વાસ્તવિકતા જુદી પણ હોઈ સકે ..

કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એક બીજા વગર રહી શકતા ન હતા. કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા.

છોકરાને હજુ વધુ અભ્યાસ માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ. સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે. એકદિવસ છોકરીને એક ગંભીર અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , " આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે." તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ?


છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી. છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ? છોકરીના કહેવાથી એના પિતાએ શહેર પણ બદલી નાંખ્યુ અને બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે. થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા.

છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાને યાદ કરીને રોજ રડ્યા કરતી. એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો. એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , " પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે. છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને સાવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.

હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં હાથના ઇશારાઓ કરીને કહ્યુ , " મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું ન બોલી શકતા લોકોની વાતચીત કરવા માટેની સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું માત્ર તારો પતિ જ નહી, તારો અવાજ પણ બનીશ. તારા વગરના જીવનની કલ્પના મારા માટે શક્ય જ નથી.મારા કે તારા મમ્મી પપ્પાને મેં આ વાત તને કરવાની ના પાડી હતી કારણકે હું તને સરપ્રાઇઝ આપવા માંગતો હતો."

તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન તરફથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વાસ્તવિકતા કંઇક જુદી પણ હોઇ શકે.