભોજન પીરસાઇ ગયું. પણ જયશ્રીની હાલત કફોડી હતી. એક તરફ એનાં કાનમાં પિતાની શિખામણ ગુંજતી હતી, પારકા માણસોનો ભરોસો કરવો નહીં. કોઇ કશું ખાવા-પીવાનું આપે તો લેવું નહીં. એણે ભોજન કરવાની ના પાડી દીધી.
બેટા તારી પાસે તારા ઘરનો કે મામાના ઘરનો ફોન નંબર છે? તો હું વાત કરી લઉં. મુકેશભાઇએ રસ્તો કાઢયો. પણ જયશ્રી એટલી હદે ગભરાઇ ગઇ હતી કે એને કશું યાદ જ આવતું ન હતું. એણે તો એક જ વાતની રટ લીધી, મને ગમે તેમ કરીને મારા મામાને ઘરે લઇ જાવ. અત્યારેને અત્યારે જ.
ખૂબ સમજાવી ત્યારે જયશ્રીએ બે કોળિયા ખાધાં. રાત્રે સાડા નવ વાગ્યે મુકેશભાઇ એને લઇને પાછા એસ.ટી. સ્ટેશને પહોંરયા. વાસણા જવા માટે બસ ઉપડી. રાત્રે અગિયાર વાગે જયશ્રીનાં મામાના ઘરે પહોંરયા. મામાના હાથમાં ભાણી સોંપી. બધી વાત કરી. ત્યાં સુધીમાં જયશ્રીનાં પિતાના ઘરે અને મામાના ઘરે રડારોળ જામી ચૂકેલી હતી. જયશ્રી ગુમ થવાની વાતથી ધરતીકંપ મચી ગયો હતો.
જયશ્રીને જીવતી-જાગતી અને અખંડ હાલતમાં જોઇને બંને પરિવારોમાં હાશ વળી. રાત્રે વાસણાથી મુકેશભાઇ જયારે પોતાના ઘરે પાછા ફર્યા, ત્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હતા. પત્ની જાગતી સૂતી હતી, એ લોકોને શાંતિ થઇ હશે નહીં? તમારો આભાર માન્યો કે નહીં?
આપણે જે કર્યું એ માનવતા ખાતર કર્યું ને? કોઇ આભાર માને કે ન માને એનાથી આપણને શો ફરક પડવાનો? મુકેશભાઇના વાકયોમાં રહેલી હતાશા સૂચક હતી. પણ એમને ખબર નહોતી કે એમણે જે દીકરી માટે સદ્કાર્ય કર્યું એ એક પટેલની દીકરી હતી અને ચરોતરના પટેલો આભાર વ્યકત કરવાની વાતે ભલે જાડા હોય છે, પણ હોય છે જબરા.. આ વાતની સાબિતી બીજા દિવસે મળી ગઇ. ગાડીઓમાં ભરાઇને જયશ્રીનાં મા-બાપ અને મામા-મામી સપરિવાર આવી ચડયાં. ભેટ-સોગાદો મુકેશભાઇના દીકરાઓ માટે હતી અને આભાર મુકેશભાઇ માટે હતો. જયશ્રીના પિતા રમણભાઇની આંખો ભીની હતી, જો તમે ન હોત તો મારા દીકરીનું શું થાત? પછી એમણે દીકરીની દિશામાં ફરીને આદેશ આપ્યો, બેટા, તારા આ બે ભાઇઓના હાથ પર રાખડી બાંધ! આજથી આપણો નવો સંબંધ શરૂ થાય છે...
રાખડી, રૂપિયાની આપ-લે, ભોજન અને પછી ભાવભીની વિદાય. સંબંધના દાણાં આયખાના ખેતરમાં વવાઇ ચૂકયા હતા, હવે પ્રતીક્ષા હતી ફસલ ઊગવાની. ફસલ ઊગી અને મબલખ ઊગી. વર્ષમાં બે વાર જયારે વેકેશન પડે ત્યારે રમણ પટેલ મુકેશભાઇને સહકુટુંબ એમના ઘરે રજાઓ ગાળવા તેડાવે. બદલામાં રમણભાઇને તો વર્ષ દરમિયાન સો વાર અમદાવાદનો ફેરો ખાવાનો થાય. દર વખતે તરવાનું તો મુકેશભાઇના ઘરે જ હોય. અને દર રક્ષાબંધનના દિવસે જયશ્રી એકને બદલે બે વાસણાની મુલાકાત લેવાનું ચૂકે નહીં.
વર્ષોવિતતાં ગયાં. જયશ્રીએ કિશોરાવસ્થાની વાડ કૂદીને યૌવનના બગીચામાં પગ મૂકયો. સારી તો હતી જ, હવે સુંદર પણ દેખાવા માંડી. એનાં માટે મુરતિયાની શોધ ચાલી. આખરે અમેરિકામાં વસતો સુખી ઘરનો ગ્રીનકાર્ડ હોલ્ડર જુવાન મળી ગયો. લગ્ન લેવાયાં.
આપણી જયશ્રી દીકરીનાં લગ્ન છે. કંઇ સૂઝે છે? મુકેશભાઇના પત્નીએ પૂછ્યું.એમાં વિચારવાનું શું? જયશ્રી મને મામા કહે છે, મારે મામેરું કરવું જ પડે ને? મુકેશભાઇ સાવ સાધારણ સ્થિતિના માણસ હતા, તો પણ ગજા ઉપરવટનું મોસાળુ કરવા માટે જયશ્રીનાં માંડવે પહોંચી ગયા. લગ્ન પતી ગયા,
હનિમૂન પણ પતી ગયું. મુરતિયાનું પાછા અમેરિકા જવાનું ટાણું નજીક આવી ગયું. જયશ્રીની પણ ત્યાં જવાની વિધિ કરવાની જ હતી. એ માટે તો અમદાવાદ આવવું જ પડે. જયશ્રી એનાં વરને લઇને મામાના ઘરે આવી. અમેરિકન મુરતિયાની નવાઇનો પાર ન હતો, આપણે પટેલ અને મામા જૈન..?
જવાબમાં નવી-નવેલી દુલ્હને અતીતમાં બની ગયેલી વાસણા નામની શરતચૂક વિશે માંડીને વાત કરી. પતિ બોલ્યો, વાઉ! જો આવી વાત હોય તો મામાનો સૌથી મોટો ઉપકાર તો મારા માથે કહેવાય! પૂછ, કેવી રીતે? કેવી રીતે? એ રાતે જો મુકેશમામાએ તને બચાવી ન હોત, તો તું અત્યારે કયાં હોત? મને પત્નીરૂપે તો ન જ મળી હોત ને! મારે પણ આ સંબંધને યાદ રાખવો પડશે. કહીને એણે રૂપાળી
પત્નીને આલિંગનમાં લીધી. પતિપત્ની અમેરિકા પહોંચી ગયા.
એ પછી એક દિવસ જયશ્રીનાં વરનો મુકેશભાઇ ઉપર ફોન આવ્યો, મામા, બે દિવસ હું તમારા ઘરે રહ્યો. એમાં હું તમારી આર્થિક તકલીફો અને ચિંતા વિશે ઘણું બધું જાણી ચૂકયો છું. પણ હવે તમે મુઝાશો નહીં. તમારા બંને દીકરાઓને કમ્પ્યૂટરનું કે એમ.બી.એ.નું ભણાવો. હજુ તો બંને નાનાં છે. પણ જેવા એ બંને જુવાન થાય, એવા જ હું એમને અમેરિકા બોલાવી લઉં છું. ના, ઉપકાર કરતો
હોઉં એ રીતે નહીં, પણ બા-કાયદા એકની સાથે મારી સગી બહેન પરણાવીને અને બીજા માટે પણ મારા પરિચિતોમાંથી કોઇ યોગ્ય કન્યા શોધીને. સામો છેડો ચૂપ હતો. માત્ર મુકેશભાઇનો ડૂમો સંભળાઇ રહ્યો હતો.
જમાઇ બોલતો રહ્યો, મામા, તમે રડો છો શા માટે? આમાં મેં કયાં મોટો મીર માર્યો છે? અરે, આ તો તમે વાવેલો સંબંધ છે, જે હવે સોળ આની ફસલ સાથે ઊગી નીકળ્યો છે. એ રાત્રે મુકેશભાઇ એમની પત્નીને કહી રહ્યા હતા, મને એ સમજાતું નથી કે બ્રહ્માંડનું સંચાલન કરતી જે અદૃષ્ટ શકિત છે એના મનમાં શું રહેલું હોય છે! જયશ્રી ભૂલી પડી, એ દુઘટર્ના હતી? કે સુ-ઘટના? કે પછી મેં ખરે સમયે નિસ્વાર્થ બુદ્ધિથી મારી ફરજ સમજીને કરેલું કૃત્ય આપણને આ ચમત્કાર બતાવી રહ્યું છે? .....
કે પછી લોકો કહે છે એ સાચું હશે કે ઈશ્વર સારા માણસોનું ઘ્યાન હંમેશાં રાખતો જ હોય છે!